Western Times News

Gujarati News

અમદાવાદઃ ચાંદીપુરા વાયરસને નિયંત્રણમાં લેવા કાચા ઘરોના સર્વે કરવામાં આવશે

પ્રતિકાત્મક

ક્લોરીન વિના પાણી સપ્લાય મુદ્દે જવાબદાર સામે કાર્યવાહી કરો:  કમિશનર

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ,  રાજયમાં હાહાકાર મચાવી રહેલ ચાંદીપુરા વાયરસ ના કેસ અમદાવાદમાં પણ કન્ફર્મ થઈ.રહ્યા છે. આ વાયરસને નિયંત્રણ માં લેવા તેમજ કેસની સંખ્યા વધારો ન થાય તે માટે સઘન ઝુંબેશ કરવામાં આવે તેમજ કેટલાક વિસ્તારોમાં બોરવેલ અને વોટર ડિસ્ટ્રી. સેન્ટરમાં ક્લોરીન વિના જ પાણી સપ્લાય થઈ રહયા છે જેના માટે જવાબદાર લોકોને શો-કોઝ કે ચાર્જશીટ આપવા માટે કમિશનરે તાકીદ કરી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે વિકલી રીવ્યુ બેઠકમાં આરોગ્ય અધિકારીઓ ને આડા હાથે લીધા હતા. કમિશનરે ચાંદીપુરા વાયરસનો વ્યાપ ન વધે તે માટે કાચા ઘરોના સર્વે કરવા તેમજ આઈ.આર.સ્પ્રે અને મેલેથીઓન પાવડરનો છંટકાવ કરવા સૂચના આપી હતી. કમિશનર ના મંતવ્ય મુજબ કેસ કન્ફર્મ થયા બાદ કામગીરી કરવાના બદલે અગમચેતી વાપરી કામ કરવામા આવે તો પણ કેસની સંખ્યા ઘટાડી શકાય છે.

આ ઉપરાંત કોલેરાના વધતા કેસ માટે પણ કમિશનરે ચિંતા વ્યક્ત કરી હતી. કોલેરાના કેસ માં ચાલુ વર્ષ દરમ્યાન અસામાન્ય વધારો થયો છે. 2016 બાદ પ્રથમ વખત કોલેરાના કેસની સંખ્યા 100 કરતા વધુ થઈ છે. છેલ્લા સપ્તાહના આંકડા મુજબ કોલેરાના કુલ કેસ 153 થયા છે. કોલેરા ના કેસ પૂર્વ વિસ્તારમાંથી મોટી સંખ્યા માં બહાર આવી રહયા છે. આ ઉપરાંત પૂર્વના વિસ્તારોમાં કમળા ના કેસ પણ વધી રહયા છે.

તેથી પાણીના સેમ્પલની સંખ્યામાં વધારો કરવામાં આવે તે જરૂરી છે. હેલ્થ વિભાગ ઘ્વારા નીલ ક્લોરીન વોટર સપ્લાય અંગે ફરિયાદ કરવામાં આવતા કમિશનરે આ મુદ્દે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની ચીમકી પણ આપી હતી.લાંભા અને ગોમતીપુર વોર્ડમાં પ્રદુષિત પાણી સમસ્યા ઝડપથી હલ કરવા માટે તાકીદ કરી હતી.

આ ઉપરાંત આસી.કમિશનર નીતિન ગમાર સામે પણ નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. આસી.કમિશનરો ને તમામ સતા સોંપવામાં આવ્યા બાદ પણ કામ થતા નથી તેથી વોર્ડ કક્ષાએ પણ તપાસ કરવા માટે સૂચના આપવામાં આવી હતી.

અમદાવાદમાં ચાલુ વર્ષે થ્રિ મિલિયન મિશન ટ્રી અંતર્ગત જે વૃક્ષો લગાવવામાં આવ્યા છે તેની કાળજી મોર્નિંગ રાઉન્ડ દરમ્યાન તમામ અધિકારીઓ ઘ્વારા લેવામાં આવે તે જરૂરી છે. આ ઉપરાંત રોડ સાઇડ જે મોંઘા વૃક્ષ લગાવવામાં આવ્યા છે તેમાં સર્વાઇવલ રેશિયો 100 ટકા રહેવો જોઈએ, આ મામલે કોઇ જ ખુલાસા પર ધ્યાન આપવામાં આવશે નહિ તેમ કમિશનરે ચીમકી આપી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.