આહીર સમાજનો ગાંધીનગર ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
આહીર સમાજના અગ્રણીઓએ મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કર્યું
આહીર સમાજે શિક્ષણ-તાલીમને પ્રાધાન્ય આપી રાજ્ય સરકારની કલ્યાણકારી નીતિ, યોજનાઓ અને સુશાસનનો લાભ મેળવીને નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરી છે. ગુજરાત સરકારે વિકાસની મુખ્ય ધારામાં સૌને જોડીને વડાપ્રધાનશ્રીના સૌના સાથ, સૌના વિકાસ મંત્રને સાકાર કર્યો છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે આયોજિત આહીર સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. આહીર સમાજના અગ્રણીઓએ મુખ્યમંત્રીશ્રીનું ભાવસભર અભિવાદન કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં અંત્યોદયથી સર્વોદય સાકાર કરવાની નીતિ આ સરકારે અપનાવી છે. સરકારી યોજનાઓનો લાભ છેક છેવાડાના માનવી સુધી પહોંચે અને તેમનો પણ સર્વગ્રાહી વિકાસ થાય તેવો પ્રયાસ હર-હંમેશ આ સરકાર કરતી આવી છે.
તેમણે કહ્યું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતના વિકાસને સુદ્રઢ અને ગતિશીલ બનાવ્યો છે. કોરોનાને કારણે અનેક દેશો પાયમાલી તરફ ધકેલાઈ રહ્યા હતા, તેવા સમયે વડાપ્રધાનશ્રીએ જે કોવિડ મેનેજમેન્ટ કરી બતાવ્યું તેની નોંધ વિશ્વના દેશોએ પણ લીધી છે. કોરોનાને અટકાવવાનાં પગલાં, વેક્સિન-નિર્માણ અને વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન, જેવાં પગલાં લેવડાવીને વડાપ્રધાનશ્રીએ દેશને મહામારીમાંથી સમયસર ઉગાર્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આટલા મોટા દેશમાં વ્યાપક સુધારા લાવવા શક્ય જ નથી એવી માન્યતાને તોડીને વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ, સ્વચ્છતા અભિયાન, ઓપન-ડિફેકેશન ફ્રી, ઉજ્જવલા અને ઉજાલા યોજના જેવા જનહિત કાર્યક્રમોને સફળ કરી બતાવ્યાં છે.
તેમણે કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં દેશ અને ગુજરાતનું અર્થતંત્ર ફૂલી-ફાલી રહ્યું છે. તાજેતરના અહેવાલ મુજબ ભારતે બ્રિટનને પાછળ રાખી વિશ્વની પાંચમી સૌથી મોટી ઈકોનોમીનું સ્થાન મેળવી લીધું છે. ભારતનો જી.ડી.પી. ગ્રોથ રેટ ૧૩ ટકા જેટલો થયો છે.
વડાપ્રધાનશ્રીના પ્રયાસોથી દેશમાં ડિજિટલ પેમેન્ટનું ચલણ ખૂબ વધ્યું છે. આપણે ત્યાં વિશ્વમાં ટોચની કહી શકાય એવી ડિજિટલ ઈકોનોમી આકાર લઈ રહી છે. એમ તેમણે ઉમેર્યુ હતું.
ગુજરાત સરકારનું આર્થિક વ્યવસ્થાપન નીતિ આયોગના અહેવાલ પ્રમાણે દેશમાં સર્વશ્રેષ્ઠ છે, આ વર્ષનું ગુજરાત સરકારનું બજેટ ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી ડબલ એન્જિનની સરકારને પરિણામે ગુજરાત વિકાસના માર્ગે તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. તેની વિગતો મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.
પૂર્વ મંત્રી અને ધારાસભ્ય શ્રી વાસણભાઇ આહીરે જણાવ્યું કે, બે દાયકા પહેલા ગુજરાતના ગામડાઓમાં તહેવાર-પરબે વીજળી આવતી તે પરિસ્થિતિને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મૂળથી બદલી નાખી અને આજે રાજ્યમાં ઘરે-ઘરે-ખેતરે-ખેતરે વીજળી પહોંચી છે.
પૂર્વ મંત્રી અને ધારાસભ્ય શ્રી જવાહરભાઇ ચાવડાએ જણાવ્યું કે, આહીર સમાજ વચનબદ્ધ અને કર્તવ્યપરાયણ સમાજ છે. બાળકોના શિક્ષણ, સ્ત્રી કેળવણી અને ધંધારોજગાર ક્ષેત્રે આ સમાજે સમય-સૂચકતા દાખવી નોંધપાત્ર પ્રગતિ કરી છે.
શ્રી ભરતભાઇ ડાંગરે જણાવ્યું કે, આહીર સમાજ વર્ષોથી ભાજપા સરકારના સુશાસનનાં મીઠાં ફળ ચાખી રહ્યો છે. આહીર સમાજ ભાજપા સરકારની વિચારધારા-કાર્યપદ્ધતિનો સમર્થક સમાજ છે. શહેરોથી લઈ ગામડાંઓમાં જે રીતે જનતાને વિકાસના લાભ મળી રહ્યા છે, તેનાથી આ સમાજ સુપેરે પરિચિત છે.
આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ શ્રી ઉદયભાઈ કાનગડ, પૂર્વ અધ્યક્ષ શ્રી ભગવાનદાસ પંચાલ, ઉપાધ્યક્ષ શ્રી મયંક નાયક, શ્રી પ્રદીપભાઈ ડવ, પૂર્વ રાજ્યમંત્રી શ્રી મુળુભાઈ બેરા, ગાંધીનગરના આહિર સમાજ અગ્રણી શ્રી ભીમસિંહ ભાઇ સહિતના આહીર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.