દાણીલીમડામાંથી એક જ દિવસમાં કોલેરાના ૬ કેસ કન્ફર્મ થયા

પ્રતિકાત્મક
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, સ્માર્ટ સીટી અમદાવાદમાં કોલેરાએ માથુ ઉંચકયું છે. પાછલા વર્ષની માફક ચાલુ વર્ષે મોટી સંખ્યામાં કોલેરાના કેસ બહાર આવી રહયા છે. ચોંકાવનારી બાબત એ છે કે ચાલુ વર્ષે નોંધાયેલા કોલેરાના નોંધાયેલા તમામ કેસ માત્ર પૂર્વ પટ્ટામાંથી કન્ફર્મ થઈ રહયા છે. જયારે દાણીલીમડામાં એક જ દિવસમાં કોલેરાના ૬ કેસ કન્ફર્મ થતાં તંત્ર ચોંકયું છે.
અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળો કાયમી બની ગયો છે. શહેરમા ઝાડા- ઉલ્ટી, કમળાની સાથે સાથે કોલેરાના કેસ પણ નિયમિત રીતે નોંધાઈ રહયા છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સપ્લાય થતાં પ્રદુષિત પાણી અને બેરોકટોક વેચાણ થતા બિનખાદ્યય આહારના કારણે કોલેરાનો પંજો પ્રસરી રહયો છે. ર૦ર૪માં કોલેરાના ર૦પ કેસ નોંધાયા હતાં જે પાછલા ર૦ વર્ષમાં સૌથી વધુ છે.
જયારે ચાલુ વર્ષે પણ પ એપ્રિલ સુધી કોલેરાના ૧૮ કેસ નોંધાયા છે આ તમામ કેસ ગરમીની સીઝન શરૂ થઈ તે પહેલાં જ કન્ફર્મ થયા છે તેથી કાળઝાળ ગરમી વચ્ચે કોલેરાના કેસની સંખ્યા ભયજનક રીતે વધશે તેવી દહેશત પણ વ્યકત કરવામાં આવી રહી છે. કોલેરાનો રોગચાળો ખાસ કરીને શ્રમજીવી વસાહતોમાં વધુ જોવા મળે છે. ચાલુ વર્ષે પણ જે ૧૮ કેસ નોંધાયા છે તે પૈકી મોટાભાગના શ્રમજીવી વસાહતમાંથી કન્ફર્મ થયા છે.
શહેરના દાણીલીમડા વિસ્તારમાં માત્ર ર્૦ દિવસમાં જ કોલેરાના ૧૩ કેસ કન્ફર્મ થયા છે જેમાં ૬ નાના બાળકોનો પણ સમાવેશ થાય છે. ચોંકાવનારી બાબત એ છે કે ર૬ માર્ચે એક જ દિવસમાં ૬ કેસ નોંધાયા હતાં તમામ દર્દીઓને એલ.જી.હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.
વિપક્ષ નેતા સહેજાદખાન પઠાણે પણ ર૦ દિવસ અગાઉ તેમના મત વિસ્તારમાં સપ્લાય થતાં પ્રદુષિત અને પાણીજન્ય રોગચાળા અંગે દક્ષિણ ઝોન ઓફિસમાં આક્રમક રજુઆત કરી હતી તેમ છતાં પરિણામ શૂન્ય છે.
શહેરના દાણીલીમડા ઉપરાંત જોધપુર, નવા વાડજ, ઈન્ડીયા કોલોની અને નરોડા વિસ્તારમાં પણ કોલેરાના કેસ નોંધાયા છે. કોલેરાનો છેલ્લો કેસ ઈસનપુર વિસ્તારમાંથી પ એપ્રિલે કન્ફર્મ થયો છે. કોલેરાનો ભોગ બનનાર નાગરિકની ઉંમર ૧૮ વર્ષની છે જેને એલ.જી.હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે.