દાણીલીમડામાં ત્રણ બાળકો કોલેરાની ઝપટમાં

પરિક્ષિતલાલ નગરમાં બે અને નવાબનગરના છાપરામાં એક કેસ નોંધાયો: બાળકો એલ.જી.હોસ્પિટલમાં સારવાર હેઠળ
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સપ્લાય થતાં પ્રદુષિત પાણી અને બેરોકટોક વેચાણ થતાં બિનખાદ્ય આહારોના કારણે પાણીજન્ય રોગ વકરી રહયો છે
જેના કારણે ઝાડા-ઉલ્ટી, કમળો અને કોલેરા જેવા જીવલેણ રોગના કેસમાં ચિંતાજનક હદે વધારો થઈ રહયો છે. દાણીલીમડા વિસ્તારમાં એક જ દિવસે ત્રણ માસુમ બાળકો કોલેરાની ઝપટમાં આવી ગયા છે. શહેરમાં પાણીજન્ય રોગચાળાની સાથે સાથે મચ્છરજન્ય રોગચાળાના કેસ પણ વધી રહયા છે.
અમદાવાદ શહેરમાં ર૦ર૪ના વર્ષમાં કોલેરાના ર૦પ કેસ નોંધાયા હતાં ચાલુ વર્ષની શરૂઆતમાં કોલેરાનો માત્ર એક કેસ નોંધાતા તંત્રએ રાહતનો દમ લીધો હતો. પરંતુ માર્ચ મહિનામાં કોલેરાના ૬ જેટલા કેસ નોંધાયા છે. જે પૈકી છેલ્લા ત્રણ કેસ એક જ વિસ્તારમાંથી બહાર આવતા તંત્ર દોડતું થઈ ગયું છે.
શહેરના દાણીલીમડા વોર્ડમાં આવેલા પરિક્ષીતલાલ નગરના બે બાળકો અને શાહઆલમ નવાબનગરના એક બાળક મળી કુલ ત્રણ બાળકો કોલેરાના ઝપટમાં આવી ગયા છે.
પરિક્ષીતલાલ નગરમાં રહેતા બાળકોની ઉંમર અનુક્રમે ૯ અને પ વર્ષ છે જયારે નવાબનગરમાં રહેતા બાળકની ઉંમર પ વર્ષ છે. આ ત્રણેય બાળકો એલ.જી.હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
શહેરમાં મચ્છરજન્ય રોગચાળો પણ વધી રહયો છે છેલ્લા સપ્તાહ દરમિયાન ડેન્ગ્યુના આઠ અને ચીકનગુનિયાનો એક નવો કેસ નોંધાયો છે. ચાલુ વર્ષ દરમિયાન સાદા મેલેરિયાના ૩૧, ઝેરી મેલેરિયાના ૦૬, ડેન્ગ્યુના ૭૮ અને ચીકનગુનિયાના ૦પ કેસ નોંધાયા છે. શહેરના પૂર્વ ઝોનમાં ડેન્ગ્યુના ૩૦ અને દક્ષિણ ઝોનમાં ડેન્ગ્યુના ર૭ કેસ કન્ફર્મ થયા છે.
વય જુથ મુજબ જોવામાં આવે તો ૦ થી ૧ વર્ષ સુધીના પ, ૧ થી ૪ વર્ષ સુધીના ૧ર, પ થી ૮ વર્ષ સુધીના ૧૦, ૯ થી ૧૪ વર્ષ સુધીના ૧૧ અને ૧પ થી વધુ વય સુધીના ૪૦ લોકો ડેન્ગ્યુના સકંજામાં આવ્યા છે જે પૈકી ૪૦ પુરૂષ અને ૩૮ સ્ત્રી દર્દી છે.