અમદાવાદ સિવિલ મેડિસીટીમાં નવીન ન્યુરોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ નિર્માણ પામશે :- આરોગ્ય મંત્રી

:- ગુજરાતમાં ધાર્મિક, સાંસ્કૃતિક અને મનોરંજન ટુરિઝમ ઉપરાંત વડોદરા, સુરત અને અમદાવાદ જેવા શહેરોમાં મેડિકલ ટુરિઝમનો પણ ઉમેરો
:- આગામી સમયમાં સરકાર દ્વારા વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગર જેવા શહેરોમાં મેડિસિટીની સુવિધાઓમાં વધારો કરાશે
મેડિકલ ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન બદલ 26 જેટલા ડોક્ટર્સને એવોર્ડ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા
અમદાવાદમાં આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષ સ્થાને ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા આયોજિત હેલ્થ કૅર સમિટ યોજાઈ હતી.
આ હેલ્થ કૅર સમિટમાં મંત્રી શ્રી ઋષિકેશ પટેલ એ જણાવ્યું હતું કે, અમદાવાદ સિવિલ મેડિસીટીમાં નવીન ન્યુરોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ નિર્માણ માટે આ વર્ષના બજેટમાં જોગવાઇ કરવામાં આવી છે જે આવનાર સમયમાં ન્યુરોલોજી સાયન્સ ક્ષેત્રે નવા કિર્તીદાન સ્થાપિત કરીને લોકોની આરોગ્ય સુખાકારીમા વધારો કરશે.
ગુજરાત રાજ્યમાં હાલમાં 3700 જેટલી મેડિકલ સીટો છે તેમાં જરૂરી મેડિકલ સીટોનો વધારો કરવામાં આવશે. આ ઉપરાંત, ગુજરાત રાજ્યમાં સરકારી અને ખાનગી ક્ષેત્રમાં બીજા રાજ્યો અને વિદેશોથી દર્દીઓ સારવાર માટે આવતા થયા છે. તેના કારણે ગુજરાતમાં ધાર્મિક, સાંસ્કૃતિક અને મનોરંજન ટુરિઝમ ઉપરાંત વડોદરા, સુરત અને અમદાવાદ જેવા શહેરોમાં મેડિકલ ટુરિઝમનો પણ ઉમેરો થયો છે.
મંત્રીશ્રી ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં મેડિસિટી ઉપર ભાર વધી રહ્યો છે. હાલના સમયમાં ગુજરાતમા અગિયાર લાખ જેટલા દર્દીઓ ઓપીડીની સારવાર લેવા આવે છે અને સવા લાખ જેટલા દર્દીઓ ઇન્ડોર સારવાર લેવા આવે છે.
આગામી સમયમાં વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગર જેવા શહેરોમાં મલ્ટી સ્પેશિયાલિટી સારવારની સુવિધાઓ સરકાર વધારવા જઈ રહી છે. ભવિષ્યમાં ગુજરાતના દરેક પ્રદેશમાં આ પ્રકારની મલ્ટી સ્પેશિયાલિટી અને આધુનિક સારવાર મળી રહેશે. ન્યૂરોલોજી ક્ષેત્રમાં પણ ગુજરાત રાજ્યમાં અને તેના દરેક પ્રદેશમાં સંશોધન અને સારવાર એક જ જગ્યાએ મળી રહે તે રીતે ગુજરાતનું મેડિકલ ક્ષેત્ર આગળ વધી રહ્યું છે.
મંત્રી શ્રી ઋષિકેશ પટેલે ઉમેર્યું હતું કે, આયુર્વેદિક ક્ષેત્રમાં પણ ‘પ્રિવેન્ટિવ કેર‘ માટેની ઘણી વ્યવસ્થાઓ છે. આયુર્વેદિક ક્ષેત્રમાં પણ દેશ અને રાજ્યમાં ઉતરોત્તર પ્રગતિ થઈ રહી છે. દેશ વિદેશમાં લોકો આયુર્વેદિક સારવારની પદ્ધતિઓને અપનાવી રહ્યા છે. આ સમયે આયુર્વેદિક અને એલોપેથીક બંને ક્ષેત્રો સાથે મળીને ગુજરાતને તંદુરસ્ત બનાવે તેવી આશા વ્યક્ત કરી હતી.
મંત્રીશ્રી ઋષિકેશ પટેલે કાર્યક્રમના અંતે મેડિકલ ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન બદલ 26 જેટલા ડોક્ટર્સને એવોર્ડ આપી સન્માનિત કર્યા હતા. જેમ વકીલાત, એન્જિનિયરિંગ, વહીવટી ક્ષેત્ર વગેરે જેવા ક્ષેત્રો ગુજરાત જેવા રાજ્યને પ્રગતિશીલ બનાવવામાં ભાગીદારી આપે છે તેમ મેડિકલ ક્ષેત્રમાં પોતપોતાના વિષયમાં શ્રેષ્ઠ કાર્ય કરવા બદલ ન્યૂઝ 18 ગુજરાતી હેલ્થ કૅર સમિટમાં આ ડોક્ટર્સને બિરદાવવા બદલ મંત્રીશ્રીએ ન્યૂઝ 18 ગુજરાતી ચેનલને અભિનંદન પાઠવ્યા હતા.
આ કાર્યક્રમમાં ન્યૂઝ 18 ગુજરાતીના ચેનલ હેડ શ્રી રાજીવ પાઠક, આમંત્રિત મહેમાનો અને મેડિકલ ક્ષેત્રના તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા.