અમદાવાદમાં કોલેરા-ડેંન્ગ્યૂના કેસમાં વધારોઃ કમિશ્નર નારાજ

અમદાવાદ મ્યુનિસિપલ આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળા ને નિયંત્રણ માં લેવા માટે સાવચેતી ના પગલાં લેવામાં આવી રહ્યા છે પરંતુ તે અપૂરતા સાબિત થયા છે.
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં શિયાળા ની સીઝન દરમ્યાન પણ મચ્છર અને પાણીજન્ય રોગના કેસ ચિંતાજનક હદે વધ્યા છે. ખાસ કરીને, ડેન્ગ્યુ અને કોલેરા ના કેસમાં વધારો જોવા મળ્યો છે. ૨૦૨૫માં કોલેરાના ૦૪ અને ડેન્ગ્યુના ૬૩ કેસ નોંધાયા છે. માર્ચ મહિનામાં નરોડા વિસ્તારમાં કોલેરાના કેસ કન્ફર્મ થયો છે.
સ્માર્ટસિટી અમદાવાદમાં રોગચાળો લગભગ કાયમી બની ગયો છે. ૨૦૨૪માં કોલેરાના ૨૦૨ કેસ સામે ૨૦૨૫માં ૦૪ કેસ નોંધાયા છે. કોલેરાના કેસ કન્ફર્મ થયા બાદ મ્યુનિ. કમિશનરે રીવ્યુ મીટિંગમાં નારાજગી વ્યક્ત કરી હતી. ફેબ્રુઆરી મહિનામાં નરોડા વોર્ડના રહીશ ૩૯ વર્ષના પુરુષ ને કોલેરા થયો હતો.
દર્દીને ૨૧ ફેબ્રુઆરી એ જી.સી.એસ.હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા તેમજ ૨૬ ફેબ્રુઆરી એ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. દર્દીને ઝાડા-ઉલ્ટી થયા હતા. દર્દીની છેલ્લા એક માસમાં કોઈ વિદેશ કે અન્ય ટ્રાવેલ હિસ્ટ્રી નથી. ૨૦૨૫ ના વર્ષમાં ૯ માર્ચ સુધી ઝાડાઉલ્ટીના કુલ ૯૩૯, કમળાના ૪૪૮ અને ટાઇફોઇડ ના ૬૨૨ કેસ કન્ફર્મ થયા છે.
આ આંકડા ચોંકાવનારા છે. શહેરમાં ડેન્ગ્યુના કેસ પણ વધી રહયા છે. ચાલુ વર્ષમાં ડેન્ગ્યુના ૬૩ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વઝોનમાં ૨૦ અને દક્ષિણ ઝોનમાં ૨૫ કેસ નોંધાયા છે. જયારે ચિકનગુનિયા ના ૦૩, સાદા મેલેરિયાના ૧૯ અને ઝેરી મેલેરિયાના ૦૪ કેસ નોંધાયા છે.
મ્યુનિસિપલ આરોગ્ય વિભાગ ઘ્વારા રોગચાળા ને નિયંત્રણ માં લેવા માટે સાવચેતી ના પગલાં લેવામાં આવી રહ્યા છે પરંતુ તે અપૂરતા સાબિત થયા છે. ૨૦૨૪ની સરખામણીમાં ૨૦૨૫માં નીલ ક્લોરીન ના રીપોર્ટ/સ્પોટની સંખ્યા પણ ઘટી છે. તેમ છતાં કોલેરા અને કમળા ના કેસ વધી રહયા છે. શિયાળાની સીઝનમાં પણ મચ્છરોનો ઉપદ્રવ જોવા મળ્યો હતો જેના કારણે ડેન્ગ્યુ ના કેસ વધ્યા હોવાનું માનવામાં આવે છે.