Western Times News

Gujarati News

અંતિમ અમૃત સ્નાન પછી અખાડાઓની કુંભમાંથી વિદાયનો આરંભ શરૂ

મહાકુંભ નગરી, મહાકુંભ મેળાનું સત્તાવર સમાપન ૨૬ ફેબ્રુઆરીના રોજ થઈ રહ્યું છે, પરંતુ તે પહેલાં કુંભને આગવી ઓળખ આપનારા ૧૩ અખાડાઓ વિદાય લઈ રહ્યા છે. પ્રસ્થાનના સંકેત સ્વરૂપે સૌ પ્રથમ તેમણે પોતાની ધજાઓ નીચી કરી દીધી છે.

સોમવારે વસંત પંચમીના રોજ છેલ્લા અમૃત સ્નાન પછી અખાડાઓએ પરંપરાગત કઢી પકોડાના ભોજન સાથે મહાકુંભ નગરીમાંથી નીકળવાની તૈયારી કરી લીધી છે.૧૩ અલગ-અલગ અખાડામાં શિવ ઉપાસક સન્યાસી, રામ-કૃષ્ણને સમર્પિત બૈરાગી અને પંચદેવના સાધક ઉદાસીનનો સમાવેશ થાય છે.

મંગળવારે બૈરાગી પંથના પંચ નિર્વાણી અખાડામાંથી ૧૫૦ જેટલા સંતો રવાના થયા હતા અને હવે માત્ર ૩૬ રહ્યા છે. અયોધ્યાના હનુમાનગઢી સાથે સંકળાયેલા પંચ નિર્વાણી અખાડાના મહંત રાજુદાસે કહ્યું હતું કે, પરંપરાગત ઉજવણી સાથે ઠાકુરજીને ખસેડ્યા પછી ધર્મ ધ્વજા નીચી કરી દેવામાં આવશે. જૂના અખાડાના નાગા સાધુઓ ૭ ફેબ્રુઆરીથી પ્રસ્થાન કરશે.

જૂના અખાડાના આંતરરાષ્ટ્રીય પ્રવક્તા મહંત નારાયણ ગિરિએ જણાવ્યું હતું કે, તેમના અખાડા દ્વારા ૭મીએ કઢી પકોડાના મિજબાની યોજાશે. ત્યાર પછી સંતો દ્વારા ધર્મ ધ્વજા નીચી કરીને પ્રસ્થાન કરવામાં આવશે. તેઓ સૌ પ્રથમ કાશી જશે અને મહાશિવરાત્રિ સુધી રોકાશે.

કાશી વિશ્વનાથના સાનિધ્યમાં ‘મસાને કી હોલી’ ઉજવશે, પવિત્ર ગંગા નદીમાં ડૂબકી મારશે અને ત્યાર બાદ પોતાના મઠ-આશ્રમમાં જશે. આવાહન અને પંચ અગ્નિ અખાડાના સાધુ-સંતો પણ આ પ્રક્રિયા કરશે અને જ્યાંથી આવ્યા હતા તે સ્થળે એટલે કે કાશ્મીર જશે.

બૈરાગી અખાડાના કેટલાક સંતો અયોધ્યા અને વૃંદાવન પણ જશે. ઉદાસીન અને નિર્મલ અખાડાના સભ્યો પંજાબના આનંદપુર સાહિબ તરફ ગતિ કરશે. મહંત નારાયણ ગિરિએ જણાવ્યું હતું કે, વસંત પંચમી પછી માઘી પૂર્ણિમા અને મહાશિવરાત્રિએ સંગમ સ્થળે ડૂબકી મારવામાં સામાન્ય શ્રદ્ધાળુઓને પ્રાથમિકતા હોય છે. તેથી આ દિવસો સુધી અખાડાના સાધુ-સંતો રોકાતા નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.