Western Times News

Gujarati News

પતિ રસિક દવેનું અવસાન થતાં જ એકલી પડી ગઈ કેતકી દવે

મુંબઈ, થિયેટર, ટીવી અને ફિલ્મ એક્ટર રસિક દવેનું શુક્રવારે સાંજે ૮ કલાકે નિધન થયું હતું. તેમના પત્ની કેતકી દવેએ ઈન્ટરવ્યૂમાં તેમના પતિ અને તેમના વગર કેવી રીતે જીવન પહેલા જેવું નહીં રહે તે વિશે વાત કરી હતી. તેમને કિડની સંબંધિત સમસ્યા હોવાનું નિદાન થતાં છેલ્લા કેટલાક વર્ષો ખૂબ કપરાં હતા.

‘રસિક ક્યારેય પણ તેમની બીમારી વિશે વાત કરવા માગતા નહોતા. તેથી, તેમણે તેમની લથડતી જતી તબિયત વિશે કોઈને જાણ કરી નહોતી. તેઓ પ્રાઈવેટ વ્યક્તિ હતા અને બધું ઠીક થઈ જશે તેવું માનતા હતા. પરંતુ અમને ક્યાંકને ક્યાંક જાણતા હતા કે, તેઓ ઠીક નહોતા’

થોડા દિવસ પહેલા તેમણે મારે હંમેશા કામ કરતાં રહેવું જાેઈએ તેમ કહ્યું હતું. હું એક નાટક કરવાની હતી અને મેં તેમને કહ્યું હતું કે, હું કામ કરવાની સ્થિતિમાં નથી, પરંતુ તેઓ કહેતા રહેતા હતા કે શો મસ્ટ ગો ઓન અને મારે કામ કરવાનું બંધ ન કરવું જાેઈએ.

જ્યારે તેઓ બીમાર હતા, જ્યારે પણ કહેતા રહેતા હતા કે, બધું ઠીક થઈ જશે અને મારે આશા ન ગુમાવવી જાેઈએ. આજે હું ખૂબ જ હિંમતથી બધું મેનેજ કરી શકી કારણ કે તેઓ હંમેશા મારી સાથે રહેતા હતા. મારી પડખે મારા પરિવારના સભ્યો, મારી માતા, મારા બાળકો, મારા સાસુ બધા જ છે અને તેઓ મારા સૌથી મોટા સપોર્ટ સિસ્ટમ છે, પરંતુ હું મારા પતિને ખૂબ મિસ કરી રહી છું’.

એક્ટ્રેસે જણાવ્યું હતું કે, તેના માતા સરિતા જાેશીએ છેલ્લા બે વર્ષમાં તેને જીવનનો સામનો કરવામાં મદદ કરી હતી. ‘જ્યારે રસિકને કિડનીની બીમારી હોવાની જાણ થઈ તો હું ભાંગી પડી હતી. મારા માતા હંમેશા સૌથી મોટો સપોર્ટ રહ્યા છે.

તેઓ હંમેશા કહે છે કે, વ્યક્તિ દુઃખમાં હોઈ શકે, પરંતુ તે દુઃખ હાવી ન થવું જાેઈએ. જીવનને શરતો પર જીવવું જાેઈએ અને જે પડકારો આવે તેનો હિંમતથી સામનો કરવો જાેઈએ. તું હારી શકે નહીં. હું આજે તે કરવાનો પ્રયાસ કરી રહી છું, પરંતુ જીવન પહેલા જેવું નહીં હોય. હું જીવનના દરેક તબક્કે રસિકને યાદ કરીશ. પરિવારના સભ્યો સાથે છે, પરંતુ તેમની ખોટ હંમેશા વર્તાશે’, તેમ કેતકી દવેએ ઉમેર્યું હતું.

વર્ષ ૧૯૭૯માં એક નાટકના સેટ પર રસિક દવે સાથે થયેલી પહેલી મુલાકાતને યાદ કરતાં કેતકીએ કહ્યું હતું અમે પહેલી નજરમાં એકબીજાને ગમી ગયા હતા. ઘણા નાટકો અને ટીવી શોમાં સાથે કામ કર્યું હોવાથી પ્રેમમાં પડ્યા હતા અને ૧૯૮૩માં લગ્ન કર્યા હતા.

રસિત ડાઉન-ટુ-અર્થ, સ્થિર અને જીવનને મન ભરીને જીવવામાં માનતા હતા. તેઓ ક્યારેય કોઈ વાતના દબાણ હેઠળ આવતા નહોતા અને મને પણ જીવનમાં ઉતાર-ચડાવનો સામનો કરવા માટે પ્રેરિત કરતાં હતા. હું કહી શકું છું કે, રસિક સાથેના લગ્નજીવનના ૪૦ વર્ષ ખુશીથી પસાર થયા કારણ કે, તેઓ એવા વ્યક્તિ હતા જેઓ જીવન સારી રીતે જીવવું જાેઈએ તેમ માનતા હતા’.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.