સોદો કરી બાના પેટે ૧૦.ર૬ લાખ લઈ માલિકે બીજા વ્યક્તિને મકાન વેચી માર્યું
ગાંધીનગરના સે-૩૦માં મકાન ખરીદવા બાબતે છેતરપિંડી કરી ઃ સે-ર૧માં મકાનમાલિક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ
ગાંધીનગર, આલીશાન મકાન વેચવા માટે માલિકે એક વેપારી સાથે ૧.૭પ કરોડમાં સોદો નકકી કર્યો હતો. તેના બાના પેટે રૂપિયા ૧૦.ર૬ લાખ લઈ માલિકે બીજા વ્યક્તિને મકાન વેચી મારી વેપારી સાથે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ સેકટર-ર૧ પોલીસ મથકમાં નોંધાઈ છે તેના આધારે પોલીસે મકાન માલિક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
ચોંકાવનારા બનાવ અંગે ગાંધીનગર સેકટર-ર૦ અક્ષરધામ હરિ મંદિર ખાતે રહેતા અને કેટરિંગનો ધંધો કરતા લક્ષ્મીલાલ ભુરીલાલજી પાલીવાલે સેકટર-ર૧ પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે તેમાં જણાવાયેલી વિગત એવી છે કે ગાંધીનગરમાં મકાન ખરીદવાનું હોવાથી લક્ષ્મીલાલે જૂન-ર૦ર૧માં કેયુર મેર નામના બ્રોકર મારફતે સેકટર-૩૦, ગુજરાત હાઉસીંગ બોર્ડ એચ.આઈ.જી. સ્ક્રિમ હેઠળ બાંધવામાં આવેલા સર્વોદય નગરમાં મકાન નં.૩૩ જાેયું હતું.
તે મકાન પસંદ પડી જતાં મકાન માલિક ચેતનસિંહ સુરેન્દ્રસિંહ રહેવર (રહે. સાદરા) સાથે ભાવ-તાલની ચર્ચા કરવામાં આવી હતી. તે દરમિયાન મકાન ખરીદવા માટે રૂ.૧.૭પ કરોડમાં સોદો નકકી થયો હતો અને તા.૧૧.૬.ર૦ર૧ના રોજ બાનાખત કરવાનું નકકી કરી લક્ષ્મીલાલે તેમના દીકરા ગીરીશના ખાતાનો રૂ.પ૧ હજારનો ચેક ચેતનસિંહને આપ્યો હતો. દરમિયાન ચેતનસિંહે પૈસાની અત્યંત આવશ્યકતા હોવાની કાકલુદી કરીને લક્ષ્મીલાલ પાસેથી બીજા રૂ.૧પ લાખ માંગ્યા હતા ત્યારે લક્ષ્મીલાલે બીજા રૂ.૧ર.ર૬ લાખ આપ્યા હતા.
દરમિયાન લક્ષ્મીલાલે બાનાખત કરવા માટે ચેતનસિંહને વારંવાર કહ્યું હતું ત્યારે દરેક વખતે ચેતનસિંહ બહાના બતાવ્યા કરતો હતો જેથી લક્ષ્મીલાલે તપાસ કરતાં બાનાખત નહી કરીને મકાન માલિકે બારોબાર અન્ય વ્યક્તિને મકાન વેચી માર્યું હતું છેતરાયા હોવાનું જણાઈ આવતાં લક્ષ્મીલાલે પૈસા પરત માંગતા તેણે રૂ.ર લાખ ચેકથી પરત કર્યા હતા.
પરંતુ બાકીના રૂ.૧૦.ર૬ લાખ પરત આપતો ન હતો અને હાથ અધ્ધર કરી લીધા હતા. જેથી લક્ષ્મીલાલે ફરિયાદ નોંધાવતા સેકટર-ર૧ પોલીસે ચેતનસિંહ રહેવર વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ કરી તેની સામે કાર્યવાહી હાથ ધરી છે.