Western Times News

Gujarati News

મ્યુનિ. આસી. કમિશનરો પર કમિશનર કોપાયમાનઃ ટુંક સમયમાં બદલીઓ કરાશે

એન્જીનીયરીંગ વિભાગને લગતી ફરિયાદોનો નિકાલ સમયસર થતો નથી જેના માટે મ્યુનિ. કમિશનર દ્વારા આસિસ્ટન્ટ કમિશનરોને સોંપવામાં આવેલી સત્તા જવાબદાર

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં પ્રજાકિય કામો લગભગ ઠપ થઈ ગયા છે. ખાસ કરીને એન્જીનીયરીંગ વિભાગને લગતી ફરિયાદોનો નિકાલ સમયસર થતો નથી જેના માટે મ્યુનિ. કમિશનર દ્વારા આસિસ્ટન્ટ કમિશનરોને સોંપવામાં આવેલી સત્તા જવાબદાર હોવાનું માનવામાં આવી રહયું છે અને હવે આડકતરી રીતે ખુદ કમિશનર પણ આ ભુલનો સ્વીકાર કરતા હોય તેમ લાગી રહયું છે. જેના પ્રાયક્ષિતરૂપે ટુંક સમયમાં જ તમામ જુનીયર આસિસ્ટન્ટ કમિશનરોની બદલી કરવા માટે નિર્ણય કર્યો છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં ર૦૧૮ની સાલમાં ર૮ આસી. મ્યુનિ. કમિશનરોની ભરતી કરવામાં આવી હતી તે સમયે એમ માનવામાં આવતુ હતું કે આ નવી ભરતીના કારણે વોર્ડ કક્ષાએ પાયાની ફરિયાદોના તાત્કાલીક ઉકેલ આવશે અને પ્રજાકિય કામો ઝડપથી થઈ શકશે. પરંતુ આ તમામ બાબતો ખોટી સાબિત થઈ છે અને આસી. કમિશનરની ભરતી બાદ પ્રજાકિય કામો વધુ ઢેબે ચઢયા હોય તેમ લાગી રહયું છે.

જેમાં મ્યુનિ. કમિશનર દ્વારા આ કેડરને એન્જીનીયરીંગ વિભાગનો ચાર્જ સોંપવામાં આવતા બળતામાં ઘી હોમાયા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આસી. કમિશનર કક્ષાના અધિકારીઓ પાસે ટેકનીકલ જ્ઞાનનો અભાવ છે તે બાબત જગ જાહેર છે.

ભુતકાળમાં પણ તેમને એન્જીનીયરીંગનો હવાલો સોંપવામાં આવ્યો હતો પરંતુ તે તરત જ પરત લઈ લેવામાં આવ્યો હતો. મ્યુનિ. કમિશનર એમ. થેન્નારસને ચોમાસા અગાઉ આસી. કમિશનરોને ફરીથી એન્જીનીયરીંગને લગતી ફરિયાદોના કામ અંગેની જવાબદારી સોંપી હતી જેના માઠા પરિણામ ચોમાસામાં જોવા મળ્યા હતા અને હાલ પણ જોવા મળી રહયા છે. જેના કારણે કમિશનરનો નિર્ણય બુમરેંગ સાબિત થયો છે.

શહેરમાં સ્વચ્છતા સર્વેક્ષણ- ર૦ર૪ની કામગીરી યુધ્ધના ધોરણે ચાલી રહી છે ત્યારે તમામ વોર્ડમાં તૂટેલી ફૂટપાથ, ઉભરાતી ગટરો, રોડ પર પાણી જેવી સમસ્યા જોવા મળી રહી છે. જેના માટે આસી. કમિશનરો જવાબદાર છે અને દર બુધવારે મળતી રીવ્યુ બેઠકમાં પણ કમિશનર આ મામલે આસી. કમિશનરોને આડાહાથે લે છે તેમ છતાં પરિસ્થિતિમાં કોઈ જ સુધારો થતો નથી.

તેથી કમિશનરે તમામ આસી. કમિશનરોની બદલી કરવા નિર્ણય કર્યો છે. આમ પણ આ તમામ અધિકારીઓ ર૦૧૮થી એક જ સ્થળે ફરજ બજાવી રહયા છે. જેના કારણે કામની નિષ્ક્રિયતાની સાથે સાથે ભ્રષ્ટાચાર પણ વધ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે.

મ્યુનિ. કમિશનરે તે બાબતનો સ્વીકાર કર્યો છે કે એકાદ બે આસી. કમિશનરો સિવાય કોઈ જ કામ કરતા નથી તેથી આગામી આઠ દસ દિવસમાં જ બદલી કરવામાં આવશે. આસી. કમિશનરોની બદલી માટેનો ડ્રાફટ તૈયાર થઈ ગયો છે. માત્ર કમિશનરની સહી જ બાકી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.