Western Times News

Gujarati News

રાજસ્થાનથી અમદાવાદના સીગ્નલો પર લોકોને ભીખ મંગાવવા માટે લવાતા હતા

પ્રતિકાત્મક

બાળકને ૧૫૦ રૂપિયા અને જો આખો પરિવાર લાવે તો તેને ૫૦૦ રૂપિયા આપતા હતા

ટ્રાફિક સિગ્નલ પર ભીગ મંગાવવાનું રેકેટઃ બે એજન્ટની ધરપકડ -હ્યુમન ટ્રાફિકિંગના કેસમાં ક્રાઈમ બ્રાંચને મોટી સફળતા મળીઃ મજબૂર લોકોને રાજસ્થાનથી અમદાવાદ લવાતા હતા

અમદાવાદ, ફિલ્મોમાં જે રીતે બાળકો પાસે ભીખ મંગાવવાનો કારોબાર બતાવવામાં આવે છે તેવી જ હકીકત રિયલ લાઈફમાં પણ જોવા મળે છે. બિચારાં બનીને જ્યારે ટ્રાફિક સિગ્નલ પર બાળકો ભીખ માગે છે

ત્યારે કદાચ તેમના પર દયા ખાઈને આપણે યથાશક્તિ રૂપિયા આપતાં હોઈએ છીએ, પરંતુ આ કોઈ બિચારા નહીં, પરંતુ પ્રોપર ટ્રેઈન કરાયેલાં બાળકો છે, જે ભીખ માગવામાં એક્સપર્ટ હોય છે. આમ, ભીખ મંગાવવાનો રીતસર કારોબાર ચાલી રહ્યો છે, જેનો પર્દાફાશ ક્રાઈમ બ્રાંચની ટીમે કર્યાે છે અને બે એજન્ટની ધરપકડ કરી છે.

અમદાવાદના ટ્રાફિક સિગ્નલ પર જ્યારે ગરીબ લોકો ભીખ માંગતા દેખાય છે ત્યારે કદાચ દયા ખાઈને આપણે રૂપિયા કે કોઈ વસ્તુ આપતા હોય છે, પરંતુ આ એક રીતસરનો કારોબાર છે અને હ્યુમન ટ્રાફિકિંગનું આખું રેકેટ છે, જેમાં બાળકો અને આખેઆખા પરિવારને અન્ય રાજ્યમાંથી લાવીને અમદાવાદના એસજી હાઈવે, સીજી રોડ તેમજ મહત્ત્વનાં જંક્શન પર ભીખ માગવા માટે ગોઠવી દેવામાં આવે છે અને આ ગોઠવનારા એજન્ટ હોય છે. ઘણાં વર્ષાેથી ચાલતા આ રેકેટનો પર્દાફાશ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કર્યાે છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બે એજન્ટની ધરપકડ કરી છે, જે રાજસ્થાનના નાના નાના જિલ્લાઓમાં જઈ બાળકો અને આખા પરિવારને ભીખ માગવા માટે અમદાવાદ લાવતા હતા, જેમાં તેનાથી પણ ચોંકાવનારી વાત એ છે કે બાળકને સામાન્ય રીતે વધુ ભીખ મળતી હોવાથી તેના ૧૫૦ રૂપિયા આપવામાં આવતા અને જો આખો પરિવાર લાવે તો તેને ૫૦૦ રૂપિયા આપતા હતા. એજન્ટ આ ગરીબોની મજબૂરીનો લાભ લઈ લેતા હતા અને આ સમગ્ર રેકેટ ચલાવતા હતા,

જોકે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તેનો ઘટસ્ફોટ કર્યાે છે. બે આરોપીઓની અમદાવાદમાં લાવીને પૂછપરછ કરવામાં આવી રહી છે. રાજસ્થાનના અલગ અલગ જિલ્લામાંથી ભીખ માંગવા માટે લવાયેલા હોવાની કબૂલાત કરી છે.

અમદાવાદના ટ્રાફિક સિગ્નલ પર અલગ અલગ જગ્યાએ ભીખ માગતા લોકોને રેસ્ક્યૂ કરીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ઘણા સમયથી કામ કરી રહી છે. આ સમગ્ર રેકેટ છે અને તેની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા કરવામાં આવી રહી હતી. રેસ્ક્યૂ કરાયેલાં બાળકોની પૂછપરછમાં સામે આવ્યું હતું કે તે પોતાની મરજીથી ભીખ માગવાની નહીં પણ તેની મજબૂરીના કારણે ભીખ માગી રહ્યા છે.

અમદાવાદ લાવીને ભીખ મંગાવવામાં આવતી હતી અને તે પણ બાળકો અને પરિવારને ભીખ માગવા માટે તેમની સાથે ડીલ કરવામાં આવતી હતી, જેમાં બાળકો જો એકલાં આવે તો તેમના પરિવાર પાસેથી રોજના ૧૫૦ રૂપિયા અને આખો પરિવાર આવે તો તેમની પાસેથી રોજના ૫૦૦ રૂપિયા આ એજન્ટ વસૂલતા હતા. આ મામલે ક્રાઈમ બ્રાંચના જેસીપી શરદ સિંઘલે જણાવ્યું છે કે હ્યુમન ટ્રાફિકિંગના કેસમાં બે એજન્ટની ધરપકડ કરાઈ છે, જેમની પૂછપરછ ચાલી રહી છે.

ક્રાઈમ બ્રાંચે ૧૦૦ બાળકોને રેસ્ક્યૂ કર્યા છે, જેમાં બંને એજન્ટ કેટલાં બાળકોને લાવ્યા છે તેની તપાસ થશે. બંને એજન્ટ અલગ અલગ જગ્યાએથી ગરીબ લોકોને લાવી તેમની પાસે અહીંયા ભીખ મંગાવતા હતા, જેમાં તેમના હોટસ્પોટ એસજી હાઈવે અને સીજીરોડ હતા.

હાલમાં આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે અને કેટલા સમયથી કેટલા લોકોને અહીંયા લાવ્યા તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે છેલ્લાં ઘણાં વર્ષાેથી આ પ્રકારે ટ્રાફિક સિગ્નલ પર ભીખ માગતા લોકોને લાવવામાં આવતા હતા તેમાં હાલ બે એજન્ટ પકડાયા છે, પરંતુ આની પાછળ બીજા લોકો પણ સામેલ છે

તેવી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને કડી મળી છે અને ગુજરાતના અમદાવાદ સિવાય બીજી કઈ જગ્યાએ ગરીબ લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને તેમની પાસે ભીખ મંગાવાતી હતી તેની તપાસ કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં આ રેકેટમાં કઈ રીતે કેટલા રૂપિયાની લાલચે લોકો જોડાયા હતા તે સ્પષ્ટ થશે તેવું જાણવા મળી રહ્યું છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.