અમદાવાદમાં માલેતુજાર વેપારીઓને હની ટ્રેપમાં ફસાવતી યુવતીઓ
વેપારીઓને ફોસલાવી, જાળમાં ફસાવીને રૂપિયા ખંખેરતી ચાલાક યુવતીનો આતંક-કુબેરનગર, સરદારનગર, નાના ચિલોડા વિસ્તારમાં રહેતા વેપારીઓને યુવતી ફસાવી રહી હોવાની ફરિયાદો ઉઠી
(એજન્સી) અમદાવાદ, આજે કેટલીક યુવતીઓને રૂપિયાનો નશો એટલી હદે થઈ ગયો છે કે તેઓ રૂપિયા કમાવવા માટે કોઈ પણ હદ સુધી જતી હોય છે, જેના કારણે કેટલાક માલેતુજાર લોકોના ઘરમાં આગ લાગી છે.
હુસ્નની જાળમાં ફસાવીને પરિણીત પુરુષોને ફસાવતી એક યુવતીનો આતંક શહેરના કુબેરનગર, સરદારનગર અને નાના ચિલોડા વિસ્તારમાં જાેવા મળ્યો છે. યુવતી પહેલાં દારૂ પાર્ટી કરે પછી રાતે વીડિયો કોલ કરે, ત્યાર બાદ વેપારી જાળમાં ફસાઈ જાય ત્યારે બ્લેકમેલિંગનો ધંધો શરૂ કરે છે.
વેપારીની હેસિયત પ્રમાણે યુવતી તેનો તોડ કરે છે. વેપારીનો તોડ થઈ ગયા બાદ યુવતી નવા બકરાની શોધમાં નીકળે છે, જેને હલાલ કરવા માટે શરૂઆત દારૂ પાર્ટીથી કરે છે. કેટલાક પોલીસ કર્મચારીઓને યુવતીના કરતૂતોની જાણ છે, પરંતુ કોઈ વેપારી ફરિયાદ નહી કરતા હોવાથી યુવતી કાયદાના સકંજામાં આવવાથી બચી જાય છે.
એક સ્વરૂપવાન યુવતીએ કુબેરનગરની નામાંકિત વ્યક્તિને ફસાવ્યા બાદ હવે તેનો ટાર્ગેટ કુબેરનગર, સરદારનગર અને નાના ચિલોડામાં રહેતા વેપારીઓ છે. શહેરમાં હની ટ્રેપની અનેક ઘટનાઓ સામે આવી છે, જેમાં યુવતી સોશિયલ મીડિયામાં સુખીસંપન્ન વ્યક્તિ સાથે વાતચીત શરૂ કરે અને ત્યારબાદ તેની સાથે શારીરિક સંબંધ બાંધીને તોડપાણી કરે.
ગત વર્ષે હની ટ્રેપના ગોરખધંધાનો પર્દાફાશ કરી ગેંગને ક્રાઈમબ્રાંચે ઝડપી પાડી હતી, જેમાં મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર, પીએસઆઈ તેમજ મહિલા કોન્સ્ટેબલની સંડોવણી સામે આવી હતી. આ ગેંગ સિવાય પણ ઘણી એવી ગેંગ છે, જે હની ટ્રેપનો ખેલ ખેલીને લોકો પાસેથી લાખો કરોડો રૂપિયા ખંખેરી લે છે. સ્થાનિક સુત્રોના જણાવ્યા અનુસાર કુબેરનગર વિસ્તારમાં રહેતી એક સ્વરૂપવાન યુવતીએ પણ પોતાના હુસ્નની જાળમાં ફસાવીને વેપારીઓ પાસેથી તોડપાણી કરવાનો ગોરખધંધો શરૂ કરી દીધો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર સ્વરૂપવાન યુવતી પહેલા કુબેરનગર, સરદારનગર અને નાના ચિલોડા વિસ્તારમાં રહેતા વેપારીઓ સાથે કોન્ટેકટ કરે છે અને બાદમાં તેમની સાથે ઈમોશનલ વાતો કરે છે. યુતવીથી મોહિત થઈને વેપારીઓ તેની સાથે વાતચીત કરવાનું શરૂ કરે છે ત્યારબાદ કોઈ અજ્ઞાત સ્થળે દારૂ પાર્ટી થાય છે.
વેપારી અને યુવતી બંને ભેગાં થઈને દારૂ પાર્ટી કરે છે, જેમાં યુવતી પાર્ટીના ફોટોગ્રાફસ પોતાના મોબાઈલ ફોનમાં પાડી લે છે. ફોટોગ્રાફસ પાડી લીધા બાદ યુવતી તેનો યોગ્ય સમયે ઉપયોગ કરે છે અને જેના આધારે વેપારી પાસેથી રૂપિયા ખંખેરી લે છે.
દારૂ પાર્ટીના ફોટોગ્રાફસ પાડી લીધા બાદ યુવતી વેપારીઓને મોડી રાતે વીડિયો કોલ કરે છે. યુવતી એટલી શાતિર છે કે વીડિયો કોલનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી લે છે. સ્ક્રીન રેકોર્ડિંગમાં ઓડિયો નહીં આવતો હોવાથી યુવતી કાયદાની જાળમાં ફસાતા બચી જાય છે. સ્ક્રીન રેકોર્ડિંગ થઈ ગયા બાદ યુવતી વેપારીઓ પાસે રૂપિયાની માગણી કરે છે.
વેપારીઓ રૂપિયા આપવાનો ઈન્કાર કરે તો યુવતી ફરિયાદ કરવાની પણ ધમકી આપે છે. યુવતીની ધમકીથી ડરી જઈ તેમજ સમાજમાં બદનામી થાય નહી તે માટે વેપારીઓ તેને રૂપિયા આપી દેતા હોય છે.