કેન્સરગ્રસ્ત મહિલાના મોત બાદ શખ્સે બેંકમાંથી રૂ. ૨૧.૧૬ લાખ ઉપાડી લીધા
અમદાવાદ, સિંગરવામાં ખુશરાજી સિનિયર સિટીઝન કેર એન્ડ રિસર્ચ સેન્ટરમાં સ્વયંસેવક તરીકે કામ કરતા યુવકે કેન્સરગ્રસ્ત મહિલાના મોત બાદ તેમના ખાતામાથી રૂ.૨૧.૧૬ લાખ પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને ઠગાઈ આચરી લીધી હોવાનું ટ્રસ્ટના મેનેજરને ધ્યાને આવતા પાર્થ નામના યુવક વિરુદ્ધ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
સિંગરવામાં રહેતા ઇશિતાબેન કોન્ટ્રાક્ટર વર્લ્ડ રિન્યૂઅલ સ્પિરિચ્યૂઅલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ખુશરાજી સિનિયર સિટીઝન કેર એન્ડ રિચર્સ સેન્ટરમાં મેનેજર તરીકે નોકરી કરે છે. આ ટ્રસ્ટમાં હરિયાણાના અંબાલાનો પાર્થ ક્રિષ્ન ગ્રોવર સ્વંયસેવક તરીકે એક વર્ષ અગાઉ જોડાયો હતો. તેને પગાર ચૂકવવામાં આવતો હતો.
સંસ્થામાં આશ્રિત તરીકે રક્ષાબેન ગાંધી રહેતા હતા. તેમને કેન્સરની બીમારી થતા હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. આ સમયે પાર્થ તેમની દેખરેખ રાખતો હતો. પાર્થ આશ્રિત મહિલાના બેંકના કામકાજ પણ કરી આપતો હતો.
વૃદ્ધ રક્ષાબેને પોતાની મિલ્કતનું વસિયતનામું બનાવ્યું હતું જેમાં સાક્ષી પાર્થને રાખ્યો હતો. રક્ષાબેને તેમની તમામ મિલ્કત ટ્રસ્ટના નામે કરી હતી. સારવાર દરમિયાન રક્ષાબેનનુ મોત નિપજ્યુ હતુ.
બાદમાં પાર્થ ગામડે જતો રહ્યો હતો. થોડાંક મહિના બાદ ટ્રસ્ટમાં પાછો આવ્યો ત્યારે પોતાના માતા-પિતાને પણ સાથે લઇને આવ્યો અને રક્ષાબેનના મોત બાદ તેના વર્તનમાં ઘણો ફેરફાર જોવા મળી રહ્યો હતો. જેથી મેનેજર ઈશીતાબેનને શંકા જતા પાર્થ સાથે વાતચીત કરવા નજીક ગયા તેટલામાં પાર્થ ટ્રસ્ટની દીવાલ કૂદીને નાસી ગયો હતો.
મહિલા મેનેજરે રક્ષાબેનના રૂમમાં જઈને તપાસ કરતા પાસબુક મળી આવી હતી. તેમાં તેમના મૃત્યુ બાદ પાર્થે ૨૧.૧૬ લાખ રૂપિયા એકાઉન્ટમાથી ઉપાડી લીધા હોવાનું સામે આવ્યુ હતુ. આ અંગે ઇશિતાબેને પાર્થ સામે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ઠગાઇની ફરિયાદ નોંધાવી છે.SS1MS