Western Times News

Gujarati News

દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યા ભૂકંપના આચકાં

મ્યાનમાર, શુક્રવારે મ્યાનમારમાં તબાહી મચાવ્યા બાદ, મોડી રાત્રે ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. જોકે, આ ભૂકંપ દિવસ દરમિયાન આવેલા ભૂકંપ જેટલો શક્તિશાળી નહોતો.

નેશનલ સીસ્મોલોજી સેન્ટર અનુસાર, ૨૮ માર્ચે રાત્રે ૧૧.૫૬ વાગ્યે આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૨ માપવામાં આવી હતી. આ ભૂકંપ પહેલા, દિવસ દરમિયાન સતત બે ભૂકંપમાં ૧૫૦ થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. ભૂકંપના આંચકા એટલા તીવ્ર હતા કે તેણે પડોશી દેશ થાઇલેન્ડમાં પણ વિનાશ મચાવ્યો. ભારતના ઘણા રાજ્યોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

એનસીએસ અનુસાર, શુક્રવારે (૨૮ માર્ચ) રાત્રે ૧૧.૫૬ વાગ્યે મ્યાનમારમાં ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૪.૨ માપવામાં આવી હતી. તેનું કેન્દ્ર જમીનની અંદર ૧૦ કિલોમીટર ઊંડે હતું. અગાઉ દિવસે ભૂકંપના કારણે ભારે વિનાશ થયો હતો, ત્યારબાદ સેનાએ દેશના ઘણા રાજ્યોમાં કટોકટી જાહેર કરી હતી.

શુક્રવારે મ્યાનમાર અને તેના પડોશી દેશ થાઈલેન્ડમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપમાં બહુમાળી ઇમારતો, પુલો અને ડેમને ભારે નુકશાન થયુ હતું. આ ભૂકંપને કારણે મ્યાનમારમાં ઓછામાં ઓછા ૧૪૪ લોકોનાં મોત થયા છે, જ્યારે ૭૩૦ લોકો ઘાયલ થયા છે.

તે જ સમયે, થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં એક નિર્માણાધીન બહુમાળી ઇમારતના ધરાશાયી થવાનો વીડિયો સામે આવ્યો છે. અહીં પણ ઓછામાં ઓછા ૧૦ લોકોના મોત થયા. શુક્રવારે બપોરે આવેલા ભૂકંપની તીવ્રતા ૭.૭ હતી અને તેનું કેન્દ્રબિંદુ મ્યાનમારના બીજા સૌથી મોટા શહેર માંડલે નજીક હતું.

આ પછી, ૬.૪ ની તીવ્રતાનો બીજો શક્તિશાળી ભૂકંપ અનુભવાયો.આ ઘટના બાદ, મ્યાનમારની લશ્કરી સરકારના વડાએ શુક્રવારે સાંજે ટેલિવિઝન પર લોકોને સંબોધિત કર્યા. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે ભૂકંપમાં ઓછામાં ઓછા ૧૪૪ લોકો માર્યા ગયા અને ૭૩૦ લોકો ઘાયલ થયા.

આ દરમિયાન, યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું કે વિશ્વ સંસ્થા મ્યાનમારની આંતરરાષ્ટ્રીય મદદની અપીલનો જવાબ આપવા તૈયાર છે. મ્યાનમારમાં આવેલા ભૂકંપને કારણે પુલ અને મઠો ધરાશાયી થયા અને એક બંધ તૂટી ગયો.

અહેવાલો અનુસાર, ભૂકંપને કારણે માંડલેમાં ઘણી ઇમારતો ધરાશાયી થઈ હતી, જેમાં શહેરના સૌથી મોટા મઠોમાંના એક મા સો યાન મઠનો પણ સમાવેશ થાય છે, અને ભૂતપૂર્વ શાહી મહેલને પણ નુકસાન થયું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.