રાજકોટ દુર્ઘટના બાદ કાંકરિયા પરિસરમાં સહેલાણીઓ અને આવક ઘટ્યા
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરના ઐતિહાસિક કાંકરીયા તળાવનું 2007-08 નવીનીકરણ કરવામાં થયા બાદ 25 ડિસેમ્બર 2008 ના દિવસે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નવીનીકરણ થયેલ કાંકરિયા પરિસરમાં સહેલાણીઓ માટે ટોય ટ્રેન, કિડ્સ સીટી, વોટર સ્પોર્ટ્સ સહિત અનેક નવા આકર્ષણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
જેના કારણે કાંકરિયા લેઈક ફ્રન્ટ ની મુલાકાતે દર વર્ષે ખૂબ જ મોટી સંખ્યામાં દેશ-વિદેશના સહેલાણીઓ આવે છે. પરંતુ છેલ્લા બે – ત્રણ મહિનામાં કાંકરિયા ફ્રન્ટની મુલાકાત લેનાર સહેલાણીઓ અને આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
અમદાવાદ શહેરના કાંકરિયા તળાવમાં જૂન અને જુલાઈ મહિનામાં સહેલાણીઓની સંખ્યામાં ઘટાડો થયો. જૂન 2023માં કાંકરિયા પરિસરની 392999 લોકોએ મુલાકાત લીધી હતી. જેની સામે જૂન 2024 માં 3816560 લોકો કાંકરિયા આવ્યા હતા. તેવી જ રીતે જુલાઈ 2023 માં 299518 મુલાકાતી સામે જુલાઈ 2024માં 235389 લોકો કાંકરિયા પરિસરમાં આવ્યા હતા.
મે મહિનામાં વેકેશન હોવાથી સહેલાણીઓ ની સંખ્યામાં વધારો થવો જોઈએ પરંતુ મે 2023માં 664400 વિઝિટર્સ સામે મે 2024માં 575987 વિઝિટર્સ જ આવ્યા હતા. સહેલાણીઓ ની સંખ્યામાં ઘટાડો થવાના કારણે આવકમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.
કાંકરીયા પરિસરમાં સહેલાણીઓ અને આવકમાં ઘટાડો થવા અંગે કે.એલ.એફ. ના એક કર્મચારીએ જણાવ્યા હતું કે રાજકોટ ગેમઝોન દુર્ઘટના બાદ મુલાકાતીઓની સંખ્યા અને તેના કારણે આવકમાં ઘટાડો થયો છે.
સરકાર તરફથી ગેમઝોન સહિત તમામ એક્ટિવિટી બંધ કરવા માટે આદેશ આપ્યા બાદ મીની ટ્રેન, વોટર સ્પોર્ટસ સહિત તમામ એક્ટિવિટી બંધ કરવામાં આવી છે.
સરકાર તરફથી સૂચના મળ્યા બાદ જ આ તમામ આકર્ષણ શરૂ થશે. કાંકરિયા પરિસરમાં સહેલાણીઓ માટે નવા આકર્ષણ તૈયાર કરવામાં આવશે. હાલ, બાલવાટિકા નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે.