એજન્ટોએ પાસપોર્ટમાં કેનેડાના બનાવટી વિઝાનાં સ્ટેમ્પ મારી લાખોની છેતરપિંડી કરી
કુડાસણમાં જાલી વર્ક વિઝા કૌભાંડનો પર્દાફાશ
ગાંધીનગર, ગાંધીનગરના કુડાસણમાં ચાલતા કેનેડાના જાલી વર્ક વિઝા કૌભાંડનો પર્દાફાશ થયો છે. ગાંધીનગર ઝોન સીઆઈડી ક્રાઈમની ટીમે પેલીકન ઈમિગ્રેશન કન્સલ્ટન્સીમાં દરોડો પાડી પાસપોર્ટમાં બનાવટી વિઝાના સ્ટેમ્પ મારી એજન્ટ ટોળકીએ છ લોકો સાથે ૪૮ લાખનું ફુલેકું ફેરવ્યું હોવાનું ઝડપી પાડયું હતું.
આ કૌભાંડમાં ગાંધીનગર અને દિલ્હીના ત્રણ એજન્ટો સામે ગુનો દાખલ કરી વધુ તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
બનાવની વિગતો એવી છે કે ઈલેકટ્રીકનો ધંધો કરતા વિરલ બળદેવભાઈ પટેલ (રહે. શ્રીનાથ હાઈટસ, કઠલાલ રોડ, નરોડા, ઉ.૩૩)ના પરિવારમાં માતા પિતા, પત્ની શિવાની અને એક દીકરી છે. ગત ફેબ્રુઆરી ર૦ર૩માં શ્રીનાથ સોસાયટીમાં એક કંડકશન હતુ તે વખતે સોસાયટીમાં મિત્રો સાથે કેનેડા જવાની વિરલે ચર્ચા કરી હતી
ત્યારે મયુરભાઈ પટેલે જણાવ્યું હતું કે તેમના મિત્ર મહીનભાઈના પિતરાઈ ભાઈના મિત્ર પાર્થ દીપકકુમાર જાની નામના એજન્ટને ઓળખે છે. જે એજન્ટ કેનેડાના વર્ક પરમીટ વિજા એપોઈન્ટમેન્ટ લેટર અને પરમેન્ટ રેસીડેન્સ પણ કરી આપે છે તેની વાત જાણી વિરલે વર્ક પરમીટ વિઝા માટે ગાંધીનગરના કુડાસણ ઉગતી કોર્પોરેટ પાર્કના બીજા માળે
આવેલી પાર્થ દીપકકુમાર જાનીની પેલીકન ઈમિગ્રેશન કન્સલ્ટન્સીની ઓફિસનો સંપર્ક કર્યો હતો. જયાં કેનેડા વિઝાની વાતચીત કરી વિરલ અને તેના બનેવી દર્શનભાઈ જયંતીભાઈ પટેલ (રહે. સરઢવ) સહિત કુલ છ વ્યક્તિના કેનેડાના વર્ક પરમીટ વિઝા આપવાનું તથા પી.આર. કરાવી આપવાની લલચામણી ઓફર જણાવી હતી અને એક ફેમીલીના પ૮ લાખ લેખે રૂ.૧.૧૦ કરોડ તેમજ ટિકિટના પૈસા અલગ ચૂકવવાની વાત કરી હતી.
દરમિયાન વિરલે તેમના સગાવ્હાલા અને ફોઈ પાસેથી ઉછીના નાણા લઈ કુલ ૪૮ લાખ એજન્ટ પાર્થ જાનીને ચુકવ્યા હતા, પરંતુ વાયદા મુજબ કેનેડાના વિજા નહી મળતા પૈસાની ઉઘરાણી કરવામાં આવી હતી. છતાં એજન્ટ પાર્થ જાનીએ પાસપોર્ટ કે પૈસા પાછા આપ્યા ન હતા.
વારંવાર ઉઘરાણી કરતા પાર્થ જાનીએ કેનેડાના વર્ક પરમીટ વિઝા મંજુર થયા હોવાનું કહી વોટસઅપ ઉપર ૧૭ સપ્ટેમ્બર ર૦ર૩ની કેનેડાની ટિકિટ મોકલી હતી. વિરલે ઓનલાઈન ચકાસણી કરતા ટિકિટ ખોટી હોવાનું જાણવા મળ્યું હતું. દરમિયાન પાર્થ જાનીના મિત્ર પ્રકાશભાઈ પટેલે સામેથી ફોન કરીને પાસપોર્ટ પરત જાેઈતા હોય તો રૂ.૧૯ લાખ આપવાની માંગણી કરી હતી.