અમદાવાદના બાળકો કોલેરા-ડેન્ગ્યુના સંકજામાં

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો ચિંતાજનક હદે વધી રહયો છે. ખાસ કરીને શહેરના પૂર્વ પટ્ટામાં કોલેરા, કમળો, ઝાડા-ઉલટી અને ડેન્ગયુ જેવા જીવલેણ રોગના કેસમાં વધારો જોવા મળી રહયો છે. ર૦ર૪માં ડેન્ગયુના ર૦પ જેટલા કેસ નોંધાયા હતાં
જેની સામે ચાલુ વર્ષે ૩ મે સુધી ૩૧ કેસ કન્ફર્મ થયા છે. જયારે ચાલુ મહિનામાં પ કેસ કોલેરાના નોંધાયા છે. અહીં ચિંતાજનક બાબત એ છે કે કોલેરાના મોટાભાગના દર્દીઓ ૧ર વર્ષથી નાની વયના છે.
અમદાવાદ શહેરમાં કોલેરાનો કહેર સતત વધી રહયો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ દાણીલીમડા, મણીનગર, લાંભા, ગોમતીપુર, રામોલ, સરસપુર, રખિયાલ, ઈન્ડિયા કોલોની, ઈસનપુર સહિતના વિસ્તારોમાં કોલેરાના કેસ બહાર આવી રહયા છે. કોલેરાના કુલ ૩૧ દર્દી પૈકી રર દર્દીને એલ.જી.હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે તે સાબિત કરે છે કે પૂર્વ વિસ્તારમાં કોલેરાએ કાળો કહેર વર્તાવ્યો છે.
કોલેરાના કુલ ૩૧ દર્દી પૈકી ૧ર બાળકો છે તે પૈકી ૮ બાળકો માત્ર દાણીલીમડા વોર્ડના છે. શરૂઆતમાં એમ માનવામાં આવી રહયું હતું કે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સપ્લાય થતા પ્રદુષિત પાણીના કારણે જ કોલેરાના કેસ વધી રહયા છે પરંતુ હવે એ બાબત સાબિત થઈ રહી છે કે ફૂડ વિભાગની નબળી કામગીરીના કારણે બેરોકટોક વેચાણ થતાં ડુપ્લીકેટ બીનખાદ્યય આહારોના કારણે આ પ્રકારના કેસ વધ્યા છે.
શહેરમાં કોલેરાની સાથે સાથે ઝાડા-ઉલટી અને કમળાના કેસ વધ્યા છે. ચાલુ વર્ષ દરમિયાન ઝાડા-ઉલટીના ર૪૩૯, કમળાના ૭૪૯, અને ટાઈફોઈડના ૧ર૮૮ કેસ નોંધાયા છે. મે મહિનાના પ્રથમ ત્રણ દિવસમાં જ ઝાડા-ઉલટીના ૮પ કેસ કન્ફર્મ થયા છે.
અમદાવાદમાં કાળઝાળ ગરમી વચ્ચે પણ મચ્છરજન્ય રોગચાળો વધી રહયો છે. ચાલુ વર્ષ દરમિયાન સાદા મેલેરિયાના ૭૧, ઝેરી મેલેરિયા-૦૯, ડેન્ગયુ-૧ર૧ અને ચીકનગુનિયાના ૦પ કેસ નોંધાયા છે. કોલેરાના માફક ડેન્ગયુમાં પણ બાળકોની સંખ્યા વધારે છે જેમાં ૦ થી ૧ વર્ષ સુધીના ૦૮, ૧ થી ૪ વર્ષ સુધીના-૧૬, પ થી ૮ વર્ષ સુધીના ૧૪, અને ૯ થી ૧૪ વર્ષ સુધીના ૧૮ બાળકો ડેન્ગયુના સકંજામાં આવી ગયા છે.