Western Times News

Gujarati News

અમદાવાદમાં એર મોનિટરીંગ સેન્સર લગાવવામાં આવશે

એસટીપી માટે નવો ડીપીઆર તૈયાર કરવામાં આવશેઃ દેવાંગ દાણી

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા એર મોનીટરીંગ માટે નાના મોટા જંકશનો પર સેન્સર મશીન લગાવવામાં આવશે આ ઉપરાંત શહેરના હેરીટેઝ દરવાજાઓને નિયમ મુજબ રીસ્ટોર કરવામાં આવશે.

મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટિ ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા મુજબ ર૦ર૪-રપના નાણાંકિય વર્ષમાં શહેરમાં એર મોનીટરીંગ સેન્સર લગાવવા માટે જાહેરાત કરવામાં આવી હતી. તદઉપરાંત બુધવારે એસ.જી. હાઈવે પર જે સમસ્યા સર્જાઈ હતી તેને ધ્યાનમાં લઈ શહેરના નાના મોટા જંકશનો પર એર મોનીટરીંગ માટે ૧પ૦૦ જેટલા સેન્સર મશીન લગાવવામાં આવશે. વાયુ પ્રદુષણના કારણે નાગરિકોને અસ્થમા, એલર્જી, ફેફસાના રોગ થાય છે

તેથી સેન્સર મશીન લગાવવાનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. સેન્સર મશીન લગાવવાની સાથે સાથે દરેક વોર્ડમાં એક કેનોન ફોગીંગ મશીન લેવામાં આવશે. આ મશીન દ્વારા જયાં પણ પ્રદુષણનું પ્રમાણ હોય ત્યાં ફોગીંગ કરવાથી પ્રદુષણ નિયંત્રણમાં આવી શકે છે. આ પ્રકારના સેન્સર મશીન લગાવનાર અમદાવાદ દેશનું પ્રથમ શહેર બનશે.

શહેરના એૈતિહાસિક દરવાજાઓને રીસ્ટોર કરવામાં આવશે જેમાં આર્કિયોલોજીના નિયમ મુજબ જ રીસ્ટોલેશનનું કામ થશે. મધ્યઝોનના હેરીટેઝ મકાનોના રીસ્ટોલેશન માટે મંજુરી મેળવવામાં ઘણો જ વિલંબ થતો હોવાની ફરિયાદો મળે છે તેથી આ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવામાં આવે તે માટે જવાબદાર વિભાગને તાકીદ કરવામાં આવી છે.

શહેરના રખિયાલ અને લાંભા વોર્ડના સ્મશાનને અપગ્રેડ કરવામાં આવશે આ બંને સ્મશાનમાં સીએનજી ભઠ્ઠી લગાવવામાં આવશે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા હાલ તમામ જુના એસટીપી અપગ્રેડ કરવામાં આવી રહયા છે પરંતુ બે દાયકા પછીની સ્થિતિ અલગ જ રહેશે. તેથી ર૦૪પની વસ્તી અને સુઅરેજને ધ્યાનમાં લઈ નવો ડીપીઆર તૈયાર કરવામાં આવશે તથા તે મુજબ જ આગામી સમયમાં કામ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.