ખંડણી આપવાની ના પાડતાં વેપારી પર સશ્સ્ત્ર હુમલો
મેઘાણીનગરમાં બનેલી ચોંકાવનારી ઘટના : ખંડણીખોરોએ વેપારીને
|
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે ત્યારે અસામાજિક તત્વો દ્વારા ખુલ્લેઆમ ખંડણી ઉઘરાવવામાં આવી રહી છે. શહેરના મેઘાણીનગર વિસ્તારમાં કારમાં પસાર થઈ રહેલાં એક વેપારી પાસેથી ત્રણ માથાભારે શખ્સોએ ખંડણી માંગી હતી. પરંતુ વેપારીએ ખંડણી આપવાનો ઈન્કાર કરતાં માથાભારે શખ્સોએ આ વેપારીને ઢોર માર મારી તલવારના ઘા મારી દેતાં તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, અમદાવાદ શહેરનાં સ્થાનિક માથાભારે તત્ત્વો દ્વારા વેપારીઓ પાસેથી ખંડણીઓ ઉઘરાવવામાં આવી રહી છે અને જા ખંડણી આપવાનો ઈન્કાર કરવામાં આવે તો તેઓની ઉપર હુમલા કરવામાં આવી રહ્યાં છે. આરોપીઓને પોલીસનો કોઈ ડર જ ન હોય તે રીતે ખુલ્લેઆમ આતંક મચાવી રહ્યાં છે.
આ પરિસ્થિતિમાં મેઘાણીનગર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની છે. ભાર્ગવ સોસાયટીમાં રહેતાં અને સિક્યુરીટી એજન્સી ચલાવતાં પલકભાઈ પ્રકાશભાઈ ફડીયા નામનો યુવક પોતાની કાર લઈને ગઈકાલે રાત્રે ભાર્ગવ રોડ ઉપરથી ઘરની પાસેથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાનમાં આજ વિસ્તારમાં રહેતા સુરેશ ઉર્ફે સુરભા યાદવ, ૨. ભાવેશ ઉર્ફે કાળી, ૩. લાલભાઈ યાદવ નામના માથાભારે શખ્સોએ કલંકભાઈની કારને અટકાવી હતી.
ત્રણેય શખ્સોએ કાર ઉભી રખાવ્યા બાદ પલકભાઈને નીચે ઉતાર્યા હતાં. ત્રણેય શખ્સો દારૂ પીધેલી હાલતમાં હતા અને પલકભાઈને નીચે ઉતારી તેમની પાસેથી ખંડણીની ઉઘરાણી કરી હતી. તારો ધંધો સારો ચાલતો હોવાથી તારે ખંડણી આપવી પડશે તેવું સુરેશ નામના શખ્સે જણાવ્યું હતું અને ધાકધમકી પણ આપી હતી. સુરેશે પલકભાઈ ઉપર હુમલો પણ કર્યાે હતો. પલકભાઈએ ખંડણી આપવાનો ઈન્કાર કર્યાે હતો જેના પરિણામે આ ત્રણેય શખ્સોએ ઉશ્કેરાટમાં આવીને તેને ઢોર માર માર્યાે હતો.
મારામારી દરમ્યાન સુરેશ ઉર્ફે સુરભાએ તલવાર કાઢી હતી અને પલકભાઈના માથા ઉપર મારી હતી જેના પરિણામે તેઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. આ દરમિયાનમાં બુમાબુમ થઈ જતાં આસપાસનાં લોકો દોડી આવ્યા હતાં. આ દરમ્યાનમાં ત્રણેય શખ્સોએ પલકભાઈના ખિસ્સામાંથી રૂ.૮૦૦૦ રોકડ લૂંટી લીધા હતા. અને તેમને ગળામાં પહેરેલી ચેન પણ લૂંટવાનો પ્રયાસ કર્યાે હતો પરંતુ લોકો એકત્ર થઈ જતાં તુટેલી હાલતમાં ચેન ત્યાં જ પડેલી હતી. ટોળું ભેગું થઈ જતાં ત્રણેય આરોપીઓ ત્યાંથી નાસી છુટ્યાં હતાં આ દરમ્યાનમાં એકત્ર થયેલાં લોકોએ ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવી પલકભાઈને હોસ્પિટલમાં ગયા હતાં.
જ્યાં તેમની હાલત સુધારા પર છે. ખંડણીખોરોએ ભાગતાં ભાગતાં પલકભાઈની કારમાં પણ તોડફોડ કરી હતી. ઘટનાની જાણ થતાં મેઘાણીનગર પોલીસ ચોંકી ઉઠી હતી અને તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. આ ઘટનાથી સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જાવા મળી રહ્યો છે. આ વિસ્તારના અનેક માથાભારે શખ્સો સ્થાનિક નાગરિકો ઉપર હુમલા કરી રહ્યાં છે. આ વિસ્તારમાં સાંજ પડતાં જ ગુંડાઓનો રાજ હોય તેવા દૃશ્ય સર્જાય છે. મેઘાણીનગર પોલીસે આ અંગે ગુનો દાખલ કરી ત્રણેય આરોપીઓને ઝડપી લેવાના પ્રયાસો શરૂ કર્યા છે. પ્રાથમિક તપાસમાં ત્રણેય આરોપીઓ ભાર્ગવ રોડ ઉપર આવેલી ફુલાજીની ચાલીમાં જ રહેતાં હોવાનું જાણવા મળ્યું છે.