તણાવા-ડૂબવાથી કોઈનું મૃત્યુ ન થાય, એ માટે પૂરતી તકેદારી રાખવા કલેક્ટરે આપ્યા આદેશ
વરસાદમાં જાન-માલનું નુકસાન નિવારવા જિલ્લા વહીવટી તંત્ર કટિબદ્ધ-લોકોની સલામતીને ધ્યાને લઈને સ્થળાંતર મામલે કોઈ કચાશ ન રાખવા કલેક્ટરશ્રીની તાકીદ
રાજ્યભરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને જોતાં અમદાવાદના જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મંગળવારે તાકીદની બેઠક બોલાવવામાં આવી. કલેક્ટર શ્રી સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં અમદાવાદ ડિઝાસ્ટર શાખાના અધિકારીઓ ઉપરાંત હાજર રહ્યા હતા
જ્યારે અમદાવાદના તમામ તાલુકાના પ્રાંત અધિકારી, મામલતદાર, નગરપાલિકાના ચીફ ઓફિસર્સ, તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ વિડિયો કૉન્ફરન્સના માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેક્ટર શ્રી સંદીપ સાગલેએ અધિકારીઓ પાસેથી દરેક તાલુકાની વિગતો જાણીને સ્થિતિની સમીક્ષા કરી હતી.
અમદાવાદ કલેક્ટર શ્રી સંદીપ સાગલેએ વરસાદમાં તણાવા કે ડૂબવાથી કોઈ પણનું મૃત્યુ ન થાય, એ માટે જરૂરી તમામ તકેદારીઓ રાખવા માટે આદેશ આપ્યા હતા અને જિલ્લા વહીવટી તંત્ર ઝીરો કેઝ્યુલ્ટીની પોલીસી સાથે આગળ વધવા માગે છે, એમ જણાવ્યું હતું.
કલેક્ટરશ્રીનું કહેવું હતું કે માત્ર માનવ જ નહિ, પરંતુ પશુધન માટે પણ એટલી જ કાળજી લેવાની છે અને વરસાદને કારણે કોઈનું મૃત્યુ ન થાય, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. ગમે એવા ભારે વરસાદમાં પણ કોઈ વ્યક્તિ કે પશુ તણાય કે ડૂબી જાય, એવી સ્થિતિનું નિર્માણ ન થાય, એ માટે પ્રિકોશનરી સિસ્ટમ ઊભી કરવાની છે અને પ્રો-એક્ટિવ થઈને પગલાં લેવાવાં જોઈએ.
વધુમાં કલેક્ટરશ્રીએ લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવાનો નિર્ણય સમયસર અને તાત્કાલિક ધોરણે લેવાની તાકીદ પણ અધિકારીઓને કરી હતી. તેમણે જણાવ્યું કે દરેકે દરેક ગામમાં આપણા સંપર્કથી ત્યાંથી સ્થિતિ પર ચાંપતી નજર રહેવી જોઈએ.
ખેતર-વાડીમાં રહેતાં લોકો પૂરની સ્થિતિમાં મુશ્કેલીમાં મુકાતા હોય છે ત્યારે એવા લોકોને વરસાદના દિવસોમાં ગામમાં રહેવાની સૂચના આપવી, પૂરને જોવા લોકો એકઠા ન થાય એની કાળજી લેવી, અમુક સ્તરથી વધારે પાણી હોય તો કોઝ-વે પરથી કોઈ પસાર ન થાય એવા બોર્ડ મારવા સહિતની ઝીણામાં ઝીણી વાતને ધ્યાનમાં રાખીને પૂર્ણ સાવચેતી રાખવા અનુરોધ કર્યો હતો.
અમુક ઇમરજન્સીની સ્થિતિમાં દરેક અધિકારીને પોતાની વિવેકબુદ્ધિથી તાત્કાલિક પગલા ભરવાની પણ સૂચના કલેક્ટરશ્રી તરફથી આપવામાં આવી. શહેરી વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાના તાત્કાલિક નિવારણ અને ઝડપી કાર્યવાહી માટે પણ અધિકારીઓને સૂચિત કરાયા હતા.
વરસાદમાં જાન-માલનું નુકસાન નિવારવ માટે જિલ્લા વહીવટી તંત્ર કટિબદ્ધ છે. કોઈ પણ અનિચ્છનીય ઘટના બને તો તાત્કાલિક તંત્રનું ધ્યાન દોરવા માટે તાકીદ કરવા ઉપરાંત કલેક્ટરશ્રીએ મૃત્યુ, ઈજા કે સંપત્તિના નુકસાનના કિસ્સામાં નાગરિકને સમયસર વળતર ચૂકવાઈ જાય, એની વિશેષ કાળજી લેવા જણાવ્યું હતું.
કલેક્ટરશ્રીએ દરેક તાલુકાના અધિકારીઓને તેમના કંટ્રોલ રૂમને વધારે સતર્ક અને સંવેદનશીલ બનાવવાના આદેશ આપ્યા હતા અને જણાવ્યું હતું કે હું પોતે દરેક કંટ્રોલ રૂમના ટેલિફોન નંબર પર કૉલ કરીને તપાસ કરીશ. કંટ્રોલ રૂમનો સંપર્ક કરનારને વ્યવસ્થિત જવાબ જ નહિ, પરંતુ તેની સમસ્યાનો ઉકેલ મળવો જોઈએ, એવી સૂચના પણ કલેક્ટરશ્રીએ આપી હતી.
નિવાસી અધિક કલેક્ટર શ્રી પરિમલભાઈ પંડ્યાએ પણ બચાવ-રાહત ઉપરાંત સ્વચ્છતા અને સ્વાસ્થ્યને લગતી બાબતો તરફ અધિકારીઓનું ધ્યાન દોરીને વરસાદ પછી રોગચાળો ફાટી ન નીકળે એ માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવા તાકીદ કરી હતી. કાચા અને જોખમી મકાનોનો સરવે વહેલી તકે હાથ ધરવા તથા મકાનને થયેલા નુકસાનીનો સરવે પણ તાત્કાલિક ધોરણે હાથ ધરી વળતર ચૂકવવાની કાર્યવાહી ઝડપી કરવા સૂચના આપી હતી. દૈનિક નુકસાન પત્ર પણ રોજે રોજ જમા કરાવવા અધિકારીઓને તાકીદ કરી હતી.
દરેક તાલુકા માટે લાઇઝન ઓફિસરની નિમણૂક પણ કરી દેવામાં આવી છે, જેઓ આવતી કાલે તાલુકા મથકે જઈને આફત વ્યવસ્થાપન બાબતે સમીક્ષા કરશે, એવી માહિતી પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રાપ્ત થઈ છે. ભારે વરસાદની આગાહીના પગલે અધિકારીઓ અને કર્મચારીઓને રજા ન લેવા તાકીદ કરવામાં આવી છે.
ડિઝાસ્ટર શાખાના અશોક શુક્લ સહિતના અધિકારીઓ પણ આ બેઠકમાં સહભાગી થયા હતા. વરસાદમાં કોઈ પણનો જીવ ન જાય, એ માટે સમગ્ર તંત્ર પ્રતિબદ્ધ છે અને દરેક સ્તરના અધિકારી-કર્મચારીને ખડેપગે રહેવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૂચિત કરી દેવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને જોતાં કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવ્યો છે, જેનો સંપર્ક નંબર છે – 07927560511.