કાર ડ્રાઈવર શ્રમિકને કચડ્યા બાદ લાશ સાથે કલાકો સુધી ફરતો રહ્યો
૨૫ વર્ષનો કાર ડ્રાઈવર ઘટના બાદ ભીડ જાેઈ ડરી ગયો અને શ્રમિકને હોસ્પિટલ લઈ ગયો
(એજન્સી)આગ્રા, એક ચોંકાવનારી ઘટનામાં, કાર ડ્રાઈવરે ૩૫ વર્ષના શખ્સને કચડી નાખ્યો હતો અને બાદમાં સ્વેચ્છાએ તેને હોસ્પિટલ લઈ ગયો હતો પરંતુ જ્યારે પીડિતનું રસ્તામાં મોત થયું તો તે કલાકો સુધી તેને લઈને ફરતો રહ્યો હતો અને બાદમાં લાશને કેનાલમાં ફેંકી દીધી હતી.
માહિતી મળ્યા બાદ પોલીસે શોધખોળ શરૂ કરી હતી અને આરોપીની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે, ઘટના ગુરુવારે બપોરે મુઝફ્ફરનગરના છાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. શ્રમિક તરીકે કામ કરતો મનોજ કુમાર જ્યારે મુઝફ્ફનગર જિલ્લાના બસેરા ગામમાં આવેલા ઘરે પરત ફરી રહ્યો હતો
ત્યારે પૂર ઝડપે આવી રહેલી કારે તેને અડફેટે લીધો હતો. વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કર્યા બાદ પોલીસે શુક્રવારે ૨૫ વર્ષીય કાર ડ્રાઈવરની ધરપકડ કરી હતી. આરોપી કાર ચાલક દિલખુશ દ્વારા આપવામાં આવેલી માહિતી બાદ પોલીસે લાશને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો સ્થળ પર એકઠા થયા હતા. ડ્રાઈવર તેની ગભરાય ગયો હતો અને જાતે જ પોતાની કારમાં ઈજાગ્રસ્ત મનોજને બેસાડીને હોસ્પિટલ લઈ ગયો હતો, પરંતુ મનોજનું રસ્તામાં જ મોત થયું હતું. જે બાદ ડ્રાઈવર કલાકો સુધી લાશને લઈને ફરતો રહ્યો હતો
અને અંતે ઘટનાસ્થળથી ૩૪ કિમી દૂર આવેલા ચર્થવલ વિસ્તારમાંથી પસાર થતી એક કેનાલમાં ફેંકી દીધી હતી. છપ્પર પોલીસ સ્ટેશનના એસએચઓ અમૃતપાલ શર્માએ જણાવ્યું હતું કે ‘અકસ્માત બાદ મનોજના પરિવારજનોએ પોલીસનો સંપર્ક કરીને તેની શોધખોળ કરવા વિનંતી કરી હતી.
પરિવાર તરફથી આ બાબતની જાણ થતાં અમે મનોજને શોધવા માટે સર્ચ ડ્રાઇવ શરૂ કરી હતી. અમે ઘણી સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં શોધખોળ કરી પરંતુ કોઈ ફાયદો થયો નહીં. બાદમાં વિસ્તારના સીસીટીવી ફૂટેજ સ્કેન કર્યા પછી અમે કારને ટ્રેસ કરી હતી, જે ઘણીવાર વેચવામાં આવી હતી અને આખરે અમે આરોપી કાર ડ્રાઈવરને શોધી કાઢ્યો હતો.
પૂછપરછ દરમિયાન, દિલખુશે પોલીસને મનોજની લાશને કેનાલમાં ફેંકી દીધી હતી, જેના પગલે તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. કેનાલમાં લાશને શોધવા માટે આશરે ૧૨ જેટલા ગોતાખોરોને તૈનાત કરવામાં આવ્યા હતા. શુક્રવાર સાંજ સુધી સર્ચ ડ્રાઈવ યથાવત્ હતી.
મુંબઈમાં પણ હાલમાં હત્યાનો બનાવ બન્યો હતો, જ્યાં શખ્સે તેની લિવ ઈન પાર્ટનરને મોતને ઘાટ ઉતારી હતી. રિક્ષામાં તેણે તેના પર હુમલો કર્યો હતો અને બાદમાં ગુનો આચર્યો હતો. બંને વર્ષથી લિવ ઈન રિલેશનશિપમાં હતો, એક દિવસ બંને વચ્ચે સાથે રહેવાની બાબતમાં ઝઘડો થયો હતો. શખ્સ વધારે ગુસ્સાવાળો હતો અને અવારનવાર યુવતીને મારતો હતો.
તેથી, યુવતીએ તેની સાથે ન રહેવાનું નક્કી કર્યું હતું. યુવતી તેના માતા-પિતા સાથે રહેવા જતી રહી હતી. એક દિવસ શખ્સે તેને મળવા બોલાવી હતી અને ફરીથી સાથે રહેવાની વિનંતી કરી હતી પરંતુ તેણે સ્પષ્ટ ના પાડતા શખ્સે પિત્તો ગુમાવ્યો હતો અને તેને મારી નાખી હતી.