ધારાસભ્યો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોનો સત્વરે ઉકેલ લાવવા અમદાવાદ કલેક્ટરની અધિકારીઓને તાકીદ

અમદાવાદ ખાતે કલેક્ટર શ્રી સુજિત કુમારના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ
અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર શ્રી સુજિત કુમારના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ બેઠક યોજાઈ હતી. જેમાં અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના ધારાસભ્યશ્રીઓએ પોતાના મત વિસ્તારના પ્રશ્નો રજૂ કર્યા હતા.
આ બેઠકમાં ધારાસભ્યશ્રીઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોનો સમયમર્યાદામાં ઉકેલ લાવવા કલેક્ટરશ્રીએ સબંધિત અધિકારીઓને સૂચના આપી સત્વરે કામ પૂર્ણ કરવા તાકીદ કરી હતી.
આ બેઠકમાં ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્યશ્રીઓ તથા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી દ્વારા વિરમગામ, ધોળકા, સાણંદ સહિતના વિવિધ તાલુકા તથા નગરપાલિકા વિસ્તારોમાં સફાઈ અને ગેરકાયદે દબાણો દૂર કરવા, રસ્તાઓ પહોળા કરવા તેમજ રસ્તાનાં ચાલું કામો પૂર્ણ કરવા, એસ.ટી. બસ સ્ટોપેજ, આધાર અપડેશન માટેની કિટ સહિતના વિવિધ પ્રશ્નો બાબતે રજૂઆતો કરી હતી.
જ્યારે શહેરી વિસ્તારના ધારાસભ્યશ્રીઓએ પોતાના મતવિસ્તારમાં થયેલા ગેરકાયદે દબાણ દૂર કરવા, હાઉસિંગ બોર્ડને લગતા વિવિધ પ્રશ્નો, પ્રોપર્ટી કાર્ડમાં સુધારા, મતદાર સહાયતા કેન્દ્ર, નવી પોલીસ ચોકી બનાવવા તથા કાયદો અને વ્યવસ્થાનું યોગ્ય અમલ કરાવવા અને અશાંતધારાનો ચુસ્તપણે અમલ કરાવવાના મુદ્દે રજૂઆતો કરી હતી. આ ઉપરાંત, ગટર અને સેનિટેશન સહિતના પ્રશ્નો ધારાસભ્યશ્રીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.
આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી કંચનબેન વાઘેલા, સ્થાનિક ધારાસભ્યશ્રી ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી, શ્રી અમિત શાહ, શ્રી હર્ષદભાઈ પટેલ, શ્રી દિનેશસિંહ કુશવાહ, શ્રી કૌશિકભાઈ જૈન, શ્રી જિતેન્દ્રભાઈ પટેલ (ભગત), સુશ્રી દર્શનાબેન વાઘેલા, શ્રી અમૂલ ભટ્ટ, શ્રી બાબુભાઈ જાદવ, શ્રી હાર્દિક પટેલ, શ્રી ઇમરાન ખેડાવાલા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિદેહ ખરે, પોલીસ અધિક્ષકશ્રી ઓમપ્રકાશ જાટ, નિવાસી અધિક કલેકટરશ્રી ભાવિન સાગર, અધિક નિવાસી નાયબ કલેકટરશ્રી હાર્દ શાહ સહિત સંકલન સમિતિના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.