ચાલુ નોકરીએ નાયબ મામલતદારના અચાનક અવસાનના પગલે કચેરીમાં શોક છવાયો
ગાંધીનગરમાં ચાલુ નોકરીએ નાયબ મામલતદારને હાર્ટ એટેક આવ્યો
(એજન્સી)ગાંધીનગર, રાજ્યભરમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટએટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમને નખમાં રોગ ન હોય તેવા વ્યક્તિઓને હાર્ટએટેક આવી રહ્યો છે.
ત્યારે ગાંધીનગરમાં ચાલું નોકરીએ નાયબ મામલતદારને કચેરીમાં હાર્ટએટેકના લીધે અવસાન થયું હતું. જેના કારણે કચેરીમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
મળતી માહિતી પ્રમાણે, ગાંધીનગરમાં ચાલુ નોકરીએ નાયબ મામલતદારને હાર્ટ એટેક આવતા ખળભળાટ મચી ગયો છે. સિવિલના ડૉક્ટરોએ મનીષ કડિયાને મૃત જાહેર કર્યા હતા.
ત્યારબાદ અધિકારી આલમમાં શોકનો માહોલ વ્યાપી ગયો હતો. મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા મનીષ કડીયા (ઉ.વ.૪૨) આજે નિત્યક્રમ મુજબ તેઓ ઓફિસ આવ્યા હતા અને બપોરના સમયે અચાનક છાતીમાં દુઃખાવા જેવું લાગ્યું હતું. જેથી તાકીદે તેમને ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને જ્યાં સારવાર મળે તે પહેલાં જ તેમનું અવસાન થયું હતું.
નાયબ મામલતદારના અચાનક અવસાનના પગલે કચેરીમાં શોક છવાઈ ગયો હતો અને પરિવારને જાણ કરવામાં આવતાં પરિવાર દોડી આવ્યો હતો અને આક્રંદ કરી મૂક્યું હતું. ગત સપ્તાહે જ સેક્ટર-૨૮માં મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલનું હાર્ટએટેકથી અવસાન થયું હતું અને આજે ફરીથી સરકારી અધિકારીનું હાર્ટએટેકથી નિધન થયું હતું.