Western Times News

Gujarati News

દીકરીઓનું પૂજન કરવું જોઈએ, કેમકે દીકરી એટલે ભવ્યતા, દિવ્યતા અને આધ્યાત્મિકતા: ભાનુબહેન બાબરીયા

અમદાવાદ ખાતે આયોજિત હિન્દુ આધ્યાત્મિક સેવા મેળામાં આયોજિત કન્યા વંદન કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરીયાની ઉપસ્થિતિ

શ્રીમતી ભાનુબહેન બાબરીયા:-

  • વર્તમાન સમયમાં દીકરીઓએ આંગણવાડીથી લઈને અંતરિક્ષ સુધી પ્રગતિ કરી છે

અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે આયોજિત ત્રિ-દિવસીય હિન્દુ આધ્યાત્મિક સેવા મેળા (એચએસએસએફ)માં સામાજિક ન્યાય અને અધિકારિતા તથા મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલયનાં મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરીયા ઉપસ્થિત રહ્યાં હતાં.

કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરીયાએ આ પ્રસંગે કહ્યું હતું કે, આપણે સૌએ દીકરીઓનું પૂજન કરવું જોઈએ, કેમકે દીકરી એટલે ભવ્યતા, દિવ્યતા અને આધ્યાત્મિકતા. દીકરીની તુલના તુલસીના ક્યારા સાથે કરતા તેમણે કહ્યું હતું કે, દીકરી ત્રણ કુળને તારે છે અને દીકરી એટલે રોજ દિવાળી. જે ઘરે દીકરીનું અવતરણ થાય ત્યાં પરમાત્માના આશીર્વાદ હોય છે. દીકરી એ શક્તિનું સ્વરૂપ છે. દીકરી જ પિતાના પડખે ઊભી રહીને પિતાને હિંમત આપવાનું કામ કરે છે.

દીકરી હંમેશાં પરિવાર અને સમાજની ચિંતા કરે છે. દીકરી પોતાના દરેક સ્વરૂપમાં શ્રેષ્ઠ ભૂમિકા અદા કરે છે. વર્તમાન સમયમાં દીકરી આંગણવાડીથી લઈને અંતરીક્ષ સુધી પ્રગતિ કરી છે, એવું તેમણે ઉમેર્યું હતું. મંત્રીશ્રીએ દીકરીઓને ભણીગણીને ખૂબ આગળ વધવા તેમજ માતા-પિતા અને શહેરનું નામ રોશન કરવાની શુભકામનાઓ આપી હતી.

આ કાર્યક્રમમાં અંકુર સ્કૂલ-પાલડી, અંધકન્યા પ્રકાશ સ્કૂલ-મેમનગર, અપંગ માનવ મંડળ-અટીરા, બહેરા મૂંગાની શાળા-આશ્રમ રોડ, વિકાસગૃહ-પાલડી, સમર્પણ મૂકબધીર શાળા, સરસ્વતી કન્યા કેળવણી કેન્દ્ર, શ્રી સરસ્વતી મંદિર પ્રાથમિક શાળા-મણિનગર, શ્રી રામકૃષ્ણ પ્રાથમિક શાળા-મણિનગર શાળાની કન્યાઓનું મહાનુભાવો દ્વારા પૂજન કરી કન્યાવંદન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મહામંડલેશ્વર શ્રી કૃષ્ણમણિજી મહારાજ- પ્રણામી સંપ્રદાય જામનગર,  ડૉ. શ્રી વાગેશકુમાર કાંકરોલી, એચએસએસ કોર ટીમના સદસ્ય શ્રી સોમકાંતભાઈ શર્મા, ડૉ. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર સુશ્રી ડૉ. અમીબહેન ઉપાધ્યાય, અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના ચેરમેન શ્રી સુજયભાઈ મહેતા, એચએસએસએફના અધ્યક્ષ શ્રી તુલસીરામ ટેકવાની, એચએસએસએફના અધ્યક્ષ શ્રી ઘનશ્યામભાઈ વ્યાસ, બાળ આયોગના ચેરમેન સુશ્રી ધર્મિષ્ઠાબહેન, એચએસએસએફના સહસચિવ સુશ્રી નીપાબહેન શુક્લ, એચએસએસએફની આયોજન સમિતિના ચેરમેન શ્રી સુભાષભાઈ ભાવસાર વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.