ચંદ્રયાન-૩,સૂર્યયાનની સફળતા બાદ ઈસરોની નજર ગગનયાન-૧ મિશન પર
ગગનયાન-૧ મિશન પ્રોજેક્ટ માટે પ્રિસિઝન ટૂલ્સ અને કમ્પોનન્ટ બનાવવાનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. સીટીસીસી ભુવનેશ્વર ખાતે આ ટૂલ્સ બનાવવામાં આવી રહ્યા છે.
(એજન્સી)નવી દિલ્હી, ભારતે અંતરિક્ષમાં પોતાની કેપેસિટી સાબિત કરવા માટે વધુ એક મિશન પર કામ શરૂ કરી દીધું છે. આ વખતે ભારત અંતરિક્ષયાત્રીઓને સ્પેસમાં મોકલશે. તેના ભાગરૂપી એસ્ટ્રોનોટ્સને તાલીમ આપવામાં આવી છે જેમણે ત્રણ દિવસ સુધી સ્પેસમાં રહેવાનું રહેશે. પ્રોજેક્ટમાં કોઈ ખામી ન રહી જાય તે માટે ક્વોલિટી કન્ટ્રોલના ચૂસ્ત ધોરણો લાગુ કરવામાં આવશે.
ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા ઈસરોએ તાજેતરમાં બે મોટી સફળતાઓ મેળવ્યા પછી તેણે વધુ એક મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે તૈયારી આદરી દીધી છે. ગયા મહિને ભારતે ચંદ્રયાન-૩ને ચંદ્રના સાઉથ પોલ પર સફળ રીતે ઉતરાણ કરાવ્યું હતું. ત્યાર પછી સૂર્યના સંશોધન માટે આદિત્ય એલ-૧ને પણ સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે.
હવે ઈસરોની નજર ગગનયાન-૧ મિશન પર છે. ગગનયાન-૧ મિશન હેઠળ ભારત પહેલી વખત માનવીને અંતરિક્ષમાં મોકલશે.
આ એક અત્યંત જટિલ અને જાેખમી મિશન હશે. આ પ્રોજેક્ટ માટે પ્રિસિઝન ટૂલ્સ અને કમ્પોનન્ટ બનાવવાનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. સીટીસીસી ભુવનેશ્વર ખાતે આ ટૂલ્સ બનાવવામાં આવી રહ્યા છે. ભારતના અંતરીક્ષ કાર્યક્રમમાં ગગનયાન ૧ મોટી સિદ્ધિ ગણાશે.
ગગનયાન એ માનવીને સ્પેસમાં મોકલવાનો પ્રોગ્રામ હશે તેથી તેમાં ખાસ કાળજી રાખવી પડશે અને કોઈ પણ જગ્યાએ જરાય ચૂક ન થાય તે જાેવાનું રહેશે. ટોચના અધિકારીઓએ જણાવ્યું કે ગગનયાન માટે જુદી જુદી સિસ્ટમ બનાવવા માટે જે સ્પેશિયલ મેટલ અને એલોયની જરૂર પડે છે તે બધું ઈસરોને ડિલિવર કરી દેવાયું છે. ગગનયાન હેઠળ અંતરિક્ષમાં રોકેટ મોકલતા પહેલાં તમામ સાધનોનું પરીક્ષણ કરવામાં આવશે.