અમદાવાદમાં કોલેરા- ડેન્ગ્યુનો બેવડો હુમલો: 10 દિવસમાં ડેન્ગ્યુના 164 કેસ નોંધાયા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/07/dengue-scaled.jpg)
( દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, સ્માર્ટસિટી અમદાવાદ માં રોગચાળો બેકાબુ બની રહ્યો છે. શહેરીજનો પર પાણી અને મચ્છરજન્ય રોગચાળા નો બેવડો હુમલો થયો છે. કોલેરાના રોગચાળા એ પાછલા 11વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. જયારે ડેન્ગ્યુના કેસમાં ચાલુ મહિને ચિંતાજનક હદે વધારો થયો છે. મ્યુનિસિપલ આરોગ્ય વિભાગ ઘ્વારા સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહયા છે. પરંતુ તે અપૂરતા સાબિત થઈ રહ્યા છે.
શહેરમાં ડેન્ગ્યુ એ હાહાકાર મચાવ્યો છે. ઓગસ્ટ મહિનાના 10 દિવસમાં જ ડેન્ગ્યુના 164 કેસ કન્ફર્મ થયા છે. શહેરના પૂર્વઝોનમાં સૌથી વધુ 128, ઉ.પ.ઝોનમાં 105, પશ્ચિમ ઝોનમાં 106 અને દક્ષિણઝોનમાં 97 કેસ ડેન્ગ્યુના નોંધાયા છે.
વોર્ડદીઠ જોવામાં આવે તો રામોલ 40, થલતેજમાં 39,ગોતા માં 34, બહેરામપુરામાં 32 અને ગોમતીપુર માં 23 કેસ કન્ફર્મ થયા છે. ચાલુ વરસે 10 ઓગસ્ટ સુધી ડેન્ગ્યુના 579, ચિકનગુનિયા ના 32,સાદા મેલેરિયાના 319 અને ઝેરી મેલેરિયાના 37 કેસ નોંધાયા છે. મચ્છરજન્ય રોગચાળા ને નિયંત્રણ માં લેવા માટે આરોગ્ય વિભાગ ઘ્વારા 11616 સરકારી જગ્યા, 10826 ખાનગી જગ્યા અને 6637 કન્સ્ટ્રકશન સાઇટ ચેક કરવામાં આવી છે. જે પૈકી20988 એકમોને નોટિસ આપી રૂ. 82,78,990 વહીવટી ચાર્જ લેવામાં આવ્યો છે
શહેરમાં જીવલેણ કહી શકાય તેવા કોલેરાના કેસ સતત વધી રહયા છે. ચાલુ વર્ષ દરમ્યાન કોલેરાના 187 કેસ નોંધાયા છે. જે છેલ્લા બે દાયકામાં સૌથી વધુ છે. મ્યુનિ. કોર્પોરેશન ઘ્વારા સપ્લાય થતા પાણીમાં ક્લોરીન નો અભાવ કોલેરા માટે જવાબદાર હોવાનું માનવામાં આવે છે.
શહેરના વટવા, લાંભા, ગોમતીપુર, અમરાઈ વાડી, રામોલ સહિતના વિસ્તારોમાંથી કોલેરાના કેસ મોટી સંખ્યામાં બહાર આવી રહયા છે.2022માં કોલેરાના 35 અને 2023માં 95 કેસ કન્ફર્મ થયા હતા. ચાલુ વર્ષ દરમ્યાન ઝાડાઉલ્ટીના 8293, કમળાના 1515 અને ટાઇફોઇડના 3306 કેસ નોધાયા છે.