Western Times News

Gujarati News

અમદાવાદમાં બાબાસાહેબની પ્રતિમા ખંડિત કરાતાં સ્થાનિકમાં રોષ ફેલાયો

(એજન્સી) અમદાવાદ, અમદાવાદમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખંડિત કરાતા ધમાસાણ મચ્યું છે. અમદાવાદના ખોખરામાં બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુને નુકસાન થતા લોકોમાં રોષ ફેલાયો છે. સ્થાનિકોએ રસ્તા વચ્ચે બેસી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

બાબા સાહેબની પ્રતિમાને ખંડિત કરનારને પકડવા માંગ કરાઈ છે. ઘટનાની જાણ થતા શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલ અને ભાજપનાં ધારાસભ્ય અમુલ ભટ્ટ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

સ્થાનિકોએ પ્રતિમાને ફરીથી પ્રસ્થાપિત કરવામાં આવે તેવી માંગ કરી છે. પોલીસે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. અમદાવાદના ખોખરામાં બાબાસાહેબ આંબેડકરની મૂર્તિને ખંડિત કરવામાં આવી છે.

જયંતિ વકીલની ચાલીની બહાર ડો. બાબાસાહેબ આંબેડરની પ્રતિમાના નાકને અસામાજિક તત્વોએ તોડી નાખતા સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે.

સ્થાનિકોએ વિરોધ દર્શાવતા જ ખોખરા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. આ મામલે અમદાવાદ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલે જણાવ્યું કે, બાબા સાહેબની પ્રતિમાને ખંડિત કરવાનો પ્રયાસ કર્યો છે. પોલીસ કમિશનર સાથે વાત કરી છે.

આવા તત્વોને કડક સજા કરવાની માંગ કરી છે. બાબાસાહેબ મૂર્તિની જગ્યાએ નવી મૂર્તિ સ્થાપના કરવામાં આવશે. તેઓ દેશના સંવિધાનના પ્રણેતા છે. દેશના ૧૫૦ કરોડ લોકોની લાગણી જોડાયેલી છે.

શાંત વાતાવરણને ડહોળવાનો પ્રયાસ અમુક તત્વો કરી રહ્યાં છે. તો ભાજપનાં ધારાસભ્ય અમુલ ભટ્ટ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતાં. તેઓએ સ્થાનિક રહીશોને તેઓએ ખાતરી આપી હતી કે ૨૪ કલાકમાં આરોપીઓ પકડાઈ જશે. તેમણે કહ્યુ કે, શાંતિ ભંગ ના થાય એ જરૂરી છે, સરકાર આ મામલે ખૂબ જ ગંભીર છે. રહીશોની જે માંગ છે કે પ્રતિમાને ફરીથી પ્રસ્થાપિત કરવામાં આવે ત્યારે ફરીથી આનાથી સારી પ્રતિમા મુકીશું.

આ કોઈ પક્ષનો વિષય નથી, બાબાસાહેબ આંબેડકર તમામ લોકોના છે. રાજ્ય સરકારમાં જલ્દીથી જલ્દી કાર્યવાહી થાય તેના માટે અમે રજૂઆત કરી છે. પોલીસ સાથે પણ ચર્ચા કરી અને ઝડપથી આ કાર્યવાહી કરી આરોપીઓની ધરપકડ થશે. આંબેડકરની ખંડિત મૂર્તિ મામલે ખોખરા પોલીસે ફરિયાદ નોંધી છે. એસીપી કૃણાલ દેસાઈએ જણાવ્યું કે, અજાણ્યાં શખ્સો સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. આસપાસના સીસીટીવીમાં તપાસ શરૂ કરવામાં આવી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.