અમદાવાદના મધ્યઝોનમાં શૌચાલય રીપેરીંગ કૌભાંડ: એક વર્ષમાં રૂ.57 લાખ નો ખર્ચ

પ્રતિકાત્મક
જમાલપુરના કોર્પોરેટરે વિજિલન્સ તપાસની માંગણી કરી
(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના મધ્યઝોનના શાહપુર, જમાલપુર અને દરિયાપુર એમ કુલ 3 વોર્ડમાં આવેલા 115 જેટલા પબ્લીક ટોઇલેટના રીપેરીંગ ખર્ચના નામે મોટો ભ્રષ્ટાચાર થયો છે.આ ત્રણ વોર્ડમાં એક જ વર્ષમાં 1431 જેટલી વખત રીપેરીંગ કામ કરવાનાના રૂ. 57.24 લાખ જેટલી માતબર રકમ ચુકવવામા આવી હોવાના આક્ષેપ સ્થાનિક કોર્પોરેટર ઘ્વારા કરવામાં આવ્યા છે. Ahmedabad central zone toilet repairing fraud
જમાલપુરના કોર્પોરેટર રફીક શેખના જણાવ્યા મુજબ કોર્પોરેશન દ્વારા શહેરમાં ગંદકીને દૂર કરવા જાહેર શૌચાલયોની સાફ-સફાઈ કરવામાં આવે છે પરંતુ, મધ્ય ઝોનમાં દરિયાપુર, શાહપુર અને જમાલપુર જેવા વિસ્તારોમાં અધિકારીઓની મીલી ભગતને કારણે જાહેર શૌચાલયમાં રીપેરીંગના બહાને બેફામ નાણાં વેડફાઇ રહ્યા છે. શહેરના મધ્યઝોનમાં માત્ર 3 વોર્ડમાં જ પબ્લિક ટોઇલેટ પર વર્ષ 2023-24માં અધધ 57.24 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.
મધ્ય ઝોન વિસ્તારમાં આવેલા જાહેર શૌચાલયમાં સફાઈની પાછળ 4 વર્ષમાં 2.16 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો છે. જોકે, આ જાહેર શૌચાલયમાં સફાઈ થયેલી જોવા મળતી નથી. ન્યૂસન્સ ટેન્કર વડે નિયમિત રીતે સફાઇ ન કરતાં હોવાથી વારંવાર ફરિયાદ કરતાં બે વખત 5000 અને 10,000નો દંડ કરવામાં આવ્યો છે તેમછતાં આ એજન્સીઓને આટલી મોટી રકમ ચૂકવી દેવામાં આવતી હોય છે. જેને લઈને અધિકારીઓની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.
મધ્યઝોન ના શાહપુર વોર્ડમાં 44 શૌચાલય માટે રૂ.4.60 લાખ, દરિયાપુર માં 51 શૌચાલય માટે રૂ.18.64 લાખ અને જમાલપુર માં 20 શૌચાલય ના રીપેરીંગ માટે રૂ.34 લાખ ચૂકવ્યા છે. આ મામલામાં મોટું કૌભાંડ થયું છે, કેમકે અમારા ત્યાં જાહેર શૌચાલયોમાં ક્યારેય આ પ્રકારે કામ થતા જોયા જ નથી. તેમણે આ મામલે મ્યુનિ. કમિશનરને વિજીલન્સ મારફતે તપાસ કરાવવા માટે પત્ર પાઠવ્યો છે.