Western Times News

Gujarati News

ફેફસામાં ફસાયેલા મકાઈના દાણાને બહાર કાઢીને સિવિલના ડોકટરોએ બાળકને બચાવ્યું

નાના બાળકોના માતા-પિતા માટે વધુ એક ચેતવણીરૂપ કિસ્સો-અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અને બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોશી અને તેમની ટીમે એક વર્ષના બાળકને આપ્યું નવજીવન

રાજસ્થાનના ૧ વર્ષના બાળકની શ્વાસનળીમાંથી ફેફસામાં પહોંચેલો મકાઈનો દાણો બન્યો જીવલેણ

નાના બાળકો શું ખાઈ રહ્યા છે તેમજ તેઓ ભૂલથી અન્ય કોઈ વસ્તુ ગળી ના જાય એ બાબતે બાળકોના માતા પિતાએ સતત સાવચેત રહેવું  જોઈએ :- ડૉ.રાકેશ જોશી, સુપ્રિન્ટેન્ડન્ટ સિવિલ હોસ્પિટલ

બાળકોના ઉછેર અને તેમના પાલનપોષણ બાબતે ફરીથી એકવાર સમાજ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. રાજસ્થાનના રાજસમંદના એક વર્ષના બાળકને અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા નવા વર્ષ પૂર્વે નવજીવન બક્ષવામાં આવ્યું છે એમ ચોક્કસપણે કહી શકાય.

ઘટનાની વિગતો એવી છે કે , રાજસ્થાનના રાજસમંદના રહેવાસી કાનસિંઘ રાવત અને સંતોષદેવી મધ્યમવર્ગીય પરિવારમાંથી આવે છે. તેમના ૧ વર્ષના બાળક લક્ષ્મણને થોડા દિવસો પહેલા અચાનક ખાંસી ઉધરસ સાથે શ્વાસ લેવામાં તકલીફ જણાઈ આવી. તેમણે તરત રાજસ્થાનના બ્યાવર અને અજમેરમાં બાળરોગ ડોક્ટર્સનો સંપર્ક કર્યો. સિટીસ્કેન કર્યા બાદ બાળકની હાલત જોતા ત્યાંના ડોક્ટર્સ દ્વારા બાળકને તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ જવા જણાવવામાં આવ્યું.

બાળકને અમદાવાદ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યું ત્યારે તેની માતા દ્વારા બાળક ખાતા ખાતા કંઇક ગળી ગયું હતું અને ત્યારબાદ આ ખાંસી અને શ્વાસની તકલીફ શરૂ થઈ હતી, એવી શંકા વ્યક્ત કરવામાં આવી હતી.

બાળકની ગંભીર હાલત જોઇને સિવિલ હોસ્પિટલ ખાતે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અને બાળરોગ સર્જરી વિભાગના વડા ડો. રાકેશ જોશી અને તેમની ટીમે જરા પણ વિલંબ કર્યા વિના બાળકની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બાળકને રેસ્પિરેટરી ડીસ્ટ્રેસ તથા સબક્યુટેનિયસ એમ્ફીસેમા સાથે ન્યુમોમીડિયાસ્ટીનમ હોવાનું પ્રાથમિક તારણ જણાયું હતું.

બાળકની હાલત ગંભીર જણાતા તાત્કાલિક ધોરણે બાળકની સર્જરી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. બાળકની બ્રોન્કોસ્કોપી સર્જરી કરવામાં આવી. જેમાં બાળકના ફેફસામાં એક અજાણ્યો પદાર્થ જોવા મળ્યો, જે બાદમાં મકાઈનો દાણો હોવાનું સાબિત થયું. આમ, બાળક કોઈ ખાદ્ય પદાર્થ ગળી ગયો હોવાનો બાળકની માતાનો શક સાચો નીકળ્યો.

સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અને બાળરોગ સર્જન ડો. રાકેશ જોશી, વિભાગના ડો. રમીલા અને તેમની ટીમ દ્વારા સમય સૂચકતા દાખવીને તાત્કાલિક બાળકની સર્જરી હાથ ધરાવતા બાળકને ગંભીર હાલતમાંથી બહાર લાવીને તેનો જીવ બચાવી શકાયો.

બાળકને ૪ દિવસની પોસ્ટ ઓપરેટિવ સારવાર આપ્યા બાદ અન્ય કોઈ તકલીફ ન જણાતાં ઇન્ટરકોસ્ટલ ટ્યૂબ દૂર કરીને  રજા આપવામાં આવી. સમાજ માટે આ એક ચેતવણીરૂપ કિસ્સો હોવાનું જણાવતાં ડો. રાકેશ જોશી કહે છે કે, મકાઈનો દાણો ભૂલથી બાળકની શ્વાસનળીમાં ફસાઈ ગયો હતો. જેના લીધે અચાનક બાળકનો શ્વાસોશ્વાસ વધી ગયો હતો.

શ્વાસોચ્છવાસ એટલે સુધી વધી ગયો હતો કે બાળકના ફેફસામાં કાણું પડી ગયું હતું તથા શરીરમાં ચામડીની નીચે હવાનું પડ બની ગયું હતું. ફેફસામાં અને હૃદયની આજુબાજુમાં હવા ભરાઈ જતા બાળકની હાલત ગંભીર જણાતી હતી. બ્રોન્કોસ્કોપી દ્વારા બાળકના ડાબા ફેફસામાં ફસાયેલો મકાઈનો દાણો બહાર કાઢવામાં આવ્યો. સર્જરી બાદ બાળક ધીમે ધીમે સ્વસ્થ થવા લાગ્યું.

દરેક નાના બાળકોના માતાપિતાએ આ બાબત ખૂબ જ ધ્યાનમાં રાખવા જેવી છે. નાના બાળકો શું ખાઈ રહ્યા છે અને ભૂલથી તેઓ આવી કોઈ વસ્તુના ગળી ના જાય એ બાબતે બાળકોના માતા પિતાએ સતત સાવચેત રહેવું  જોઈએ, એમ તેમણે ઉમેર્યું હતું.

બાળકના પિતા કાનસિંઘ રાવત સિવિલ હોસ્પિટલ સ્ટાફનો આભાર માનતા જણાવે છે કે, ખરેખર અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ મારા બાળકને નવું જીવન આપ્યું છે.  અત્યંત ગંભીર પરિસ્થિતિમાંથી ડોક્ટરોએ અમારા બાળકનો જીવ બચાવ્યો છે. દરેક માતાપિતાએ આવી ભૂલ તેમનું બાળક ન કરે તે ધ્યાન રાખવું જોઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.