Western Times News

Gujarati News

અમદાવાદ શહેર પોલીસ દ્વારા નાગરિકોને 20 લાખથી વધુનો મુદ્દામાલ પરત કરાયો

તેરા તુજકો અર્પણ-સોના-ચાંદીના દાગીના, વાહનો, મોબાઈલ ફોન સહિતની ચોરાયેલી ચીજવસ્તુઓ ફરી મળતા નાગરિકો ખુશ-ખુશાલ

જનસંવાદ અંતર્ગત અમદાવાદ શહેરના ઝોન-1ના નાયબ પોલીસ કમિશ્નરશ્રીએ અરજદારોના પ્રશ્નો સાંભળી નિરાકરણ માટે આશ્વસ્ત કર્યા

અમદાવાદ શહેર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી પૂર્ણ થયે ચોરાયેલી વસ્તુઓ નાગરિકોને પરત કરવા માટે તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું સમયાંતરે આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે શહેરના ઝોન-1 વિસ્તારના સોલા પોલીસ સ્ટેશન હેઠળના અરજદારોને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજીને તેમનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો હતો. જેમાં સોના-ચાંદીના દાગીના, વાહનો, મોબાઈલ ફોન સહિતની રૂપિયા 20,54,600ની ચીજવસ્તુઓ તેમના મૂળ માલિકોને પરત કરવામાં આવી હતી.

શહેરના ઈન્ચાર્જ પોલીસ કમિશ્નરશ્રી અજય ચૌધરી તેમજ સેક્ટર 1ના અધિક પોલીસ કમિશ્નર શ્રી નિરજ બડગુજરના માર્ગદર્શનમાં સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા સોમપુરા કેળવણી કેન્દ્ર ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જનસંવાદ અંતર્ગત ઝોન-1ના નાયબ પોલીસ કમિશ્નરશ્રી હિમાંશુ વર્માએ અરજદારોને તેમની વસ્તુઓ પરત સોંપી હતી. આ ઉપરાંત તેમણે અરજદારોના પ્રશ્નો સાંભળી નિરાકરણ માટે તેમને આશ્વસ્ત કર્યા હતા. તો કેટલાક કિસ્સાઓમાં સ્થળ પર જ નિરાકરણ કરાયું હતું.

આ અવસરે સ્થાનિક કાઉન્સિલર્સ, આગેવાનો, વરિષ્ઠ નાગરિકો તેમજ અરજદારો ઉપસ્થિત રહ્યા હતા. નાગરિકોની સલામતી માટે પોલીસ વિભાગના આ સક્રિય પ્રયાસને તેમણે બિરદાવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.