અમદાવાદઃ બસની પાછળ ઘૂસી જતાં કારનું પડીકું વળી ગયું, એકનું મોત

અમદાવાદ, અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આજે સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયાની માહિતી સામે આવી રહી છે. અહીં એક બસ અને મોંઘેરી એસયુવી કાર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. માહિતી મુજબ એએમટીએસની બસના પાછળના ભાગમાં એસયુવી કાર ઘૂસી જતાં કારનો કચ્ચરઘાણ થઈ ગયો હતો.
આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે અન્ય એક હજુ કારમાં જ ફસાયેલો હોવાની જાણકારી મળી રહી છે જેની હાલત ગંભીર છે.
સ્થાનિકોનો દાવો છે કે અકસ્માત સર્જનાર કારચાલકે એક બાઈકને પણ ટક્કર મારી હતી. પ્રાથમિક તપાસમાં જાણકારી મળી છે કે કારચાલકની બાજુમાં બેઠેલા વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે ડ્રાઈવર કારમાં ફસાઈ ગયો હતો જેને ગંભીર ઈજાઓ થઈ છે અને તેને બહાર કાઢવાના પ્રયાસ હાથ ધરાયા હતા.
માહિતી અનુસાર પૂરઝડપે કાર દોડી રહી હતી તે સમયે બાજુમાં એક લક્ઝરી બસ અને એએમટીએસની બસ પણ આવી જતા કારચાલક મુંઝાઈ ગયો અને કારને કાબૂમાં ન કરી શક્યો જેના કારણે કાર એએમટીએસ બસના પાછળના ભાગમાં ધડાકાભેર ઘૂસી ગઇ હતી.SS1MS