લોકસભા ચૂંટણી અન્વયે અમદાવાદ કલેકટર અને પોલીસ કમિશનર દ્વારા મતગણતરી કેન્દ્રની મુલાકાત લીધી
મતગણતરી કામગીરી દરમિયાન ગોપનીયતા જળવાઈ રહે તથા ચૂંટણી પંચની ગાઇડલાઈનનું પાલન થઈ શકે તે સંદર્ભે ચર્ચા કરાઈ
આગામી લોકસભા ચૂંટણી ૨૦૨૪ની તૈયારીઓના ભાગરૂપે અમદાવાદ જિલ્લા કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે. અને શહેર પોલીસ કમિશનર શ્રી જી.એસ. મલિક દ્વારા મતગણતરી કેન્દ્રો – એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજ તથા ગુજરાત કોલેજની મુલાકાત કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન જે-તે વિભાગના સબંધિત અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
મતગણતરીની કામગીરી દરમિયાન કોઈ ખલેલ ન પહોંચે અને ગોપનીયતા જળવાઈ રહે તેમજ રાજ્ય ચૂંટણી આયોગ તરફથી આપવામાં આવેલ સૂચનાઓની ચુસ્ત અમલવારી થઈ શકે તે અન્વયે જિલ્લા કલેકટરશ્રી અને પોલીસ કમિશનરશ્રી સહિતના અધિકારીઓ દ્વારા શહેરના મતગણતરી કેન્દ્ર એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજ તથા ગુજરાત કોલેજની મુલાકાત લઈ આગામી આયોજન બાબતે જરૂરી ચર્ચાવિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થાને લઈને પણ જરૂરી સૂચનો આપવામાં આવ્યાં હતાં. સાથે સાથે મતગણતરી દરમિયાન તમામ વ્યવસ્થાઓ સુનિશ્રિત કરી શકાય તે બાબતે પણ વિચાર-વિમર્શ કરાયો હતો.
જિલ્લા કલેકટરશ્રી તથા શહેર પોલીસ કમિશનરશ્રી દ્વારા ઉપસ્થિત સૌ અધિકારીશ્રીઓને તમામ બાબતોમાં જરૂરી સૂચન કરી યોગ્ય માર્ગદર્શન અપાયું હતું. આ મુલાકાત પ્રસંગે અધિક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ ઠક્કર, સુશ્રી નેહા ગુપ્તા તથા સબંધિત વિભાગના અધિકારીઓ અને પોલીસકર્મીઓ હાજર રહ્યા હતા.