અમદાવાદમાં કમળો, કોલેરા અને ટાઈફોઈડના કેસમાં ચિંતાજનક વધારો
(પ્રતિનિધિ) અમદાવાદ, સ્માર્ટ સીટી અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો ધીમેધીમે નિયંત્રણમાં આવી રહયો છે. જયારે પાણીજન્ય રોગચાળામાં ફરીથી વધારો જોવા મળી રહયો છે. શહેરમાં ટાઈફોઈડ, કમળો અને કોલેરાના કેસ સતત વધી રહયા છે. તહેવારોની સીઝન, બેરોકટોક વેચાણ થતાં અખાદ્ય પદાર્થો અને પ્રદુષિત પાણીના કારણે પાણીજન્ય રોગચાળો વધી રહયો હોવાનું માનવામાં આવે છે.
મ્યુનિ. આરોગ્ય વિભાગના વડા ડો. ભાવિન સોલંકીના જણાવ્યા મુજબ નવેમ્બર મહિનામાં કમળાના ૩ર૭, ટાઈફોઈડના ૩ર૪ અને ઝાડા- ઉલ્ટીના ૩૧૪ કેસ નોંધાયા છે જયારે કોલેરાના વધુ ૦ર કેસ કન્ફર્મ થયા છે. જયારે મચ્છજન્ય રોગચાળામાં સાદા મેલેરિયાના ૧ર૩, ઝેરી મેલેરિયા-૪પ, ચીકનગુનીઆ-૩૧ અને ડેન્ગ્યુના ૧૬૮ કેસ નોંધાયા છે.
ચાલુ વર્ષ દરમિયાન ૩૦ નવેમ્બર સુધી કોલેરાના ૧૯૯, ટાઈફોઈડ-પ૦૬૦, કમળો-ર૯૯પ, અને ઝાડા-ઉલ્ટીના ૯૭ર૪ કેસ નોંધાયા છે. ર૦ર૪માં ર૦ર૩ની સરખામણીમાં પાણીજન્ય રોગચાળામાં લગભગ ૧પ૦ટકાનો વધારો થયો છે. તેવી જ રીતે ૩૦ નવેમ્બર સુધી સાદા મેલેરિયા ૮૭૯, ઝેરી મેલેરિયા-૧૪૬, ડેન્ગયુ-ર૧૭૭ અને ચીકનગુનીઆના રરપ કેસ નોંધાયા છે.
શહેરમાં ડેન્ગયુના ર૧૭૭ કેસ પૈકી ૧૧૭૧ પુરૂષ અને ૧૦૦૬ મહિલા દર્દીઓનો સમાવેશ થાય છે. વય જુથ મુજબ જોવામાં આવે તો ૦ થી ૧ વર્ષમાં -૧૦૮, ૧ થી ૪ વર્ષ- ર૧૪, પ થી ૮ વર્ષ- ૩૧૭, ૯ થી ૧૪ વર્ષ – ૩૬૭ અને ૧પ વર્ષથી મોટી વયના ૧૧૭૧ લોકો ડેન્ગયુનો ભોગ બન્યા છે.