Western Times News

Gujarati News

ચંડોળા તળાવ દબાણ મુક્ત: બીજા દિવસે ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા

(પ્રતિનિધિ) અમદાવાદ,  અમદાવાદ શહેરમાં કુલ ૧૧ લાખ ચો.મી.નું ક્ષેત્રફળ ધરાવતુ ચંડોળા તળાવ બધા તળાવોમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટુ છે. આ તળાવમાં વ્યાવસાયીક પ્રકારના ૭૦૦ દબાણો સહિત કુલ ૧૨ હજારથી વધારે કાચા/પાકા દબાણો હતા. જેમાં ગેરકાયદેસર રીતે દેશમાં વસવાટ કરતા બાંગ્લાદેશીઓની સંખ્યા પણ વધુ હતી.

રાજ્ય સરકાર ના સહયોગથી મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા ચંડોળા તળાવ ડેવલપ કરવા માટે ટેન્ડર પ્રક્રિયા પણ કરવામાં આવી છે. પરંતુ તળાવ માં દબાણ હોવાના કારણે કામ થઈ શક્યું નહતું. તેથી તળાવ ડેવલપમેન્ટ ની સાથે સાથે  બાંગ્લાદેશી ઘૂસણખોરોને પણ દૂર કરવા  મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ વિભાગ ઘ્વારા બે તબક્કામાં મેગા ડીમોલેશન કરવામાં આવ્યું છે.

અમદાવાદ મ્યુનિસિપલ એસ્ટેટ વિભાગના ડે. કમિશનર રિદ્ધેશ રાવલના જણાવ્યા મુજબ તા.૨૯ એપ્રિલ થી ૦૧ મે એમ ત્રણ દિવસ દરમ્યાન અ.મ્યુ.કોર્પોરેશન દ્વારા પોલીસ વિભાગ સાથે રહીને પ્રથમ તબકકાની સંયુક્ત કામગીરીમાં અંદાજે ૪૦૦૦ જેટલા કાચા/પાકા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. પ્રથમ તબક્કાની આ કાર્યવાહીને અંતે અંદાજે ૧.૫ લાખ ચો.મી. જેટલી તળાવની જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.

બીજા તબક્કાની ડિમોલીશનની કામગીરી દરમ્યાન અંદાજે ૨.૫ લાખ ચો.મી. જેટલી જગ્યા કે જેમાં સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવેલ દબાણને દૂર કર્યા હતા . જેમાં સ્થાનિક લોકો દ્વારા થયેલ દબાણોમાં અંદાજે ૬૫૦ જેટલા વ્યાવસાયીક દબાણો સહિત કુલ અંદાજે ૮૫૦૦ જેટલા કાચા/પાકા દબાણોનો સમાવેશ થતો હતો. આ તળાવમાં રહેતા લોકો દ્વારા નાના-મોટા ધાર્મિક દબાણો પણ કરવામાં આવ્યા હતા.

અ.મ્યુ.કોર્પોરેશન દ્વારા આ તળાવનો સંપૂર્ણ વિકાસ કરવાનું નિર્ધારિત કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે અમદાવાદ કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટીએ તા. ૦૮/૦૫/૨૦૨૫ ના રોજ તળાવને સંપૂર્ણપણે દબાણ-મુકત કરતા પહેલાં તળાવમાં રહેતાં સ્થાનિક લોકોના પુનઃવસવાટ થાય તે માટે સરકારમાં દરખાસ્ત મોકલવા માટે ઠરાવ કર્યો છે.

સ્ટેન્ડીંગ કમિટીએ તળાવમાં વર્ષ ૨૦૧૦ પહેલા વસવાટ કરતા સ્થાનિક લોકોનું પુનઃપુનર્વસન કરવા માટે તેમના દ્વારા શરતોને આધિન રૂ.૩.૩૦ લાખ ની રકમ ભર્યેથી અને જરૂરી દસ્તાવેજો રજૂ કર્યેથી આવાસ ફાળવવા બાબતે યોજનાનું અમલીકરણ કરવા ઠરાવ કર્યો છે

તળાવમાં વસવાટ કરતા સ્થાનિક લોકોના પુનર્વસનની સ્કીમ શરૂ કર્યા બાદ ચંડોળા તળાવમાં આવેલા અંદાજે ૮૫૦૦ જેટલા કાચા/પાકા દબાણો દુર કરવાનું બીજા તબક્કાનું ઓપરેશન તા.૨૦.૦૫.૨૦૨૫ ના રોજથી શરૂ કર્યું હતું. તળાવમાં રહેલા તમામ દબાણો દૂર કરવાની કામગીરી કોર્પોરેશનનાં દક્ષિણઝોન દ્વારા શરૂ કરવામાં આવી હતી.

તા.૨૧/૦૫/૨૦૨૫ ના રોજની ધાર્મિક દબાણો દૂર કરવાની સંવેદનશીલ કામગીરી દરમ્યાન અસામાજીક તત્વો દુદ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોખમાય નહી તે માટે કોર્પોરેશન દ્વારા પોલીસ વિભાગ સાથે રહીને અત્યંત ચોકસાઇથી કામગીરીનું આયોજન કરી ધામિક દબાણો દૂર કરવામાં આવ્યા છે.

અમદાવાદ શહેરમાં આશરે ૧૧.૦૦ લાખ ચો.મીટર વિસ્તારમાં પાણીનો સંગ્રહ થવાથી આસપાસના વિસ્તારમાં પાણીના ભૂગર્ભજળના સ્તર ઊંચા આવશે. તળાવનું પર્યાવરણની દ્રષ્ટિએ અને અન્ય બાબતનો ખ્યાલ રાખીને તળાવનો વિકાસ કર્યેથી આપણુ અમદાવાદ શહેર વધુ સ્વચ્છ, આરોગ્યપ્રદ, સલામત, હરિયાળું અને સુંદર બને તે રીતે કામગીરી કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.