Western Times News

Gujarati News

સિવિલમાં અમેરિકાના તબીબોની ટીમે ગંભીર બીમારી ધરાવતા બાળકોની અત્યંત જટિલ સર્જરી વિનામૂલ્યે કરી

ભારત અને અમેરિકાના તબીબોની ટીમ દ્વારા મૂત્રાશયની કોથળીની ગંભીર બીમારી ધરાવતા બાળકોની અત્યંત જટિલ સર્જરી વિનામૂલ્યે કરવામાં આવી

સિવિલમાં ૧૫મો વાર્ષિક ‘બ્લેડર એક્સસ્ટ્રોફી- એપિસ્પેડિયાસ સાત દિવસીય વર્કશોપ’ સંપન્ન-ઘાના,બાંગ્લાદેશ, બહામાસ સહિતના ૪ દેશ અને ભારતના ૬ રાજ્યોમાંથી આવેલા બ્લેડર એક્સસ્ટ્રોફીની બીમારી ધરાવતા બાળકોને સારવાર પૂરી પાડવામાં આવી

૫ દિવસના વર્કશોપમાં ૧૭ જેટલા રાષ્ટ્રીય – આંતરરાષ્ટ્રીય બાળકોની સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી-ડૉ.રાકેશ જોષી,બાળરોગ સર્જરી વિભાગના વડા

સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે ગત અઠવાડિયે બાળરોગ સર્જરી વિભાગ દ્વારા ૧૫મો વાર્ષિક ‘બ્લેડર એક્સસ્ટ્રોફી- એપિસ્પેડિયાસ સાત દિવસીય વર્કશોપ’ સંપન્ન થયો છે.

આ વર્કશોપમાં વિવિધ સર્જનો, રેસીડેન્ટ ડોક્ટરો, નર્સિંગ ટીમ, રિસર્ચ ટીમ, સ્વયંસેવકો અને નિરીક્ષણ સર્જનો સહિત 55 સભ્યોએ ભાગ લીધો હતો.

વર્કશોપમાં પેશાબની કોથળીની ખામી ધરાવતા 155 થી વધુ દર્દીઓએ તેમના પરિવારો સાથે તપાસ, પરામર્શ અને સારવારના હેતુસર ભાગ લીધો હતો. જેમાં છેલ્લા 14 વર્ષથી ફોલો- અપ પર રહેલા 110 દર્દીઓનો, 40  ફ્રેશ પેશન્ટ સહિત અન્યત્ર ઓપરેશન કરાયેલા દર્દીઓએ પણ વધુ અભિપ્રાય અને માર્ગદર્શન માટે ભાગ લીધો હતો.

કોવિડ મહામારી પછી તબીબી ક્ષેત્રે નવી ઉર્જા સાથે નવી ક્ષિતિજોને સાકાર કરવાના ધ્યેય સાથે કામગીરી કરી રહેલા ભારત અને અમેરિકાના તબીબોના કોલોબ્રેશનની સાર્થક ઉજવણી સ્વરૂપ આ વર્કશોપ હતો.

બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષીએ વિગતો આપતા જણાવ્યું કે, વર્કશોપના પ્રથમ બે દિવસ એકેડેમિક ડિસ્કશનનું સેશન યોજાયું હતું. બાકીના પાંચ દિવસ દરમિયાન લાંબી જટિલ રી – કન્સ્ટ્રક્ટિવ શસ્ત્રક્રિયાઓ પાર પાડવામાં આવી હતી.

જેમાં ૪ આંતરરાષ્ટ્રીય દર્દીઓ સહિત મૂત્રાશયની એક્સ્ટ્રોફી/ એપિસ્પેડિયાસ ધરાવતા ૧૭ બાળકોનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.

૪ આંતરરાષ્ટ્રીય દર્દીઓમાં ઘાના અને બહામાસના ૧-૧ તથા બાંગ્લાદેશના ૨(બે) દર્દીઓની સર્જરી પાર પાડવામાં આવી હતી. વર્કશોપના છેલ્લા પાંચ દિવસમાં દરરોજ વિવિધ પ્રકારની ૩ પડકારજનક સર્જરીઓ પૂર્ણ કરવામાં આવી હતી.

આ તદ્દન નવીન પ્રકારના વર્કશોપ ઉપક્રમમાં લાઈવ સર્જરીઓને કોન્ફરન્સ રૂમમાં જીવંત ચર્ચા સાથે પ્રસારિત કરવામાં આવતી હતી, જે ભાગ લેનાર બધા જ સર્જનો માટે એક ખૂબ જ મદદરૂપ ઉપક્રમ સાબિત થયો હતો. નર્સિંગ ટીમ તમામ જટિલ સર્જરીઓ માટે જરૂરી પ્રી અને પોસ્ટ ઓપરેટિવ સંભાળની ખાતરી કરી રહી હતી, જ્યારે સંશોધન ટીમ અને સ્વયંસેવકો દર્દીઓના પરિવારોનું કાઉન્સેલિંગ કરીને તેમની પાસેથી મહત્વપૂર્ણ ડેટા એકત્ર કરી રહ્યા હતા અને તેમના મનોબળને મજબૂત બનાવી રહ્યાં હતાં. સૌના સહિયારા પ્રયાસ થકી યોજાયેલો આ વર્કશોપ દર્દીઓ સહિત સૌ માટે લાભદાયી બન્યો હતી. વિશ્વભરના દર્દીઓને વિનામૂલ્યે મૂત્રાશયની એક્સ્ટ્રોફીની સર્વશ્રેષ્ઠ સારવાર પૂરો પાડનાર આ વર્કશોપ ખરાં અર્થમાં આવા દર્દીઓ માટે આશીર્વાદરૂપ બન્યો હતો.

આ પ્રસંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણના અધિક મુખ્ય સચિવશ્રી મનોજ અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા. વર્કશોપમાં તેમની નિઃસ્વાર્થ પ્રતિબદ્ધતા બદલ ભારત અને અમેરિકાની તબીબી ટીમોને અધિક મુખ્ય સચિવશ્રી દ્વારા સન્માનિત કરવામાં આવી હતી.

…………

-મિનેશ પટેલ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.