ગુજરાત વિદ્યાપીઠના કૃષિ વિજ્ઞાન કેન્દ્રોને પ્રાકૃતિક કૃષિ માટે આદર્શ તાલીમ કેન્દ્રો બનાવાશે
પ્રકૃતિની સમૃદ્ધિ તેને પાછી આપવાનું આપણું દાયિત્વ એટલે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ : શ્રી આચાર્ય દેવવ્રતજી
ગાંધીનગરના કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં કૃષિ વૈજ્ઞાનિકો, સંશોધકો અને નિષ્ણાતો સાથે ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનો વિચાર-વિમર્શ
ગુજરાત વિદ્યાપીઠના ગાંધીનગર (રાંધેજા), ખેડા (દેથલી) અને વલસાડ (આંભેટી)ના કૃષિ વિજ્ઞાન કેન્દ્રોને પ્રાકૃતિક કૃષિ માટે આદર્શ તાલીમ કેન્દ્રો બનાવાશે. ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે ગાંધીનગરના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ગુજરાત વિદ્યાપીઠના કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના કૃષિ વૈજ્ઞાનિકો, સંશોધકો અને વિષય નિષ્ણાતો સાથે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ વિશે વિસ્તૃત વાર્તાલાપ અને વિચાર-વિમર્શ કર્યો હતો.
વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય એ જરૂરી છે, એમ કહીને શ્રી આચાર્ય દેવવ્રતજીએ (Gujarat Governor Acharya Devvrat) કહ્યું હતું કે, રાજ્ય સરકાર મોટા પાયે તાલીમાર્થીઓ તૈયાર કરી રહી છે, જે ખેડૂતોને ઘર આંગણે જઈને તાલીમ આપશે. ગુજરાતના ગામડે-ગામડે ખેડૂતોમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ પ્રત્યે જાગૃતિ આવે તે માટે કૃષિ વૈજ્ઞાનિકોને આ ઈશ્વરીય કાર્યમાં જોડાવા તેમણે અનુરોધ કર્યો હતો.
ગુજરાત વિદ્યાપીઠના ત્રણ કૃષિ વિજ્ઞાન કેન્દ્રો સંશોધન, શિક્ષણ અને કૃષિ વિસ્તરણનું કાર્ય કરે છે. ખેડૂતોને તેમના ખેતરોમાં જઈને માર્ગદર્શન આપે છે. આ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિના મોડેલ તાલીમ કેન્દ્ર બને એ દિશામાં કાર્ય કરાશે.
કુલાધિપતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પૂજ્ય ગાંધીબાપુ કહેતા કે, “ભારતનો વિકાસ ગામડાઓના વિકાસથી જ શક્ય છે. જ્યાં સુધી ગામડા સમૃદ્ધ નહીં થાય ત્યાં સુધી ભારત સમૃદ્ધ નહીં થાય.” આપણો ખેડૂત સમૃદ્ધ થશે તો ગામડા સમૃદ્ધ થશે અને ખેડૂત પ્રાકૃતિક કૃષિ કરતો થશે તો સમૃદ્ધિ આપોઆપ આવશે.
વિશુદ્ધ ભારતીય સંસ્કૃતિ અને પ્રાકૃતિક પદ્ધતિઓના પ્રણેતા પૂજ્ય બાપુ એમ પણ કહેતા કે, “પ્રકૃતિ માનવની તમામ આવશ્યકતાઓની પરિપૂર્તિ માટે સક્ષમ અને સમર્થ છે, પરંતુ માણસની લાલચની પૂર્તિ કરી શકતી નથી.” રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આ વાતના ઉલ્લેખ સાથે કહ્યું હતું કે, માણસે પોતાની લાલચની પૂર્તિ માટે પ્રકૃતિનું દોહન અને શોષણ કર્યું છે. પરિણામે આપણે ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ.
પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ એ પ્રકૃતિની સમૃદ્ધિ તેને પાછી આપવાનું આપણું દાયિત્વ છે. એમણે કહ્યું કે, કોરોનાની વેક્સિન તો આપણે શોધી કાઢી, પરન્તુ અસહ્ય ગરમી, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, કમોસમી વરસાદ જેવી કુદરતી આપત્તિઓ સામે સંરક્ષણ માટે કઈ વેક્સિન કામ આવશે? પ્રકૃતિનું સંતુલન જ એક માત્ર ઉપાય છે અને તે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી જ સંભવ છે.
ગ્લોબલ વૉર્મિંગ માટે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો બેફામ ઉપયોગ ૨૪% જવાબદાર છે એવું સંશોધકોનું તારણ છે. એમ કહીને શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, જીવલેણ રોગોનું પ્રમાણ વધ્યું છે.
હવા, પાણી, પર્યાવરણ પ્રદૂષિત થયા છે. ખોરાકમાં પણ આપણે ધીમું ઝેર લઈ રહ્યા છીએ. ત્યાં સુધી કે મા ના દૂધમાં પણ પેસ્ટીસાઈડ્સના અંશો જોવા મળી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવા સિવાય આપણી પાસે અન્ય કોઈ વિકલ્પ નથી.
કુલાધિપતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના કૃષિ વૈજ્ઞાનિકો અને વિષય નિષ્ણાતોને કહ્યું હતું કે, આ કેન્દ્રો પ્રાકૃતિક ખેતીના મોડેલ બને અને આદર્શ ટ્રેનિંગ સેન્ટર બને એ દિશામાં કામ કરીએ. તેમણે સતત બે કલાક સુધી કૃષિ વૈજ્ઞાનિકોને રાસાયણિક ખેતીના દુષ્પરિણામો,
જૈવિક-ઑર્ગેનિક ખેતીની ઉણપો અને અવ્યહવારુતા તથા પ્રાકૃતિક ખેતીની અનિવાર્યતા વિશે મનનીય માર્ગદર્શન આપ્યું હતું. ગુજરાત વિદ્યાપીઠના કાર્યકારી કુલનાયક શ્રી ડૉ. ભરતભાઈ જોશીએ પ્રસ્તાવના અને સ્વાગત ઉદ્બોધન કર્યું હતું. કાર્યકારી કુલસચિવ શ્રી ડૉ. નિખિલભાઇ ભટ્ટે આભાર દર્શન કર્યું હતું
અને કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી યજ્ઞ છે, જેમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રો પણ આહુતિ આપશે. ‘આત્મા’ના ખાસ ફરજ પરના અધિકારી શ્રી દિનેશભાઈ પટેલ, પ્રાકૃતિક કૃષિના સંયોજક શ્રી દીક્ષિત પટેલ અને ખેડૂતો પણ ઉપસ્થિત રહ્યા હતા.