સરકાર અને જનતા વચ્ચે સેતુ રૂપ ભૂમિકા ભજવતું માધ્યમ એટલે ‘સ્વાગત કાર્યક્રમ’
અમદાવાદના ઘાટલોડિયા ખાતે જિલ્લા કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’ યોજાયો
તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2003માં સ્વાગત કાર્યક્રમની શરૂઆત કરી હતી. SWAGAT એટલે કે સ્ટેટ વાઈડ અટેન્શન ઓન ગ્રિવાન્સીસ બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી.
આ સ્વાગત કાર્યક્રમને આજે 2023ના એપ્રિલ માસમાં 20 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે અને તા. 24 એપ્રિલે 21માં વર્ષમાં પ્રવેશ કરશે. રાજ્ય સરકારના છેલ્લા 20 વર્ષના સુશાસનને ચરિતાર્થ કરતા ‘સ્વાગત સપ્તાહ’ની સમગ્ર રાજ્યમાં ઉજવણી કરવામાં આવી રહી છે.
સમગ્ર રાજ્યમાં ઉજવાઈ રહેલો ‘સ્વાગત સપ્તાહ’ અંતર્ગત આજે અમદાવાદના જિલ્લા કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે. સહિતના જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં ઘાટલોડિયા તાલુકાનો ‘સ્વાગત કાર્યક્રમ’ યોજાયો હતો.
જિલ્લા કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને ઘાટલોડિયા તાલુકાના યોજાયેલ ‘સ્વાગત કાર્યક્રમ’માં કુલ 17 જેટલી અરજીઓ મળી હતી. જે સંદર્ભે કલેક્ટરશ્રીએ અરજદારોને રૂબરૂ સાંભળી ત્વરિત ઉકેલ લાવવા સંબંધિત અધિકારીશ્રીઓને સૂચન કર્યું હતું. અને મોટાભાગની અરજીનો સ્થળ પર જ તાત્કાલિક સકારાત્મક રીતે ઉકેલ લાવવામાં આવ્યો હતો.
આ તકે અમદાવાદ પશ્ચિમના ઇ.ચા. સિટી ડેપ્યુટી કલેકટર શ્રી એ.ડી. જોષી, ઘાટલોડિયા મામલતદાર શ્રી રોનક પટેલ તથા મ્યુનિ. કોર્પોરેશનના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.