Western Times News

Gujarati News

અમદાવાદ શહેર પોલીસ અને અનંત નેશનલ યુનિવર્સિટી વચ્ચે સાયબર સેફ મિશન માટે MOU થયા

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અનંત નેશનલ યુનિવર્સિટી ખાતે સાયબર સેફ મિશન સિમ્પોઝિયમનું કર્યું લોન્ચિંગ

(માહિતી) અમદાવાદ, ભારતની પ્રથમ ડિઝાઈન યુનિવર્સિટી અનંત નેશનલ યુનિવર્સિટી ખાતે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં અમદાવાદ શહેર પોલીસ અને અનંત નેશનલ યુનિવર્સિટી વચ્ચે સાયબર સેફ મિશન માટે MOUકરાયા. રાજ્યમાં સાયબર ક્રાઈમની ગતિવિધિ અટકાવવા અને લોકોને સાયબર ક્રાઈમનો ભોગ બનતા અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સાયબર સેફ મિશન સિમ્પોઝિયમનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, “યુનિવર્સિટી અને અમદાવાદ પોલીસના સહયોગ દ્વારા ગુજરાત સરકારના આ સાયબર સેફ મિશનનું નિર્માણ થયું છે. વધુમાં તેમણે કહ્યું કે, સાયબર ક્રાઇમ ક્ષેત્રે જાગૃતતા લાવવા અમદાવાદ શહેર પોલીસ અનંત નેશનલ યુનિવર્સિટી સાથે મળીને આ પહેલો MOU કરવા જઈ રહી છે. સમગ્ર રાજ્યમાં સૌ પ્રથમવાર આ પ્રકારનો પ્રયાસ સાયબર ક્રાઇમને રોકવા માટે થઈ રહ્યો છે. સાયબર ક્રાઇમ વિશે વાત કરતા શ્રી સંઘવીએ જણાવ્યું કે, આજે ભણેલા-ગણેલા લોકો જ સૌથી વધારે સાયબર ક્રાઇમનો ભોગ બની રહ્યા છે. પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલ સાયબર ક્રાઇમના કેસોમાં રુરલના ઓછા બનાવો જ્યારે અર્બનમાં વધારે બનાવો બની રહ્યા છે. અમારો પ્રયાસ રહેશે કે સાયબર ક્રાઇમ વિશે જાગૃતિ લાવીએ, એવું તેમણે ઉમેર્યું હતું.

મંત્રીશ્રીએ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને અપીલ કરતા કહ્યું હતું કે, તમે આ વિષય પર સંશોધન કરો અમે તમને પ્લેટફોર્મ આપીશું. ગુજરાત સરકાર અને પોલીસ વિભાગ તમને જરૂર પડ્યે તમામ પ્રકારનો સહયોગ આપશે. આ કાર્યક્રમમાં શ્રી હર્ષ સંઘવીના હસ્તે આધુનિક ટેકનોલોજીથી સજ્જ અદ્યતન લેબ ‘અનંત અર્થ લિંક ૨૩૭૨’નું ઉદ્દઘાટન કરાયું હતું. અનંત નેશનલ યુનિવર્સિટીના હેડ ડૉ. અનુનય ચૌબેએ જણાવ્યું હતું કે, “સાયબર સેફ મિશન સિમ્પોઝિયમનું લોન્ચિંગ ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે થયું એ બદલ અમે ગૌરવની લાગણી અનુભવીએ છીએ.યુવા સશક્તિકરણમાં તેમનું યોગદાન નોંધપાત્ર છે. આ પહેલ સાયબર સુરક્ષાને વધારે સુદૃઢ બનાવશે.

આ પ્રસંગે અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી સંજય શ્રીવાસ્તવ સહિત શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પહેલ થકી ગુજરાત પોલીસે સાયબર સેફ મિશનની શરૂઆત કરી છે. સાયબર સેફ મિશનનો ઉદ્દેશ સાયબર અપરાધની સતત બદલાતી દુનિયા વિશે જાગૃતિ લાવવાની તથા લોકોને સાયબર ક્રાઈમનો ભોગ બનતા અટકાવવાનો છે. આ પહેલ વડાપ્રધાનશ્રીના ભારત માટેના વિઝન જ્ર૨૦૪૭ને સાકાર કરવાની દિશામાં એક પ્રશંસનીય પગલું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.