પર્યાવરણના જતન માટે ગણેશજી અને દશા માની માટીની મૂર્તિઓ પધરાવવા મહિલાઓ સહમત થઈ
અમદાવાદના બાવળામાં “મહિલા સશક્તિકરણ અને ચાઈલ્ડ હેલ્થકેર” સેમિનારમાં 15 ગામોની મહિલાઓ જોડાઈ
મહિલાઓને ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનીયમ 2023ની સમજ અપાઈ
અમદાવાદ જિલ્લાના બાવળા શહેરમાં “મહિલા સશક્તિકરણ અને ચાઈલ્ડ હેલ્થકેર” સેમિનાર યોજવામાં આવ્યો હતો. શહેરના અટલ હોલ ખાતે યોજાયેલા આ સમારોહમાં 15 ગામોની મહિલાઓ જોડાઈ હતી.
જેમાં અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય એસ.પી. શ્રી મેઘા તેવરે મહિલાઓને કેન્દ્ર સરકારે અમલી બનાવેલા નવા કાયદા ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનીયમ 2023ની સમજ આપી હતી.
આ ઉપરાંત ગ્વાલા કંપનીના CSR મેનજર શ્રી દીનેશસિંઘે મહિલાઓને સીએસઆર અંતર્ગત બાળકો અને મહિલાઓના સ્વાસ્થ્યની સંભાળ માટે આપવામાં આવતા લાભો વિશે માર્ગદર્શન આપ્યું હતું.
નજીકના ભવિષ્યમાં આવતા ગણેશ ઉત્સવ અને દશામાંના પૂજનપર્વની ઉજવણી પ્રકૃતિના જતન સાથે કરવાનો સંદેશ જીપીસીબીના રિજનલ હેડ શ્રી રાહુલભાઈએ સેમિનારમાં મહિલાઓને આપ્યો હતો. મહિલાઓ ગણેશજી અને દશા માની માટીની મૂર્તિઓ પધરાવવા સહમત થઈ હતી.
સાથોસાથ મહિલા અભયમની ટીમ દ્વારા સ્વરક્ષણ માટે જાણકારી આપી હતી. ત્યારબાદ તેમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર સ્વયંસેવકોને બિરદાવાયા હતા.
આ સમગ્ર સેમીનારનું આયોજન ટાટા મોટર્સ, ગ્વાલા ક્લોઝર ગ્રુપ ઇન્ડિયા અને ધરતી ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ ગ્રામ્ય ડીવાયએસપી સુશ્રી રોશનીબેન, બાવળાના પોલીસ ઇન્સ્પેકટર શ્રી ચૌધરી, ટાટા મોટર્સના સીએસઆર સિનિયર મેનેજર શ્રી સંપાદાસ ઘોષ, ગ્વાલા ક્લોઝર ગ્રૂપ -ઇન્ડિયા કંપનીના પ્લાન્ટ હેડ શ્રી દિનેશસિંધ તેમજ સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.