Western Times News

Gujarati News

અમદાવાદ માટે ‘લાલબસ’ લાઈફ લાઈનઃ મણીનગર લાલબસ ટર્મિનસ ખાતે મુસાફરો માટે અદ્‌ભૂત વ્યવસ્થા

બેસવા માટે ખુરશી, માથા પર પંખા અને શેડ બાંધેલો હોવાથી તમામ ઋતુમાં રાહતજનક: નિઃશુલ્ક પીવાના પાણીની વ્યવસ્થા, બસોનું સંચાલન કરનાર સેવાભાવી સ્ટાફ

(અમરીશ દવે દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (એ.એમ.ટી.એસ) તેના ખૂબ જ મર્યાદિત સંશાધનોની વચ્ચે સુદર કામગીરી બજાવી રહી છે. પહેલાના વર્ષોમાં લાલબસો- બસ સ્ટેન્ડો પછી આજે જાણે કે એ.એમ.ટી.એસની સુવિધામાં અનેક ગણો સુધારો અને વધારો થયો છે.

નવી-નવી બસો શહેરના અલગ-અલગ માર્ગ પર દોડી રહી છે તેમાં પણ નવો સુધારો થયો છે. લાલબસ (એસી) આવી છે. ડબલ ડેકર અમદાવાદની શાન બની ગઈ છે. ટૂંકમાં કહીએ તો પરિવર્તનની સાથે કદમથી કદમ મીલાવીને લાલબસમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. અલબત્ત વિસ્તાર-વસ્તીની દ્રષ્ટિએ બસોની સંખ્યા ઓછી છે. પરંતુ આગામી દિવસોમાં આ ક્ષતિ પણ પૂરી થઈ જશે.

એ.એમ.ટી.એસનાં બસ સ્ટેન્ડોને નવા રંગરૂપ અપાયા છે. બેસવાની વ્યવસ્થા વ્યવસ્થિત બનાવાઈ છે. લાલદરવાજા ટર્મિનસ ખાતે બસ સ્ટેન્ડો અત્યાધુનિક બનાવાયા છે. થાકીને સતત ઉભા રહેતા પેસેન્જરો માટે બેસવાની જગ્યા છે તો કુલિંગ બસ સ્ટેન્ડો બનાવ્યા છે તેનાથી મુસાફરોને કાળઝાળ ગરમીમાં રાહત થાય છે.

અમદાવાદના મણીનગરમાં લાલબસ સ્ટેન્ડ તો એટલુ ચોખ્ખુ છે કે ત્યાં ઘડી બેઘડી વિશ્રામ કરવાનું મન થઈ જાય. બેસવા માટે ખુરશી છે. માથા ઉપર પંખા રાખવામાં આવ્યા છે જેનાથી લોકોને ગરમીમાં રાહત થાય છે કંડકટર-ડ્રાઈવર પણ તેમના ફેરાનો સમય થાય નહિ ત્યાં સુધી અહીંયા બેસે છે ઉપરની તરફ ભૂરા-સફેદ કલરનો શેડ બનાવવામાં આવ્યો છે

જેથી કરીને કોઈને તાપ સહન કરવો પડે નહિ. તો અસહ્ય ગરમીમાં મુસાફરો- ડ્રાઈવર-કંડકટરો સહિત સૌ કોઈ માટે નિઃશુલ્ક પાણી પીવાની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સ્થળ પર આવીને લોકોને સરળતાથી પીવાનું ચોખ્ખુ પાણી મળી જાય છે બીજી તરફ ડ્રાઈવર- કંડકટરો દ્વારા કતારબધ્ધ બસો ગોઠવવામાં આવે છે.

જેથી કરીને ટ્રાફિકજામની સમસ્યા સર્જાય નહિ. એ.એમ.ટી.એસના કંટ્રોલર સહિતનો સ્ટાફ સતત સુપરવિઝન રાખીને આવતા-જતા પેસેન્જરોને સામેથી પૂછીને તેમને માર્ગદર્શન આપે છે. બસનો સમય પૂછવા જતા ત્યાંનો સ્ટાફ જરા પણ કંટાળ તો હોય તેવુ જણાતુ નથી. વચ્ચેના સમયે બસ ઉભી હી રાખવાની ફરિયાદો ઉઠી હતી પરંતુ તેનો નિકાલ આવી ગયો હોય તેવુ જણાઈ રહયું છે.

એ.એમ.ટી.એસની લાલબસોમાં તમામ સ્તરે આમૂલ પરિવર્તન જોવા મળી રહયું છે આધુનિક યુગમાં કદમ સાથે કદમ મિલાવી વહીવટી તંત્ર આગળ વધી રહયુ છે. લાલ બસ સામે ગમે તેટલી ફરિયાદો- સમસ્યા હોય પરંતુ છેવટે તો આપણા સૌ કોઈ માટે તે ‘લાઈફ લાઈન’ સમાન છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.