અદાલતના આદેશ બાદ 42.50 લાખની છેતરપીંડી કેસમાં પોલીસે ગુનો દાખલ કર્યાે
હાલોલ ના સ્ક્રેપના વ્યાપારી સલીમભાઈને ગાઝિયાબાદથી સ્ક્રેપ નો મોટો જથ્થો આપવાની લાલચમાં ૪૨.૫૦ લાખ રૂ.ની છેતરપિંડી કરનારા ભેજાબાજ આરોપીઓ સામે ગુનો દાખલ
(પ્રતિનિધિ)ગોધરા, ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ ખાતેથી સ્ક્રેપનો સારો અને મોટો જથ્થો મંગાવી આપવાની લાલચ આપી હાલોલના સ્ક્રેપના વેપારી પાસેથી ૪૨.૫૦ લાખ રૂપિયાની છેતરપિંડી આચરનાર ચાર આરોપીઓ સામે નામદાર એડિશનલ સિવિલ કોર્ટ હાલોલના આદેશ બાદ હાલોલ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે
અને આ સમગ્ર મુદ્દો હાલોલ ખાતે મોટા પાયે સ્ક્રેપનો ધંધો વેપારીઓમાં ચર્ચાના એરણે ચઢયો છે. બનાવની વિગતો મળતી પ્રમાણે હાલોલ શહેરના પાવાગઢ રોડ પર રોયલ પાર્કમાં રહેતા સ્ક્રેપના વેપારી મોહમ્મદ સલીમ અબ્દુલગની ખોખર તેમજ વડોદરાના તાઇબા હાઈટ,તાઇફ નગર તાંદલજા ખાતે રહેતા અને એસ.આર.સ્ટીલ ટ્રેડર્સના પ્રોપરાઇટર નૌસાદ સોકત ગોર બન્નેનો એક જ પ્રકારનો સ્ક્રેપનો ધંધો હોવાને લઈને અવારનવાર મુલાકાતો અને વાતચીત થયા કરતી હતી
જેને લઈને વર્ષ ૨૦૧૮ ના ડિસેમ્બર મહિનામાં નૌસાદભાઈએ સલીમભાઈનો સંપર્ક કરી જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ ખાતે સ્ક્રેપનો મોટો અને સારો માલ છે જો આપણે ખરીદી લઈએ તો તેમાંથી સારો એવો વેપાર કરી કમાણી થાય તેમ છે અને યુ.પી.ની જે પાર્ટી છે તે અમારી ખાસ પાર્ટી છે અને લગભગ દોઢથી બે કરોડ રૂપિયાનો નફો મળે તેમ છે તેમ કહી નૌસાદ ભાઈએ સલીમભાઈને વોટ્સએપમાં માલના ફોટા પણ બતાવ્યા હતા
અને ઉત્તર પ્રદેશના ડી.કે. ટ્રેડર્સના પ્રોપરાઇટર બાસીત પ્રધાન સાથે ફોન પર વાતચીત કરાવી હતી અને ત્યારબાદ વડોદરા ખાતે તેઓની મુલાકાત પણ કરાવી હતી અને સૌ પ્રથમ તારીખ ૧૯-૧૨-૨૦૧૮ ના રોજ સ્ક્રેપના જથ્થા પેટે ૧૧ લાખ રૂપિયા ડી.કે. ટ્રેડર્સના ખાતામાં આર.ટી.જી.એસ મારફતે જમા કરાવ્યા હતા જે બાદ નૌસાદભાઈ અને બાસીતભાઈએ ભેગા મળી સલીમભાઈને વાતચીતમાં ભેળવી વિશ્વાસમાં લીધા હતા
અને નૌસાદભાઈએ જણાવ્યું હતું કે બાસીતભાઈ પાસેથી મારા નામે માલ મંગાવો પડશે તેમ કહી ૧૮ લાખ રૂપિયા પોતાના એસ.આર.સ્ટીલ ટ્રેડર્સના ખાતામાં આર.ટી.જી.એસ કરાવ્યા હતા જે બાદ આ બન્ને ઈસમોએ ફરી એકવાર સલીમભાઈને માલની કિંમત વધારે છે તેમ કંઈ વધુ ૧૩.૫૦ લાખ આર.ટી.જી.એસ. મારફતે ડી.કે. ટ્રેડર્સના ખાતામાં નખાવ્યા હતા ત્યારબાદ તારીખ ૦૨-૦૪-૨૦૧૯ના રોજ ૫,૦૪,૦૦૦/- રૂપિયાનો માલ મોકલવામાં આવ્યો હતો
જેમાં માલનું બિલ અને ૧૮% જીએસટી પ્રમાણે કુલ રકમ કુલ ૫,૯૪,૭૨૦/- નું ઇ-વે બિલ પણ મોકલ્યું હતું અને શ્રીકૃષ્ણ રોડ ટ્રાન્સપોર્ટ લાઈન્સનું ટ્રાન્સપોર્ટનું ૪૩,૨૦૦/- રૂપિયાની ભાડાની પણ પાવતી મોકલી આપી હતી જેમાં એક વાર માલનો જથ્થો મોકલાવ્યા બાદ બહુ લાંબા સમય સુધી અન્ય કોઈ માલની ડીલેવરી આ બન્ને ઈસમો દ્વારા ન કરવામાં આવતા સલીમભાઈએ વારંવાર ફોન કરી
તેમજ રૂબરૂ મળી માલ વિષે પૂછપરછ કરી માલ મંગાવવાની વાત કરતાં નૌસાદભાઈ અને બાસીતભાઈ તેઓને ગોળ ગોળ ફેરવી સંતોષકારક જવાબ આપતા ન હતા અને પ્રથમ માલનો જથ્થો મોકલાયા બાદ લાંબા સમય સુધી અન્ય માલ મોકલાવેલ ન હતો અને આ બન્ને ભેજાબાજ ઈસમોએ યોજનાબદ્ધ કાવતરું રચી સલીમભાઈ સાથે વિશ્વાસ કેળવી લઈ
તેઓને વિશ્વાસમાં લઈ સક્રેપનો સારો અને મોટો માલ આપવાના બહાને ૪૩.૫૦ લાખ રૂપિયા રકમ સ્ક્રેપનાં માલ પેટે લઈ માત્ર ૫ લાખ જેટલો જ માલ આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાનું અને પોતે છેતરાયા હોવાનું સલીમભાઈને મહેસુસ થતા તેઓએ જે તે સમયે હાલોલ ટાઉન પોલીસ મથકે આ બાબતે ફરિયાદ નોંધાવા ગયા હતા પરંતુ હાલોલ ટાઉન પોલીસ દ્વારા તેઓની ફરિયાદ લેવામાં આવી ન હતી.