સર્જરી બાદ 22 વર્ષીય યુવક સાંભળી શકશે
ગુજરાત સરકાર દ્વારા છ વર્ષ સુધીનાં બાળકોમાં નિઃશુલ્ક સર્જરી માટેની સ્કીમ
અમદાવાદ, કોકલિયર ઇમ્પ્લાન્ટ એ એક જટિલ પ્રકારની સર્જરી છે, જે ગંભીર અથવા અતિગંભીર રીતે બહેરાશથી પીડિત વ્યક્તિ માટે આશીર્વાદરૂપ છે. ગુજરાત સરકાર દ્વારા છ વર્ષ સુધીનાં બાળકોમાં નિઃશુલ્ક સર્જરી માટેની સ્કીમ છે, જાેકે પુખ્ત વયના દર્દીઓ માટે આવી કોઈ વ્યવસ્થા નથી.
દરમિયાન, મ્યુનિસિપલ સંચાલિત શારદાબેન હોસ્પિટલ ખાતે કાન, નાક, ગળાના વિભાગ દ્વારા એક ૨૨ વર્ષીય યુવકમાં કોકલિયર ઇમ્પ્લાન્ટ સર્જરી કરાઈ હતી. આ યુવક લાંબા સમયથી બહેરાશથી પીડાતો હતો અને તેની બોલવાની ક્ષમતા પણ બરાબર વિકસિત થઇ ન હતી.
તે માત્ર લિપ રીડિંગ અને ઇશારાથી વાતચીત કરતો હતો, જાેકે સર્જરીના એક મહિના બાદ તેની સાંભળવાની ક્ષમતામાં નોંધપાત્ર સુધારો જણાયો છે. તે હવે સ્પીચ થેરાપી વડે ટૂંક સમયમાં બોલતાં પણ શીખી જશે.
તબીબી વિજ્ઞાન માટે પડકારરૂપ આ કિસ્સામાં સફળ સારવાર માટે શારદાબેન હોસ્પિટલનો કાન, નાક, ગળાની સર્જરીનો વિભાગ, એન્સ્થેસિયા વિભાગ અને સમગ્ર હોસ્પિટલના એડમિનિસ્ટ્રેશનનો સહયોગ લોકોમાં પ્રશંસાને પાત્ર બન્યો છે.