Western Times News

Gujarati News

દસ વર્ષ પછી ફરી સક્રિય થઈ છે લૂંટ ચલાવતી ઈરાની ગેંગ

ક્રાઈમ બ્રાંચની ઓળખ આપી લૂંટ ચલાવતી ઈરાની ગેંગ -કાંકરિયા અને લો ગાર્ડન નજીક થયેલી સોનાના દાગીનાની લૂંટના ચકચારી કેસમાં ઈરાની ગેંગનો હાથ હોવાનો પર્દાફાશ

અમદાવાદ, શહેરમાં લગભગ એક દાયકા પછી વેશ બદલવામાં માહેર અને શાતિર ઈરાની ગેંગ ફરીથી સક્રિય થતાં અમદાવાદ પોલીસ એલર્ટ મોડ પર આવી ગઇ છે. ચેકિંગના બહાને ક્રાઈમ બ્રાંચના પોલીસ કર્મચારી અને અધિકારીઓની ઓળખ આપીને જાે કોઈ વ્યક્તિ દાગીના ઉતારવાનું કહે તો ચેતી જજાે, કારણ કે તે ઈરાની ગેગના સભ્યો હોઈ શકે છે.

દસ વર્ષ પહેલાં ઇરાની ગેંગના આતંકનો અંત અમદાવાદ પોલીસે લાવી દીધો હતો, પરંતુ હવે તે ફરીથી સક્રિય થઇ ગઇ છે. કાંકરિયા અને લો ગાર્ડન નજીક થોડા દિવસો પહેલાં ક્રાઈમ બ્રાંચની ઓળખ આપીને લાખો રૂપિયાના દાગીના ભરેલી બેગ ઝૂંટવી જવાના કેસમાં ઇરાની ગેંગનો હાથ હોવાનો પર્દાફાશ થયો છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચના તત્કાલીન ડીસીપી હિમાંશુ શુક્લાએ જે તદે સમયે ઇરાની ગેંગના મોટા ભાગના સભ્યોને જેલના સળિયા પાછળ ધકેલીને આ ગેંગના આતંકને ખતમ કરી દીધો હતો. ઇરાની ગેંગની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો આ ગેંગના સભ્યો રોડ પર પોલીસનો વેશ ધારણ કરીને ઊભા રહે છે અને ચેકિંગના બહાને ટાર્ગેટ કરેલા લોકોને વાતોની જાળમાં ફસાવીને તેમની પાસે રહેલા લાખો રૂપિયાના દાગીના કે રોકડની લૂંટ ચલાવે છે.

આ મામલે ઝોન-૭ના ડીસીપી બી.યુ.જાડેજાએ જણાવ્યું છે કે ઇરાની ગેંગનાં કારનામાંની વાત કરીએ તો થોડા દિવસ પહેલાં સેટેલાઈટ વિસ્તારમાં આવેલા ઈશ્વરચરણ કોમ્પ્લેક્સમાં રહેતા શૈલેન્દ્રસિંહ રાજપૂતે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ૯.૫૪ લાખ રૂપિયાના દાગીનાની લૂંટની ફરિયાદ કરી હતી.

આ શખ્સોએ શૈલેન્દ્રસિંહને ક્રાઈમ બ્રાંચના કર્મચારી તરીકે ઓળખ આપીને કહ્યું હતું કે અત્યારે વાહન ચેકિંગ ચાલી રહ્યું છે, તારી બેગમાં શું છે, તે ખોલીને બતાવ. શૈલેન્દ્રસિંહે બેગ ખોલીને બતાવતાં તેમાં સોનાના દાગીના હતા. આ દરમિયાન એક યુવક હાથમાં કાળા કલરની બેગ લઇને ત્યાંથી નીકળ્યો હતો, જેથી બંને શખ્સોએ તેને રોકીને કહ્યું હતું કે આ બેગમાં શું છે ?

યુવકે બંને શખ્સોને કહ્યું કે આ બેગમાં સોના-ચાંદીના દાગીના છે. શૈલેન્દ્રસિંહની સામે બંને શખ્સોએ યુવકનું ચેકિંગ કર્યું હતું. યુવકની સોના-ચાંદીના દાગીના ભરેલી બેગ લઇને બંને શખ્સોએ કહ્યું કે તું કાગડાપીઠ પોલીસ સ્ટેશન આવી જા. ત્યારબાદ શૈલેન્દ્રસિંહ પાસેથી સોનાના દાગીના ભરેલી બેગ લઇ લીધી હતી અને તેને કાગડાપીઠ પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો.

બંને શખ્સોએ શૈલેન્દ્રસિંહને કહ્યું કે તું અમારી પાછળ પાછળ બાઇક લઈને પોલીસ સ્ટેશન આવી જા. શૈલેન્દ્રસિંહે તેના બોસને ફોન કરવા માટે મોબાઈલ પેન્ટના ખિસ્સામાંથી કાઢ્યો ત્યારે બંને શખ્સો તેના હાથમાંથી સોનાના દાગીના ભરેલી બેગ તફડાવીને નાસી છૂટ્યા હતા. બેગમાં ૧૭ તોલા સોનાના દાગીના હતા, જેની કિંમત ૯.૫૪ લાખ રૂપિયા થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.