Ahmedabad: મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોરોના કાળ દરમ્યાન વ્યાપક ભ્રષ્ટાચાર થયોઃ કોંગ્રેસ
AMC કોર્પોરેશન દ્વારા રૂપિયા આઠ કરોડ કરતા વધુ રકમના બિલો ખોટી રીતે ચૂકવવામાં આવ્યા
ભાજપાએ પીપીપી મોડલના ધજાગરા ઉડાવ્યા છે ઃ શહેઝાદખાન પઠાણ
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માસિક સમાન્ય સભામાં પૂર્ણ ધરી અઢી વર્ષની ટર્મમાં મન મૂકીને ભ્રષ્ટાચાર થયો છે. કોરોના કાળ દરમ્યાન પણ કેટલાક લોકોએ નાગરિકો સાથે છેતરપિંડી કરી છે. આ ઉપરાંત દાણીલીમડા સીઈટીપી, હાડકેશ્વર બ્રિજ, ચાંદખેડા ટીપી સ્કીમ સહિતના મુદ્દે વિપક્ષ કોંગ્રેસ તરફથી આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા.
મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષના નેતા શહેઝાદખાન પઠાણે ઝીરો અવોર્ડસ રજૂઆત કરતા જણાવ્યું હતું કે કોરોનાના બીજા તબક્કા દરમ્યાન ખાનગી હોસ્પિટલોના પ૦ ટકા બેડ રિઝર્વ કરવામાં આવયા હતા. જેમાં કોર્પોરેશન દ્વારા રૂપિયા આઠ કરોડ કરતા વધુ રકમના બિલો ખોટી રીતે ચૂકવવામાં આવ્યા છે.
જેથી હજી સુધી કોઈ તપાસ થઈ નથી આ ઉપરાંત કોરોના દરમ્યાન જે વેન્ટિલેટર ખરીદ કરવામાં આવ્યા હતા તે નબળી ગુણવત્તાના હતા તેમ છતાં તંત્ર દ્વારા સપ્લાય કરતા કંપની કે રાજ્ય સરકાર સમક્ષ કોઈ જ ફરિયાદ કરવામાં આવી નથી. કોરોના કાળ દરમ્યાન વિવિધ ખરીદી, વેન્ટિલેટર, ખાનગી હોસ્પિટલના પેમેન્ટ વગેરે પાછળ અંદાજે રૂપિયા પ૦ કરોડનો ભ્રષ્ટાચાર થયો છે.
ભાજપ દ્વારા છેલ્લા અઢી વર્ષ દરમ્યાન કોન્ટ્રાક્ટરોને છાવરવામાં આવ્યા છે. તેમજ માનીતા કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી ન કરવાની નીતિ અપનાવવામાં આવી છે. થોડા દિવસો પહેલા મ્યુનિ. કમિશનરે એન.પી. પટેલ નામના કોન્ટ્રાક્ટરને ત્રણ વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવાની દરખાસ્ત વોટર સપ્લાય કમિટી સમક્ષ રજૂ કરી હતી
પરંતુ અગમ્ય કારણોસર કમિટીએ કોન્ટ્રાક્ટરને માત્ર એક વર્ષ માટે જ બ્લેકલિસ્ટ કર્યા હતા. આ જ કમિટી દ્વારા તમામ નીતિ નિયમો નેવે મૂકી દાણીલીમડા સીઈટીપી શરૂ કરવા મંજૂરી આપવામાં આવી છે. જેને વ્યાજબી ગણીએ તો પણ શું કમિટી ચેરમેન એવી લેખિત બાંહેધરી આપશે ? કે ફેક્ટરીઓ દ્વારા હવે કેમિકલ યુક્ત પાણી ખુલ્લામાં કે નદીમાં છોડવામાં નહીં આવે ?
મ્યુનિસિપલ રિક્રિએશન કમિટીએ પીપીપી મોડલના ધજાગરા ઉડાવ્યા છે. આ કમિટીએ છેલ્લા અઢી વર્ષ દરમ્યાન મનસ્વી રીતે સ્વિમિંગપુલ, જિમ્નેસિયમ, ટેનિસ કોટ વગેરે નજીવા ડરથી ભાડે આપ્યા છે. સામાન્ય રીતે પીપીપી મોડલમાં બાંધકામ ખર્ચ કોન્ટ્રાક્ટરના શીરે રહે છે
પરંતુ અહીં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઈન્ફ્રાસ્ટક્ચર તૈયાર કરીને કોન્ટ્રાક્ટરોને સોંપી દે છે ચોકાવનારી બાબત એ છે કે રિવરફ્રન્ટ સ્પોર્ટસ કોમ્પલેક્સ અદાણી કંપનીને ચલાવવા માટે આપ્યું છે તેમ છતાં આ કંપનીએ કોમ્પલેક્સ પર તેના બોર્ડ લગાવ્યા છે. જાે આ રીતે જ બધા જ કોન્ટ્રાક્ટરો બોર્ડ લગાવશે તો કોર્પોરેટરના ભાગે માત્ર ગાંધી હોલ જ રહેશે. તેઓ કટાક્ષ પણ તેમણે કર્યો હતો.