માવઠા બાદ મોંઘવારીનો માર, શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો

Files Photo
શાકભાજીના ભાવમાં સરેરાશ ૩૦ ટકાનો વધારો
અમદાવાદ, માવઠા બાદ મોંઘવારીમાં વધારો થયો છે. માવઠા અને લગ્નસરાની સીઝનના કારણે શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો થયો છે. હોલસેલ માર્કેટમાં શાકભાજીના ભાવમાં સરેરાશ ૩૦ થી ૪૦ ટકાનો વધારો થયો હતો. બે દિવસ અગાઉ પડેલા કમોસમી વરસાદ અને લગ્નસરાની સીઝન અગાઉ શાકભાજીના ભાવમાં વધારો થયો હતો. After Rain, inflation hit, prices of vegetables skyrocketed
શાકભાજીના ભાવમાં સરેરાશ ૩૦ ટકાનો વધારો નોંધાયો છે. બે દિવસના કમોસમી વરસાદથી પહેલા ખેડૂતોનું તો હવે ગૃહિણીઓનું રસોઈનું બજેટ ખોરવાઇ ગયું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદથી પાપડી, વટાણા, ભીંડા સહિતની શાકભાજીની વાડીઓમાં પાણી ભરાતા ભારે નુક્સાન થયું છે. દક્ષિણ ગુજરાતની જેમ જ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનો મહત્તમ ભાગ માવઠાનો શિકાર બનતા તુવેર, ગુવાર, ટામેટાના છોડ અને દૂધી, કાકડીના વેલાઓને ભારે નુક્સાન થયું છે.
સ્વાભાવિક રીતે આ નુકસાનની અસર બજારોમાં પણ જાેવા મળવા લાગી છે. રાજ્યમાં પાકતા શાકભાજીના ભાવમાં ૨૦થી ૩૦ ટકાનો વધારો જાેવા મળી રહ્યો છે. કમોસમી વરસાદના કારણે શાકભાજીમાં જીવાત પકડવાની શક્યતા રહેલી છે અને નાના છોડ અને વેલાઓ કોહવાઇ જાય તેવી શક્યતા રહેલી છે. હોલસેલ માર્કેટમાં ૩૦ રૂપિયાના ભાવે વહેંચાતા ટામેટા ૪૦ સુધી તો ૩૫ રૂપિયાના ભાવે વેચાતા રિંગણ, વટાણા, તુવેરના ભાવ વધીને ૪૫ સુધી પહોંચવાની શક્યતા છે.
હાલમાં શાકભાજીના ભાવ શું છે તેના પર નજર કરીએ તો પાલક ૮૦, આદુ ૧૬૦, મેથી ૧૦૦, ટામેટા ૬૦થી ૭૦, રીંગણ ૮૦, ભીંડા ૮૦, કોબીઝ ૬૦, ગવાર ૧૦૦, ફ્લાવર ૬૦ રૂપિયે કિલો વેચાઇ રહ્યા છે. સિંગતેલના ભાવમાં ૫૦ રૂપિયા સુધીનો વધારો થયો છે. મગફળીનો પાક તો અગાઉ તૈયાર થઈ ગયો છે અને અંદાજીત ૪૦ લાખ ટન પાકનો અંદાજ સરકારે જાહેર કર્યો છે.
૨૦ તારીખે સિંગતેલનો ભાવ ૨૬૩૫-૨૬૮૫ની નીચી સપાટી સુધી પહોંચ્યો હતો. પરંતુ ૨૬ તારીખ મહત્તમ ભાવ ૨૭૩૫ સુધી પહોચ્યો પરંતુ ગઈકાલે ભાવ ૨૭૩૫-૨૭૮૫નો રહ્યો હતો.જાે કે કપાસિયા તેલના ભાવ હાલ સ્થિર જાેવા મળી રહ્યા છે. તહેવારો બાદ પણ સોનાના ભાવમાં વધારો યથાવત છે. અમદાવાદમાં પ્રતિ દસ ગ્રામ સોનાનો ભાવ ૬૪ હજાર પર પહોચ્યો હતો.
નવા સપ્તાહના પ્રથમ દિવસે જ અમદાવાદમાં ગોલ્ડના ભાવમાં ૫૦૦ રૂપિયાનો ઉછાળો આવ્યો હતો. વૈશ્વિક બજારમાં છ મહિનાની ટોચ તથા સ્થાનિકમાં ડોલર સામે રૂપિયામાં નરમાઈએ કારણે સોનાના ભાવમાં વધારો થયો હતો.