Western Times News

Gujarati News

Ahmedabad: આર્કીયોલોજી વિભાગની બોગસ પરવાનગીનું કૌભાંડ

દસ બાંધકામોની રજા ચિઠ્ઠી રદ પરવાનગી

(દેવેન્દ્ર શાહ દ્વારા) તા. 15-03-2019 અમદાવાદ, દેશના પ્રથમ “હેરીટેજ સીટી” માં જ હેરીટેજ મિલકતોની સાચવણી થતી નથી. શહેરની ઐતિહાસિક મિલકતોની આસ-પાસ ફેરીયાલારીવાળાના દબાણો થઈ ગયા છે. તેમજ આક્રીયોલોજી વિભાગની ઐસી-તૈસી કરીને મોટાપાયે પાકા બાંધકામો પણ થઈ ગયા છે.

આર્કીયોલોજી ઓફ ઈન્ડીયાના નિયમ મુજબ જે તે હેરીટેજ મિલકતની ત્રિજયામાં બાંધકામ માટે પરવાનગી જરૂરી છે. તથા તે મુજબ બાંધકામની ઉંચાઈ માટે પરવાનગી આપવામાં આવે છે. મનપાના શાસકો અને અધિકારીઓ આ નિયમોની ઐસીતૈસી કરી રહયા છે.

થોડા સમય અગાઉ એક નાગરીકની જાગૃતતા ના કારણે આસ્ટોડીયા વિસ્તારમાં બોગસ પરવાનગી રજૂ કરી તે બાંધકામ કરાવવામાં આવ્યું હોવાની ચોકાવનારી વિગતો બહાર આવી હતી.

જેના પગલે તંત્ર ચોકી ઉઠયું હતું. તથા આર્કીયોલોજી ખાતાની રજૂ કરવામાં આવેલી પરવાનગીની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. તથા આર્કીયોલોજી ખાતા તરફથી લીલી-ઝંડી મળ્યા બાદ નવ બાંધકામોની રજાચીઠ્ઠી રદ કરવામાં આવી છે. શહેરના મધ્યઝોનમાં આવેલ ઐતિહાસિક મિલકતોની આસપાસ પાકા બાંધકામો થઈ ગયા છે. જેના પ્લાન પણ મંજૂર કરવામાં આવ્યા હોતા નથી.

જયારે જે બાંધકામના પ્લાન મંજૂર કરવામાં આવ્યા છે. તેમાં મોટા પાયે ગેરરીતિ થઈ છે. આર્કીયોલોજી ઓફ ઈન્ડીયા દ્વારા જાહેર કરવામાંઆવેલ નિયમ મુજબ જે તે હેરીટેઝ મિલકત ૧૦૦થી ૩૦૦ મીટર ની ત્રિજયામાં બાંધકામ કરવા માટે એએસએફની પરવાનગી જરૂરી છે.

અમદાવાદમાં આ પ્રકારની પરવાનગી ગાંધીનગર સ્થિત ઓફીસેથી આપવામાં આવે છે. કોટ વિસ્તારમાં છેલ્લા બે-ત્રણ વર્ષ દરમ્યાન પ્લાન મંજૂરી સમયે એએસએફની જે પરવાનગી રજૂ કરવામાં આવી છે તે ખોટી છે અથવા તો તેમાં ચેડા થયા છે.

તેવી શંકાના આધારે શીહીત પટેલ નામના સામાજીક કાર્યકરે આસ્ટોડીયા વિસ્તારના એક બાંધકામની આરટીઆઈ કરી હતી. જેમાં એસએફઆઈ પરવાનગીમાં ચેડા થયા હોવાની વિગતો બહાર આવી હતી.

આર્કીયોલોજી વિભાગ દ્વારા આપવામાં આવેલી પરવાનગીમાં ચેડા કરીને વધુ હાઈટ લેવામાં આવી હતી. આર્કીયોલોજી વિભાગની પરવાનગીમાં ચેડા થયા હોવાની વિગતો બહાર આવતા જ મધ્યઝોન એસ્ટેટખાતામાં ચાલી રહેલ ભ્રષ્ટાચાર પણ જાહેર થયો હતો.

તેથી મ્યુનિ.કમીશ્નરે છેલ્લા બે વર્ષ દરમ્યાન જે બાંધકામના પ્લાન મંજૂર કરવામાં આવ્યા છે. તેમની એએસઆઈ પરવાનગીની ચકાસણી કરવા સુચના આપી હતી.

મ્યુનિ.કમીશ્નરના આદેશ બાદ ટી.ડી.ઓ ખાતા દ્વારા જે બાંધકામની પરવાનગી શંકાસ્પદ લાગતી હતી તેની અલગ તારવણી કરવામાં આવી હતી. સુત્રોના જણાવ્યા મુજબ ટી.ડી.ઓ ખાતા દ્વારા કુલ ર૮ બાંધકામ ની પરવાનગીના ડોકયુમેન્ટ દિલ્હી સ્થિત એએસઆઈ ઓફીસે મોકલવામાં આવ્યા હતા. જેમાં ૧૬ ડોકયુમેન્ટ બરાબર હોવાના રીપોર્ટ આવ્યા હતા.

જયારે દસ બાંધકામોના પ્લાન મંજૂરી માટે એએસઆઈની ખોટી પરવાનગી રજૂ કરવામાં આવી છે. અથવા તો તેમાં ચેડા કરીને વધુ બાંધકામ કરવામાં આવ્યા છે. એએસઆઈ ખાતાના સદ્દર રીપોર્ટ બાદ સંલગ્ન વિભાગ દ્વારા દસ બાંધકામોની રજાચીઠ્ઠી રદ કરવામાં આવી છે. જે પૈકી ચાર બાંધકામો તોડી પાડવા માટે મધ્યઝોનના ડે.એસ્ટેટ ઓફીસર ને સુચના આપવામાં આવી છે.

જેનો હજી સુધી અમલ થયો નથી. જયારે ૦૬ બાંધકામોની વિજીલન્સ તપાસ શરૂ કરવામાં આવી છે. અત્રે નોધનીય બાબત એ છે કે મધ્યઝોન એસ્ટેટ ખાતામાં એએસઆઈની બોગસ પરવાનગીનું કૌભાંડ વર્ષોથી ચાલી રહયું છે.તેમજ ઈમ્પેકટ અંતર્ગત બાંધકામને મંજૂર કરવા માટે આ પ્રકારની બોગસ પરવાનગી સબમીટ કરવામાં આવી છે. લગભગ ચાર વર્ષ અગાઉ આ પધ્ધતિથી ૧પ૦ જેટલા બાંધકામોને કાયદેસર કરવામાં આવ્યા હોવાની વિગતો પણ જાહેર થઈ હતી.

પરંતુ તેને યેનકેન દબાવી દેવામાં આવી હતી. તે સમયે મધ્યઝોનમાં આસી.એસ્ટેટ ઓફીસર તરીકે ફરજ બજાવનાર અને નિવૃત્તિના દિવસે પ્રમોશન મેળવનાર એક અધિકારી શંકાના દાયરામાં આવ્યા હતા. જાણકારોના મંતવ્ય મુજબ આ નિવૃત્ત અધિકારી અને તેમના મળતીયાઓએ આર્કીયોલોજી ખાતાના રબર સ્ટેમ્પ તૈયાર કરાવ્યા હતા. તથા અમદાવાદમાં ફરજ બજાવતા આર્કીયોલોજી વિભાગના એક કર્મચારી સાથે મેળાપીપણા કરી બોગસ પરવાનગીઓ ઈસ્યુ કરી હતી.

મ્યુનિ. શાસકો અને વહીવટીતંત્ર એ તે સમયે આ મહાનુભાવોને બચાવવા માટે તપાસ કરાવી ન હતી. તથા ફાઈલો અભરાઈએ મુકી હતી. તથા શિરભાવરૂપે નિવૃત્તિ ના દિવસે પ્રમોશન પણ આપ્યું હતું છેલ્લા ત્રણ- ચાર વર્ષથી જે  કૌભાંડને દબાવી રાખવામાં આવ્યું હતું તે કૌભાંડને એક સામાજીક કાર્યકર બહાર લાવ્યા છે. પરંતુ આ સમયે પણ મધ્યઝોનના ડે.મેયર ઓફીસર ને બચાવવા માટે પ્રયાસ થઈ રહયા છે.

રજાચીઠ્ઠી રદ કરીને તંત્ર સંતોષ માની રહયું છે. પરંતુ આ પ્રકારના કૃત્યો કરનાર વ્યકિત સામે ફોજદારી ફરીયાદ દાખલ કરવામાં આવતી નીથ. તથા આ પ્રકારના બાંધકામો તોડવામાં પણ આવતા નથી. આસ્ટોડીયા વિસ્તારના બાંધકામને પણ સીલ કરીને સંતોષ માનવામાં આવ્યો છે. આ જ સ્થિતિ અન્ય દસ બાંધકામોની પણ રહેશે તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.