Western Times News

Gujarati News

“૭૫ વર્ષ, ૭૫ કુંડ” સાથે અમદાવાદ ગવર્મેન્ટ પોલિટેકનિક કેમ્પસમાં યોજાયો અગ્નિહોત્ર કાર્યક્રમ

યજ્ઞના પવિત્ર વાતાવરણમાં હાજર સૌ કોઈએ લીધી રાષ્ટ્રહિત તેમજ સર્વ ધર્મ સમભાવની પ્રતિજ્ઞા -હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રધ્વજ વહેંચણીનો કાર્યક્રમ યોજાયો

અમદાવાદ ગવર્મેન્ટ પોલિટેકનિક, આંબાવાડી ખાતે શિક્ષકો અને વિદ્યાર્થીઓની હાજરીમાં આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે અગ્નિહોત્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.  “૭૫ વર્ષ, ૭૫ યજ્ઞકુંડ” સાથે પોલિટેકનિક કેમ્પસમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

૭૫ યજ્ઞકુંડ સાથે સાથે આ કાર્યક્રમમાં અનૌપચારિક સંસ્કૃત શિક્ષણ કેન્દ્ર સત્રનું ઉદ્ઘાટન, ભારતીય સંસ્કૃતિ પોસ્ટર પ્રદર્શન, રાષ્ટ્રધ્વજ વિતરણ તેમજ હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રધ્વજ વહેંચણીનો કાર્યક્રમ યોજાયો.

આ કાર્યક્રમમાં ભારતીય સંસ્કૃતિને લગતું પોસ્ટર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં ભારતીય સંસ્કૃતિને લગતા રિસર્ચ પેપર અને રિસર્ચને લગતી પૂરતી માહિતી સાથેના પોસ્ટર પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા.

ત્યારબાદ કાર્યક્રમમાં ટ્રી વોક્સ ગ્રુપ-ઇકો ક્લબ તથા સ્વસર્જન ફાઉન્ડેશન સાથે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા જેમાં યજ્ઞ બાદ ઉત્પન્ન થતી ભસ્મને કોમ્પોસ્ટ કે ખાતર તરીકે ઉપયોગ કરી શકાશે અને ઇકો ક્લબ ગ્રુપ તેમાં મદદરૂપ થશે. સ્વસર્જન ફાઉન્ડેશન સાથે મળીને સર્વ સમાજ હિત તેમજ માનવતા ફેલાવવા માટેના પ્રયત્નો કરવામાં આવશે.

સાથે સાથે પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ દ્વારા રાખડી બનાવનાનો કાર્યક્રમ યોજાયો. આ રાખડીઓનો એક સ્ટોલ કેમ્પસમાં રાખવામાં આવ્યો હતો. સમાજનું એક અભિન્ન અંગ હોઈ આ દીકરીઓને સમાજની મુખ્ય ધારામાં લાવવા માટેનો આ એક પ્રયાસ હતો.

૭૫ યજ્ઞકુંડ ધરાવતા અગ્નિહોત્ર કાર્યક્રમની શરૂઆત પહેલાં વિજ્ઞાનના પ્રચાર પ્રસાર માટે કામ કરતી વૈદિક સંસ્થાન અમદાવાદના સંજયભાઈ પુરોહિતે અગ્નિહોત્ર કાર્યક્રમની રૂપરેખા આપી હતી. સંજયભાઈએ જણાવ્યું કે, શ્રેષ્ઠ કર્મ કરવાથી તેનું પરિણામ, પ્રભાવ અને ફળ આપણા જીવનમાં જોવા મળે છે,  તેથી જીવનમાં હંમેશા શ્રેષ્ઠ કર્મ કરવા જોઈએ. યજ્ઞ કરવો એ પણ શ્રેષ્ઠ કર્મો પ્રત્યેનું જ એક કર્મ છે. સૌએ સ્વાર્થ છોડી પરોપકારના કામ કરવા જોઈએ.

વધુમાં તેમણે કહ્યું કે, સારા નરસાં કર્મો કરનાર બધાએ પોતાના જીવનમાં યજ્ઞ કરવો જોઈએ. સારી સંગતી તેમજ દાનની વાત કરતાં તેમણે યજ્ઞ બે પ્રકારો દેવ યજ્ઞ અને આત્મીય યજ્ઞની જાણકારી આપી. મનુષ્ય શરીર જલ, આકાશ, અગ્નિ, વાયુ અને પૃથ્વી જેવા પાંચ તત્વોનું બનેલું છે. આ પાંચેય તત્વોની અને કુદરતની કદર કરીને તેનો યથાયોગ્ય સત્કાર અને ઉપયોગ કરવો જોઈએ.

પ્રદૂષણ ના ફેલાવવું, જેટલી જરૂર હોય એટલી જ ઉપયોગીતા રાખવી અને ભૌતિક પદાર્થોમાંથી લાભ લઈ પ્રગતિ કરાવાની દિશામાં આગળ વધવું જોઈએ. આજે આપણે મનુષ્યો પ્રદુષણ ફેલાવવાનો એક સ્ત્રોત છીએ. પ્રકૃતિનો સહારો લઈને, પ્રકૃતિની વચ્ચે રહીને દરેક વ્યક્તિએ પ્રદૂષણનો ફેલાવો કેવી રીતે અટકાવવો તેમજ પ્રાકૃતિક રીતે જીવનનિર્વાહ કેવી રીતે કરવો તેની વિચારણા કરવી જોઈએ.

યજ્ઞ એ વાયુ શુદ્ધિનું કામ કરતું હોવાથી વિજ્ઞાન અને યજ્ઞને જોડીને પર્યાવરણ તેમજ પૃથ્વીના રક્ષણ માટેનો સંકલ્પ આ કાર્યક્રમમાં કરાવવામાં આવ્યો. યજ્ઞના પવિત્ર વાતાવરણમાં સૌ કોઈએ કોઈ પણ જાતના ભેદભાવ વગર સર્વધર્મ સમભાવના સંકલ્પ સાથે રહેવાની પ્રતિજ્ઞા લીધી.

સંસ્કૃત ભાષા એ પૂર્ણ ભાષા છે. સંસ્કૃત એ પુરાણોની ભાષા હોઈ તેનો પ્રચાર પ્રસાર પણ કરવો જોઈએ. આ સંકલ્પ સાથે સરકારી પોલીટેકનિકમાં અનૌપચારિક સંસ્કૃત શિક્ષણ કેન્દ્ર સત્રનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું.

હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રની આન-બાન-શાન સચવાય તે માટે વિધાર્થીઓ, શિક્ષકો અને હાજર લોકો પાસે પ્રતિજ્ઞા લેવડાવી કે તેઓ તારીખ ૧૩થી ૧૫ સુધી ઘરે ઘરે તિરંગા ફરકાવશે અને તિરંગાના સન્માનની જાળવણી કરશે. આ સાથે શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ સંકલ્પ કર્યો કે, “હું જીવીશ ત્યાં સુધી રાષ્ટ્ર વિરોધી કાર્ય કરીશ નહીં તેમજ કરવા દઈશ નહીં.” કેમ્પસમાં હાજર સૌ કોઈને સંકલ્પ કાર્યક્રમ બાદ રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવ્યું.

હજુ આપણે રાષ્ટ્ર માટે ઘણું કરવાનું બાકી છે. આપણે ગુલામીથી આઝાદી તરફ આવ્યા અને હવે આઝાદી સાથે દેશની પ્રગતિ કરવાની છે. નવયુવાનો પોતાના ઘરમાંથી જ દાન કરવાનું શરૂ કરે અને પૃથ્વી, પર્યાવરણની રક્ષા કરે. આઝાદીના ૭૫માં પર્વે બધાએ રાષ્ટ્રહિતમાં કામ કરવું જોઈએ.

આ કાર્યક્રમમાં અમદાવાદ પોલિટેકનિકના આચાર્યશ્રી ભાસ્કરભાઈ ઐયર, અન્ય ખાતાઓના વડા, વેદ અને વિજ્ઞાન સંસ્થાના સંજયભાઈ પુરોહિત, શિક્ષકો, કર્મચારીઓ તેમજ પોલિટેકનિકના વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી. પોલિટેકનિકના એન.સી.સી. સ્કાઉટ ગાઈડના વિદ્યાર્થીઓએ સ્વયંસેવક તરીકે મહેનત કરીને કાર્યક્રમને સફળ બનાવવામાં ભાગ ભજવ્યો. -શ્રદ્ધા ટીકેશ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.