ઇન્ડીયા કોલોનીમાં 10 લાખ લીટરની ઓવરહેડ ટાંકી બનાવવામાં આવશે

પ્રતિકાત્મક
અમદાવાદના પોટલીયા વો.ડી.ની ક્ષમતામાં વધારો કરાશે-રામોલના હયાત વો.ડી.ની ક્ષમતા વધારવા અને નવી ઇલેક્ટ્રિકલ/મિકેનિકલ મશીનરી ઇન્સ્ટોલ કરાશેઃ દેવાંગ દાણી
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરના વસ્તી અને વ્યાપ વધી રહયા છે. જેના કારણે પીવાલાયક પાણીની ડિમાન્ડ વધી રહી છે. તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા સપ્લાય થતા પાણીમાં અપૂરતા પ્રેશર કે પાણી સપ્લાય ન થવાની ફરિયાદ પણ આવે છે. આ બાબતને ધ્યાનમાં લઈ પોટલીયા અને રામોલના ના હયાત વો.ડી.ની ક્ષમતા વધારવા અને નવી ઇલેક્ટ્રિકલ/મિકેનિકલ મશીનરી ઇન્સ્ટોલ કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. જેના માટે રૂ.૭ કરોડનો ખર્ચ થશે.
મ્યુનિસિપલ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી ના જણાવ્યા મુજબ ઉત્તર ઝોન વિસ્તારના ઇન્ડીયા કોલોની વોર્ડમાં આવેલ પોટલીયા વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન ખાતે શ્રીજી વિદ્યાલયની પાછળ હાઉસીગની ખુલ્લી જગ્યા તથા રોડના ભાગમાં હયાત વોટર સ્ટોરેજની ક્ષમતા વધારવા માટે નવી ૧૦ લાખ લીટર ક્ષમતાની ઓવરહેડ ટાંકી વોટર પ્રોજેકટ વિભાગ દ્વારા બનાવવામાં આવશે.
આ ટાંકી ને ભરવા નવા પંપ-મોટર સેટ સાથે એનર્જી એફીસીયન્ટ ઇલેકટ્રીકલ મીકેનીકલ મશીનરીઝ સહીતની એસ.આઈ.ટી.સી.ની કામગીરી કરવાથી તથા સદર પંપીગ સ્ટેશન ખાતે હયાત જુના પંપ-મોટર સેટ રીપ્લેસ કરી નવા એનર્જી એફીસીયન્ટ પંપ-મોટર સેટ વીથ ઇલેકટ્રીકલ/મીકેનીકલ મશીનરીઝ સહીતની એસ.આઈ.ટી.સી.ની કામગીરી કરવાથી સપ્લાય થતો પીવાનો પાણીનો પુરવઠો પુરતા પ્રમાણમાં અને પ્રેશરથી આપી શકાશે.
પુર્વ ઝોનના રામોલ હાથીજણ વોર્ડમાં આવેલ જશોદાનગર વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન મારફતે જુની-નવી વસાહત, બોમ્બે કંડકટર રોડ, વિઠલનગરનો ટેકરો, ઇન્દ્રપુરી ટાઉનશીપ, આર્યન બંગ્લોઝ, પાર્થ બંગ્લોઝ, વાસુદેવ બંગ્લોઝ, નીલકંઠ રેસીડન્સી તેમજ જશોદાનગર બ્રીજના પેરેલલ વિસ્તારોમાં પીવાના પાણીનો પુરવઠો પુરો પાડવામાં આવે છે.
સદર પંપીગ સ્ટેશનની ઇલેક્ટ્રીકલ/મીકેનીકલ મશીનરીઝ આશરે ૧૫ વર્ષ જેટલી જુની હોઈ તેમજ તેની કાર્યક્ષમતા પણ ઘટી ગયેલ હોઈ, નવી એનર્જી એફીસીયન્ટ ઇલેક્ટ્રીકલ મીકેનીકલ મશીનરીઝ ઇન્સ્ટોલ કરવાની કામગીરી કરવાના કારણે સદર પંપીગ સ્ટેશનેથી સપ્લાય થતો પીવાનો પાણીનો પુરવઠો પુરતા પ્રમાણમાં અને પ્રેશરથી આપી શકાશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.