અમદાવાદના બે વિદ્યાર્થીના JEE મેઈન્સમાં ૧૦૦માંથી ૧૦૦ પર્સેન્ટાઇલ
(એજન્સી)અમદાવાદ, ધોરણ ૧૨ પછી ડિગ્રી એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ મેળવવા માટે લેવાતી જેઈઈ મેઈન્સનું પરિણામ જાહેર થયું છે.
જેમાં અમદાવાદના બે વિદ્યાર્થીઓએ ૧૦૦માંથી ૧૦૦ પર્સેન્ટાઇલ મેળવવાની સિદ્ધિ હાંસલ કરી છે. જાન્યુઆરી માસમાં લેવાયેલી આ પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. બંને વિદ્યાર્થીઓને જેઈઈ એડવાન્સની પરીક્ષામાં સ્કોર કરી બોમ્બે આઈઆઈટીમાં કમ્પ્યુટર સાયન્સ કરવાનો ગોલ છે.
ધોરણ ૧૨ પછી રાજ્ય અને દેશની શ્રેષ્ઠ ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ માટે લેવામાં આવતી ત્નઈઈ મેઈન્સ પ્રથમ તબક્કાની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જેમાં અમદાવાદના બે વિદ્યાર્થીઓ એવા છે કે, જેમને ૧૦૦ પર્સન્ટાઇલ હાંસલ કર્યા છે.
દેશભરમાં માત્ર ૨૦ વિદ્યાર્થીઓ એવા છે કે જેમને આ સફળતા મળી છે. જેમાં અમદાવાદના કૌશલ વિજયવર્ગીય અને હરસુલ સુથાર નામના વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. મહત્વની વાત એ છે કે, કૌશલ નામના વિદ્યાર્થીએ જેટલા માર્કની પરીક્ષા હતી, એટલા માર્ક મેળવ્યાં છે.
કૌશલએ ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણિતમાં ૧૦૦ પર્સેન્ટાઇલ મેળવ્યા છે. જ્યારે હર્ષલ સુથારે ગણિત અને ભૌતિકશાસ્ત્રમાં ૧૦૦ પર્સેન્ટાઈલ મેળવ્યા છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યની અને દેશની પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ માટે જેઈઈ મેઇન્સની પરીક્ષા યોજાતી હોય છે.
મેન્સ બાદ એડવાન્સની પરીક્ષા લેવામાં આવે છે. જેના થકી વિદ્યાર્થીઓને આઈઆઈટી, નીટમાં પ્રવેશ મળે છે. ત્રણ વર્ષથી વર્ષમાં બે વાર જેઈઈ મેન્સની પરીક્ષા યોજાય છે. આ બંને પરીક્ષામાંથી જે પરીક્ષાનું સારું પરિણામ હોય એ પરિણામ માન્ય રાખવામાં આવે છે અને એના આધારે એડમિશન મળતું હોય છે. જેઇઇ-મેઇન જાન્યુઆરી સત્રની પરીક્ષા ૨૪ જાન્યુઆરીથી ૧ ફેબ્રુઆરી વચ્ચે યોજાઇ હતી.