Ahmedabad મ્યુનિ. કોર્પો. 30 લાખ રોપા લગાવવા રૂ.૩૪ કરોડનો ખર્ચ કરશે
કોન્ટ્રાકટરો રોપા લગાવી એક વર્ષ સુધી તેની માવજત કરશે ઃ દેવાંગ દાણી
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા છેલ્લા પ વર્ષથી ૧૦ લાખ કે તેથી વધુ રોપા લગાવવામાં આવે છે.ચાલુ વર્ષે પણ કમિશનર દ્વારા ૩૦ લાખ રોપા લગાવવાની જાહેરાત કરવામાં આવી છે.
જે પૈકી અંદાજે ર લાખ રોપા લગાવ્યા છે. જયારે બાકીના રોપા માટે તંત્ર દ્વારા કોન્ટ્રાકટ આપવામાં આવ્યા છે જેમાં કોન્ટ્રાકટર દ્વારા જ જે તે સ્થળે વૃક્ષારોપણ કરવામાં આવશે તેમજ એક વર્ષ સુધી તેની માવજત પણ કરવામાં આવશે. આ ઉપરાંત ચોમાસાની સીઝન દરમિયાન વૃક્ષો પડી જવાની તથા તેના હિસાબે જાનહાની થવાની સંખ્યા વધી રહી છે જેને ધ્યાનમાં લઈ મોટા વૃક્ષોને ટ્રીમીંગ કરવા માટે કોન્ટ્રાકટ આપવામાં આવશે. મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટીએ આ તમામ બાબતો માટે રૂ.૩૪ કરોડની મંજુરી આપી છે.
મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ આ અંગે જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૩૦ લાખ વૃક્ષો વાવવાના લક્ષ્યાંકને લઇ રૂ.૩૪ કરોડનો ખર્ચ કરવામાં આવશે. રૂ.૧૬ કરોડ રૂપિયાના ખર્ચે ૧૨ લાખ રોપા ખરીદવામાં આવશે અને ૧૮ કરોડ રૂપિયાનો ટ્રેક્ટર ટ્રોલી મજૂર વગેરે માટે એજન્સીઓ પાછળ ખર્ચ કરવામાં આવશે. મિશન અંતર્ગત મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગ દ્વારા અત્યાર સુધીમાં ૧.૯૫ લાખ રોપા વાવવામાં આવ્યા છે.
આગામી દિવસોમાં ૨૮ લાખ જેટલા વૃક્ષો વાવવામાં આવશે. થ્રી મિલિયન મિશનરી અંતર્ગત શહેરમાં વિવિધ જગ્યાએ વૃક્ષો વાવવામાં આવશે જેના માટે છોડ ખરીદવા, પ્લાન્ટેશન કરવા અને અન્ય સાધનો માટે કુલ ૩૬ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. જેના માટેના કામોની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી આપવામાં આવી છે. જે એજન્સી દ્વારા રોપા સપ્લાય કરવામાં આવશે.
તે જ રોપા વાવશે એવી શરત ટેન્ડરમાં મૂકવામાં આવી છે. જેથી, જે એજન્સી દ્વારા કામગીરી કરવામાં આવતી હોય તેમની જ વાવવાની જવાબદારી રહેશે. એજન્સીનું ૨૫ ટકા પેમેન્ટ જમા રાખવામાં આવશે. જો તે જાળવણી નહીં કરવામાં આવે તો તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવશે. PPP ધોરણે અનેક સંસ્થાઓ દ્વારા વૃક્ષો ઉછેર કરવા માટે માંગણી કરવામાં આવી છે. જેથી, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેઓને પ્લોટ ફાળવવામાં આવશે.
સંસ્થાઓ દ્વારા રોપા વાવવામાં આવશે અને તેનો ઉછેર કરવાની જવાબદારી પણ તેમની જ રહેશે. અમદાવાદ શહેરમાં જે રીતે ગરમીનો પારો હવે વધી રહ્યો છે ત્યારે શહેરને ગ્રીન બનાવવા માટે ૩૦ લાખથી વધુ વૃક્ષો વાવવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગના ડાયરેક્ટર જીગ્નેશ પટેલે જણાવ્યું હતું કે, ૩૦ લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગ દ્વારા અત્યાર સુધીમાં ૧.૯૫ લાખ રોપા વાવવામાં આવ્યા છે. આગામી દિવસોમાં ૨૮ લાખ જેટલા વૃક્ષો વાવવામાં આવશે.
ચોમાસાને ધ્યાનમાં રાખી મશીનથી ખાડો કરી અને સીધા પ્લાન્ટ વાવવામાં આવશે. તેના માટે વિવિધ ઝોનમાં કુલ ૨૦ જેટલા ઓગર મશીન આપવામાં આવ્યા છે. ચોમાસા દરમિયાન જે ગ્રીન વેસ્ટ નીકળે છે, તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટમાં નાખવામાં આવશે. જેના માટેના સ્થળ પણ નક્કી કરવામાં આવ્યા છે.